ઑપરેશન સિંદૂર પછી પાકિસ્તાનને સપોર્ટ કરનારા આ દેશોમાં ફરવા ન જવાનો અનુરોધ કર્યો શાઇના એનસીએ
ગઈ કાલે મીડિયાને સંબોધતાં શાઇના એનસી. તસવીર : શાદાબ ખાન
ઑપરેશન સિંદૂર પછી બુધવારે ટર્કી અને અઝરબૈજાને પાકિસ્તાનને સપોર્ટ કર્યો છે અને ભારતને વખોડ્યું છે. ટર્કીની ફૉરેન મિનિસ્ટરીએ કહ્યું છે કે ભારતનો આ હુમલો ઉશ્કેરણીજનક છે, જ્યારે અઝરબૈજાને અટૅકમાં જીવ ગુમાવનારા પાકિસ્તાનીઓના પરિવાર માટે દિલસોજી વ્યક્ત કરી છે.
જોકે આ બન્ને દેશોના વલણને કારણે ભારતના નાગરિકોમાં ગુસ્સો વ્યાપી ગયો છે અને સોશ્યલ મીડિયામાં પણ આ બાબતે મેસેજિસ ફરી રહ્યા છે અને કમેન્ટ થઈ રહી છે. શિવસેનાએ આ બાબતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. શિવસેનાનાં નેતા શાઇના એનસીએ એક પ્રેસ-કૉન્ફરન્સ બોલાવી લોકોને આહ્વાન કરતાં કહ્યું છે કે ટર્કિશ ઍરલાઇન્સમાં પ્રવાસ કરવાનું ટાળો. સાથે જ તેમણે ઇન્ડિગો ઍર લાઇન્સને પણ એની સાથેની પાર્ટનરશિપનો અંત લાવે એમ કહ્યું હતું. લોકોને અપીલ કરતાં શાઇના એનસીએ કહ્યું હતું કે વેકેશનમાં ટર્કી અને અઝરબૈજાન જવાનું ટાળો.
ADVERTISEMENT
૨૦૨૪માં ટર્કી અને અઝરબૈજાનમાં ૫.૭ લાખ ભારતીય ટૂરિસ્ટ ફરવા ગયા હતા. શાઇના એનસીએ લોકોને સંબોધતાં કહ્યું હતું કે ‘ટર્કી અને અઝરબૈજાનનો બૉયકૉટ કરો. ત્યાં ફરવા જઈને તેમને કમાણી ન કરાવો. ટર્કીએ પાકિસ્તાનને ભાઈ કહ્યું છે. એનો મતલબ એમ થયો કે તેઓ આતંકવાદીઓને પણ તેમના જ ભાઈ ગણે છે. ભારતે આ દેશો જ્યારે આંતરિક અથડામણોમાં સપડાયા હતા ત્યારે તેમને મદદ કરી હતી, પણ હવે જ્યારે તેમનો વારો આવ્યો ત્યારે તેઓ આપણી ખિલાફ જઈને ઊભા રહી ગયા છે. આપણે ભારતીયોએ આ સમયે આપણા વડા પ્રધાન અને સૈન્યની સાથે તેમના સપોર્ટમાં ઊભા રહેવું જોઈએ. એથી અમે મિનિસ્ટરી ઑફ એક્સટર્નલ અફેર્સને કહીશું કે તેમની સામે યોગ્ય પગલાં લે.’
બાળાસાહેબ મુસીબતના સમયે પડખે ઊભા રહેતા, જ્યારે ઉદ્ધવ તેમનાથી વિપરીત : શાઇના એનસી
શિવસેનાનાં નેતા શાઇના એનસીએ ઉદ્ધવ ઠાકરેને નિશાના પર લેતાં કહ્યું હતું કે ‘બાળાસાહેબ સંકટના સમયે હંમેશાં લોકો સાથે ઊભા રહેવાની સલાહ આપતા, જ્યારે ઉદ્ધવ ઠાકરેનો વ્યવહાર તો તેમનાથી એકદમ જ વિપરીત છે. મહારાષ્ટ્રના લોકો આતંકવાદીઓનો શિકાર બની રહ્યા છે, મરી રહ્યા છે અને ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે વિદેશમાં રજા માણી રહ્યા છે. એટલું જ નહીં, આટલું બધું થવા છતાં પાછા નથી ફરી રહ્યા અને એમ છતાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નિયત પર શંકા કરે છે અને તેમને સવાલો કરવાની હિંમત કરે છે. દેશને તેમની સલાહની જરૂર નથી.’

