Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હિન્દુઓને ખ્રિસ્તી ધર્મ તરફ વાળવાના પ્રયાસ?

હિન્દુઓને ખ્રિસ્તી ધર્મ તરફ વાળવાના પ્રયાસ?

Published : 09 June, 2026 11:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘાટકોપરની એક સ્કૂલનો હૉલ ભાડે લઈને શંકાસ્પદ પ્રવૃત્તિ બાબતે બજરંગ દલની સતર્કતાથી પોલીસના દરોડા, ચાર જણ સામે ગુનો નોંધાયો

ઘાટકોપરની સ્કૂલના હૉલમાં ભેગા થયેલા લોકો

ઘાટકોપરની સ્કૂલના હૉલમાં ભેગા થયેલા લોકો


ઘાટકોપર-વેસ્ટની કામા લેનમાં આવેલી શ્રી મોહનલાલ રાયચંદ મહેતા સ્કૂલના ચોથા માળના હૉલમાં અંધશ્રદ્ધા ફેલાવીને ગરીબ હિન્દુ નાગરિકોને ધર્મપરિવર્તન તરફ પ્રેરિત કરવાનું મોટું કૌભાંડ રવિવારે બપોરે જાણવા મળ્યું હતું. આ મામલે ઘાટકોપર પોલીસે અંધશ્રદ્ધા ફેલાવવા બદલ ચાર જણ સામે ફરિયાદ નોંધીને તેમની અટકાયત કરી છે. પ્રાર્થનાના નામે અંધશ્રદ્ધા અને ચમત્કાર બતાવીને બીમારીઓ મટાડવાનો દાવો કરીને ૨૦૦થી વધુ હિન્દુ લોકોને બોલાવીને સ્વર્ગમાં જવા માટે ઈશુ એકમાત્ર માર્ગ છે એવી માહિતી આપીને ક્રિશ્ચિયન ધર્મ અપનાવવા માટેનો આગ્રહ કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ બજરંગ દલના કાર્યકરોએ કર્યો હતો. આ ઘટના જાણવા મળ્યા બાદ સ્કૂલ-પ્રશાસને આ બાબતે કોઈ માહિતી ન હોવાનો દાવો કરીને હવે પછી માત્ર હિન્દુ સંસ્થાઓને જ હૉલ ભાડે આપવામાં આવશે એવી સ્પષ્ટતા કરી છે.

બજરંગ દલના સભ્ય અજિત યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુપ્ત સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ શ્રી મોહનલાલ રાયચંદ મહેતા સ્કૂલના ચોથા માળે આવેલા હૉલમાં હિન્દુ ધર્મના લોકોને ભેગા કરીને ખ્રિસ્તી પ્રાર્થનાસભા યોજાઈ રહી હતી અને એના બે વિડિયો પણ મને વૉટ્સઍપ પર મળ્યા હતા. એમાં સ્ટેજ પરથી સફેદ પંજાબી ડ્રેસ પહેરેલી મહિલા અને કેટલાક પુરુષો હિન્દીમાં કહી રહ્યા હતા, ‘તમારા શરીરમાં જે પણ નબળાઈ છે એને અમારો પવિત્ર આત્મા બહાર લાવી રહ્યો છે.’ અન્ય એક વિડિયોમાં લોકોને આકર્ષવા માટે કહેવામાં આવી રહ્યું હતું, ‘સ્વર્ગમાં જવા માટે ઈશુ બોલાવી રહ્યા છે અને એ એકમાત્ર માર્ગ છે.’ આ વિડિયો જોયા બાદ હું મારા અન્ય કાર્યકરો સાથે ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. ત્યાં ઘાટકોપર અને આસપાસના વિસ્તારોમાં રહેતા ગરીબ નાગરિકોને વિવિધ લાલચ આપીને તેમની બીમારીઓ પર તાત્કાલિક ઇલાજ કરી આપવાનો દાવો કરીને એક મોટું ધર્માંતરણ-કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું હતું. જ્યારે પોલીસે સ્થળ પર હાજર લોકોની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે ત્યાં હાજર ૨૦૦ જેટલા લોકો હિન્દુ ધર્મના હતા જેમને ખ્રિસ્તી ધર્મ તરફ વાળવાના પ્રયાસ થઈ રહ્યા હતા. અંતે અમે વિડિયોના પુરાવા રજૂ કર્યા હતા. એ પછી પોલીસે વિશાલાક્ષી ચવાણ, તેના પતિ અર્જુન ચવાણ તેમ જ તેમના સાથીદાર પાસ્ટર યાદવ અને પાસ્ટર અશોક સામે ફરિયાદ નોંધી છે. આ તમામ લોકો ઘાટકોપરના નહોતા. તેઓ નાલાસોપારા અને સાયનથી ઘાટકોપર આવ્યા હતા.’




પોલીસે અટકાયત કરેલા લોકો

પોલીસે શું કહ્યું?


ઘાટકોપર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર નવનાથ રંગતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બજરંગ દલના કાર્યકરોએ આપેલા વિડિયોના પુરાવા અને પ્રાથમિક માહિતીના આધારે અંધશ્રદ્ધા ફેલાવવા સંદર્ભની ફરિયાદ નોંધીને ચાર જણની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓ કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચલાવતા હતા અને લોકોને શું લાલચ આપવામાં આવતી હતી એની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ.’ 

સ્કૂલની સ્પષ્ટતા

સ્કૂલના ટ્રસ્ટી ભાવેશ વોરાએ સ્પષ્ટતા કરી હતી કે ‘વેકેશન હોવાને કારણે સંસ્થાઓને હૉલ ભાડે આપવામાં આવે છે. હૉલમાં આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોવાની સ્કૂલ-પ્રશાસનને જાણ નહોતી. આ ઘટના બાદ અમારી સંસ્થાએ ભવિષ્યમાં બિન-હિન્દુ સંગઠનોને હૉલ ભાડે ન આપવાનો નિર્ણય કર્યો છે.’

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2026 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK