મલાડની ગુજરાતી મહિલાના હાથમાં ૧૧૦૦ રૂપિયા આપી એ પૈસા સોનાને લગાડવાથી મોટો ફાયદો થશે એમ કહીને એક ગઠિયો પાંચ તોલાના દાગીના પડાવી ગયો
પ્રતીકાત્મક તસવીર
મલાડ-વેસ્ટમાં ઝકરિયા રોડ પર મૈત્રી કલેક્શન નામની દુકાન ધરાવતાં ૫૪ વર્ષનાં પ્રીતિ કેનિયાની દુકાનમાં આવેલો એક યુવાન તેમને વાતોમાં ભોળવીને પાંચ તોલાના સોનાના દાગીના પડાવી ગયો હોવાની ફરિયાદ મલાડ પોલીસ-સ્ટેશનમાં સોમવારે નોંધાઈ છે. પ્લાસ્ટિકની બૉટલ ખરીદવાના બહાને દુકાનમાં પ્રવેશેલા યુવાને દાન આપવું છે એમ કહી ૧૧૦૦ રૂપિયા પ્રીતિબહેનના હાથમાં આપ્યા હતા અને આજનો દિવસ શુભ છે એમ કહ્યું હતું. ત્યાર બાદ આ પૈસા સોનાની વસ્તુની નજીક રાખવાથી ફાયદો થશે એમ કહીને તેણે પ્રીતિબહેને પહેરેલી બંગડીઓ કઢાવી હતી અને તેમને વાતોમાં ભોળવીને આ યુવાન બંગડીઓ લઈને ત્યાંથી પલાયન થઈ ગયો હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
મૈં બાહરગાંવ સે આયા હૂં, યહાં મંદિર કહાં હૈ, મુઝે દાન દેના હૈ એમ કહીને પ્રીતિ કેનિયા સાથે તેમની દુકાનમાં આવેલા યુવાને છેતરપિંડી કરી હતી એમ જણાવતાં મલાડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે બપોરે ત્રણ વાગ્યે પ્રીતિબહેન દુકાનમાં એકલાં હતાં ત્યારે એક યુવાને દુકાનમાં આવીને પ્લાસ્ટિકની બૉટલ ખરીદી કરી હતી. એના પૈસા આપતી વખતે તે યુવાને મૈં બાહરગાંવ સે આયા હૂં, યહાં મંદિર કહાં હૈ, મુઝે દાન દેના હૈ એમ પ્રીતિબહેનને કહ્યું હતું. પછી તેણે કહ્યું કે હું તમને ૧૧૦૦ રૂપિયા આપી દઉં છું, તમે એ પૈસા અહીં કોઈને દાન કરી દેજો. ત્યાર બાદ તેણે ૫૦૦ રૂપિયાની બે નોટ અને ૧૦૦ રૂપિયાની એક નોટ આપી હતી. એ દરમ્યાન યુવાને દુકાનના કાઉન્ટર પર ફૂલોવાળી પ્લાસ્ટિકની થેલી પણ રાખી અને કહ્યું કે મેં તમને દાન કરવા આપેલા પૈસા સોનાની સાથે રાખી દો, આજનો દિવસ શુભ છે. એટલે પ્રીતિબહેને ૧૧૦૦ રૂપિયાથી પોતે પહેરેલી સોનાની બંગડીઓને સ્પર્શ કર્યો હતો. એ પછી તે યુવાને આ દાગીના સાથે તમારે થોડી વાર આ પૈસા રાખવા પડશે એમ કહીને એ બંગડીઓ કઢાવી પોતાના હાથમાં લઈ કાઉન્ટર પર રાખેલી ફૂલોની થેલીમાં પૈસા અને બંગડી રાખ્યા હોવાનો ઢોંગ કરીને એ થેલી પ્રીતિબહેનના હાથમાં આપી હતી. થેલી ૧૦ મિનિટ પછી ખોલજો એમ કહીને તે યુવાન ત્યાંથી જતો રહ્યો હતો. ૧૦ મિનિટ પછી પ્રીતિબહેનને એ થેલી ખોલી ત્યારે એમાંથી તેમની પાંચ તોલાની બંગડીઓ મળી નહોતી. અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં તેઓ ફરિયાદ કરવા પોલીસ-સ્ટેશન આવ્યાં હતાં. આ કેસમાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ પરથી આરોપીની ઓળખ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ કામ ઈરાની ગૅન્ગનું હોય એવું પ્રાથમિક માહિતી પર સમજાય છે.’