ઘાટકોપરના પોલીસ ક્વૉર્ટર્સમાં બંધ ઘરમાં તસ્કરો ત્રાટક્યા, પાંચ લાખ રૂપિયાની માલમતા તફડાવી ગયા
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-ઈસ્ટના રેલવે હૉકી મેદાન નજીક આવેલા રેલવે પોલીસ ક્વૉર્ટર્સના બિલ્ડિંગ-નંબર આઠમાં રહેતા ૫૭ વર્ષના પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રમોદ શિંદેના બંધ ઘરને ટાર્ગેટ કરીને બુધવારે વહેલી સવારે તસ્કરો પાંચ લાખ રૂપિયાની માલમતા ચોરી ગયા હતા. પંતનગર પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બાંદરા રેલવે પોલીસ વિભાગ સાથે જોડાયેલા પ્રમોદ શિંદે મંગળવારે સાંજે ડ્યુટીએ ગયા હતા અને તેમનો પરિવાર દિવાળી નિમિત્તે સાતારા ગયો હતો. એ સમયે બંધ ઘરનો લાભ ઉપાડીને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. આ ચોરીની ઘટના બાદ પોલીસની સુરક્ષા પર પણ પ્રશ્નો ઊભા થાય છે.
પંતનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસ ઇન્સ્પેક્ટર પ્રમોદ શિંદેનો પુત્ર અને તેની પત્ની દિવાળીના વેકેશન નિમિત્તે સોમવારે તેમના મૂળ ગામ સાતારા ગયાં હતાં. પ્રમોદ નાઇટ શિફ્ટમાં હોવાથી મંગળવારે સાંજે ૮ વાગ્યે ઘરને તાળું મારીને ડ્યુટી પર બાંદરા ચાલ્યા ગયા હતા. એ દરમ્યાન બુધવારે સવારે પોલીસ-અધિકારીના પાડોશીએ ઘરનો દરવાજો ખુલ્લો જોતાં પ્રમોદને જાણ કરી હતી. ત્યાર બાદ પ્રમોદે આવીને તપાસ કરતાં ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. મુખ્ય દરવાજાનું તાળું ધારદાર હથિયારથી કાપીને બેડરૂમમાંના કબાટમાંથી સોનાની બંગડી, સોનાના સિક્કા, સોનાની વીંટી ઉપરાંત ચાંદીનાં વાસણો તથા કૅશ ૩૦,૦૦૦ રૂપિયા ચોરાયાં હોવાનું જણાતાં પોલીસ-કન્ટ્રોલમાં જાણ કરવામાં આવી હતી. આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’


