મની-લૉન્ડરિંગ કેસના સૂત્રધાર નરેશ ગોયલનાં તમે સાથી છો, તમે હ્યુમન ટ્રૅફિકિંગ કેસમાં પણ સંકળાયેલાં છો એવું કહીને કરવામાં આવી છેતરપિંડી
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈના નેરુળમાં પામ બીચ રોડ પર રહેતી ૫૦ વર્ષની ગુજરાતી ગૃહિણીને મની-લૉન્ડરિંગ અને હ્યુમન ટ્રૅફિકિંગ કેસમાં ધરપકડ કરવાની ધમકી આપીને ૬૧,૮૭,૦૦૦ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ ગઈ કાલે નવી મુંબઈના સાઇબર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. વૉટ્સઍપ પર વિડિયો-કૉલ કરનાર યુવકે ૨૩થી ૨૭ એપ્રિલ સુધી વિવિધ કારણો આપી ગૃહિણી પાસેથી પૈસા પડાવ્યા હોવાનો દાવો ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) તમારા પૈસાની ખાતરી કરી એ પૈસા પાછા મોકલી આપશે એવી માહિતી આપી મહિલા પાસેથી પૈસા પડાવી લેવામાં આવ્યા હતા એમ જણાવતાં નવી મુંબઈ સાઇબર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગજાનન કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૩ એપ્રિલની બપોરે મહિલાને વૉટ્સઍપ પર એક અજાણ્યા યુવાનનો ફોન આવ્યો હતો. તેણે તમારું સિમ-કાર્ડ બંધ થઈ જશે એવી માહિતી આપી હતી. શા માટે સિમ-કાર્ડ બંધ થઈ જશે એવો સવાલ પૂછતાં સામેવાળા યુવાને કહ્યું હતું કે મની-લૉન્ડરિંગ કેસના સૂત્રધાર નરેશ ગોયલનાં તમે સાથી છો, તમે હ્યુમન-ટ્રૅફિકિંગ કેસમાં પણ સંકળાયેલાં છો એટલું જ નહીં; તમે સેક્સ-રૅકેટ પણ ચલાવો છો એવી માહિતીના આધારે તમારા પર કોલાબા પોલીસ-સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તમારે ૩૦ મિનિટમાં કોલોબા પોલીસ-સ્ટેશન પહોંચવાનું છે. આ ફોન બાદ મહિલા ખૂબ જ ગભરાઈ ગઈ હતી. થોડી વારમાં જ મહિલાને એક વૉટ્સઍપ કૉલ આવ્યો હતો. એ ઉપાડતાં સામે પોલીસના યુનિફૉર્મમાં એક યુવાન હતો જેણે મહિલાને મદદ કરવાનું આશ્વાસન આપીને મહિલાનાં તમામ બૅન્ક-અકાઉન્ટ વિશે માહિતીઓ પૂછી હતી. ત્યાર બાદ તમારા પૈસા RBI પાસે તપાસ માટે મોકલવા પડશે એમ કહીને આશરે ચારથી પાંચ દિવસ સુધી મહિલા પાસેથી ધીરે-ધીરે કરીને ૬૧,૮૭,૦૦૦ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ મહિલાએ તેની પુત્રી સાથે વાત કરતાં છેતરપિંડીનો ખુલાસો થયો હતો.’

