પનવેલમાં હૉસ્પિટલે એક વ્યક્તિનો મૃતદેહ બીજી વ્યક્તિના પરિવારને સોંપ્યો અને તેમણે એના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા
પનવેલની ડૉ. નાનાસાહેબ ધર્માધિકારી હૉસ્પિટલના સ્ટાફે ભૂલથી સુશાંત મલ્લાની ડેડ-બૉડી અન્ય પરિવારને સોંપી દીધી હીતી.
પનવેલની ડૉ. નાનાસાહેબ ધર્માધિકારી હૉસ્પિટલે ભૂલથી ૨૬ વર્ષના સુશાંત મલ્લાની ડેડ-બૉડી અન્ય પરિવારને સોંપી દીધી હતી. સુશાંતના પરિવારજનો તેનો મૃતદેહ લેવા ગયા ત્યારે બૉડી મિસિંગ હતી. એ પછી તપાસ કરતાં ભૂલ થઈ હોવાનું જણાઈ આવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે સુશાંત મલ્લાના પરિવારજનો તેનો મૃતદેહ લેવા હૉસ્પિટલમાં પહોંચ્યા ત્યારે ત્યાંના સ્ટાફે એ મૉર્ચરીમાં (મૃતદેહનું જ્યાં પોસ્ટમૉર્ટમ કરવામાં આવે છે ત્યાં) શોધવાની કોશિશ કરી હતી, પણ બૉડી મળી નહોતી. તેમણે જ્યારે એક મૃતદેહ સુશાંતના પરિવારને બતાવ્યો ત્યારે તેમણે કહ્યું કે એ સુશાંતનો નથી. એથી આ બાબતે ઝીણવટભરી તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે ભૂલથી સુશાંતનો મૃતદેહ અન્ય એક નેપાલી યુવાનના મૃતદેહને બદલે આપી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, એ પરિવાર એ મૃતદેહ લઈને નેપાલ જતો રહ્યો હતો અને એના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ખારઘરમાં રહેતો સુશાંત મલ્લા એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો. ૨૧ ઑક્ટોબરે તેણે આત્મહત્યા કરી હતી. ખારઘર પોલીસે આ સંદર્ભે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ રજિસ્ટર કર્યો હતો અને તેનો મૃતદેહ પૉસ્ટમૉર્ટમ માટે ડૉ. નાનાસાહેબ ધર્માધિકારી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જોકે હૉસ્પિટલ તરફથી ભૂલમાં એ મૃતદેહ અન્ય પરિવારને આપી દેવામાં આવ્યો હતો.
સુશાંતના કઝિન બ્રધર નરેશ મલ્લાએ કહ્યું હતું કે ‘સુશાંતે તેના ઘરમાં જ આત્મહત્યા કરી હતી. ખારઘર પોલીસે તેનો મૃતદેહ પૉસ્ટમૉર્ટમ માટે મોકલ્યો હતો. અમે તેનો મૃતદેહ કલેક્ટ કરવા ૨૪ ઑક્ટોબરે ગયા ત્યારે અમને બીજા કોઈનો મૃતદેહ બતાવવામાં આવ્યો હતો. અમને એ જાણીને નવાઈ લાગી હતી કે તેના પગ પર જે ટૅગ લગાવવામાં આવ્યો હતો એ તેનો નહોતો. એ પછી હૉસ્પિટલના સ્ટાફે અમને થોભવા કહ્યું અને કહ્યું અમે બૉડી શોધીએ છીએ.’
આ કેસની વિગતો આપતાં નરેશ મલ્લાએ વધુમાં કહ્યું હતું કે ‘અમને સાંજ સુધી તેમણે બૉડી આપ્યું નહીં. અમે તેમને કહ્યું કે અમને રાતના ૮ વાગ્યા સુધીમાં મૃતદેહ આપો. એ પછી હૉસ્પિટલના ડીને અમને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે તેમનાથી ભૂલ થઈ છે, અન્ય એક પરિવાર સુશાંતનો મૃતદેહ તેમના સગાનો મૃતદેહ સમજીને નેપાલ લઈ ગયા હતા અને એના અંતિમ સંસ્કાર પણ થઈ ગયા છે. અમે ગરીબ પરિવારના છીએ. અમારું કહેવું છે કે આ હૉસ્પિટલની બેદરકારી છે, ભૂલ છે. પોલીસે આ બાબતે જે જવાબદાર હોય તેની સામે કડક પગલાં લેવાં જોઈએ.’
પોલીસનું કહેવું છે કે તેઓ આ કેસની તપાસ ચલાવી રહ્યા છે અને ઇન્કવાયરી કર્યા પછી એ બાબતે પગલાં લેશે.
દરમ્યાન હૉસ્પિટલના ડીન ડૉ. અશોક ગીતેએ કહ્યું હતું કે ‘આ ઘટનાને કારણે અમને એ પાઠ મળ્યો કે કઈ રાતે આવી પરિસ્થિતિમાં પરિવારે લાગણીમાં તણાઈને મોટી ભૂલ કરી અને અન્યની બૉડીને પોતાનો સ્વજન ગણી લીધો. આ કેસમાં બન્ને પરિવાર નેપાલી છે. વળી બન્ને મરનાર યુવાનોનો શારીરિક બાંધો અને ઉંમર પણ મળતાં આવતાં હતાં. પહેલો પરિવાર તેમના સ્વજનને ઓળખી કાઢ્યો છે એમ કહીને સુશાંતનો મૃતદેહ લઈ ગયો અને એના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા. કમનસીબે આ ગંભીર ગેરસમજ થઈ હતી. હવે બન્ને પરિવારને આ બાબતે સમજાવવામાં આવ્યા છે અને તેમની મંજૂરી લઈને બાકી રહી ગયેલા બૉડીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અમને આ ઘટનાથી એવી શીખ મળી છે કે આવી સંવેદનશીલ બાબતોમાં કોઈ પણ ડિસિઝન પર પહોંચતાં પહેલાં એની અચૂક ખાતરી કરવી જરૂરી છે.’
- શિરીષ વક્તાણિયા અને અમરજિત સિંહ


