વડોદરાના પર્યાવરણપ્રેમી સુનીલ પરમારે કર્યો શ્રદ્ધા સાથે સકારાત્મકતાનો સ્તુત્ય પ્રયાસ : તળાવમાં પધરાવેલા ગરબા ઘરે લાવીને એમાં બલ્બ મૂકીને કર્યો ઝગમગાટ
નવરાત્રિ બાદ તળાવમાં પધરાવેલા ગરબાથી ઘરે લાઇટિંગ
વડોદરાના પર્યાવરણપ્રેમી સુનીલ પરમારે દિવાળીના પાવન પર્વમાં શ્રદ્ધા સાથે સકારાત્મકતાનો સ્તુત્ય પ્રયાસ કર્યો હતો. તેમણે તળાવમાં પધરાવાયેલા નવરાત્રિના ગરબા ઘરે લાવીને એમાં બલ્બ મૂકીને દિવાળીનું ડેકોરેશન કર્યું હતું.
બજારમાંથી લાઇટ લાવવાને બદલે ગરબા એટલે કે માટલીને ઊંધી લટકાવીને એમાં રંગબેરંગી બલ્બ ભરાવીને દિવાળીની રોશની કરનાર વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતા સુનીલ પરમારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજવા રોડ પર કમલાનગર તળાવ છે. આ તળાવમાં અને એના કિનારે નવરાત્રિ બાદ ઘણા લોકોએ નવરાત્રિના ગરબા પધરાવ્યા હતા. ઘણા લોકો પૂજાપા સહિતની વસ્તુઓ પધરાવતા હોય છે જેને કારણે તળાવ દૂષિત થાય છે. તળાવમાં જ્યારે ગરબા જોયા ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તો આ ગરબામાં બલ્બ ભરાવીને રોશની કરું એટલે તળાવમાં પધરાવેલા ગરબા ઘરે લાવીને એને સાફ કરી એમાં રંગબેરંગી બલ્બ મૂકીને લાઇટની સિરીઝ બનાવી હતી. લગભગ ૩૬ ગરબાનો ઉપયોગ કરીને લાઇટની સિરીઝ બનાવી હતી. આમ કરીને મેં વેસ્ટ માટલીઓમાંથી બેસ્ટ લાઇટિંગ સિરીઝ બનાવી હતી. મારા ઘરે ગરબા-રોશની જોઈને પાડોશીઓ એના વિશે પૂછવા લાગ્યા અને એક-બે પાડોશીઓએ પણ આવી લાઇટિંગ કરી હતી.’


