મુંબઈ, થાણે અને પાલઘરમાં આજે યલો અલર્ટ સાથે મધ્યમ વરસાદ પડવાની આગાહી: બુધવારે વરસાદ સામાન્ય પણ ટ્રેનોને અસર, ૧૪ બસ પણ કૅન્સલ રહી
વિહાર પછી તુલસી જળાશય પણ છલકાયું
બુધવારે પણ મુંબઈમાં વરસાદ યથાવત્ રહ્યો હતો, પરંતુ પાલઘર જિલ્લામાં અને વસઈ-વિરારમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિમાં વધુ સુધારો જોવા મળ્યો નહોતો. છેલ્લા થોડા દિવસથી પડતા વરસાદની સરખામણીએ બે દિવસથી વરસાદનું જોર થોડું ઓછું રહ્યું હતું. ૨૪ કલાકમાં સરેરાશ ૮૦ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો, પણ અત્યાર સુધીમાં ૨૦૨૬ના ચાલુ વર્ષનો ૬૬ ટકા વરસાદ પડી ગયો હોવાનું BMCએ જણાવ્યું હતું. ૨૪ કલાકમાં મુંબઈમાં ૧૦૮ ઝાડ પડવાના અને ૯ દીવાલો ધસી પડવાના બનાવો નોંધાયા હતા.
બુધવારે સવારના સમયે પડેલા જોરદાર વરસાદને કારણે વેસ્ટર્ન રેલવેની ટ્રેન-સર્વિસને અસર થવાથી બુધવારે પણ કામે જનારા લોકોએ હાલાકી ભોગવવી પડી હતી. રેલવે-સ્ટેશનો પર થતી અનાઉન્સમેન્ટમાં વસઈ-વિરાર જતી ટ્રેનો લિમિટેડ હોવાનું જણાવવામાં આવતું હતું. જોકે કૅચમેન્ટ વિસ્તારમાં પડેલા સારા વરસાદને કારણે મુંબઈગરાઓને પાણીપુરવઠો પૂરો પાડતાં તુલસી અને વિહાર જળાશયો છલકાઈ ગયાં હતાં. હવે મુંબઈમાં પીવાના પાણીનો પુરવઠો ૪૧ ટકાથી વધુ થયો છે.
ADVERTISEMENT
વસઈ-વિરાર સેક્શનમાં તથા દિક્ષણ ગુજરાતમાં ઘણી જગ્યાએ પાણી ભરાયાં હોવાને કારણે ગુજરાત તરફ જતી ટ્રેનોને પણ અસર થઈ હતી. રેલવેએ આપેલી માહિતી અનુસાર સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે બન્ને લાઇન પર ટ્રેનો વીસથી પચીસ મિનિટ મોડી ચાલી રહી હતી. જોકે મેટ્રો અને બસ-સર્વિસ સામાન્ય રીતે ચાલતી હતી.
વિહાર પછી તુલસી જળાશય પણ છલકાયું
મંગળવારે રાતે વિહાર છલકાવાની સાથે જ તુલસી જળાશય પણ છલકાઈ ગયું હતું. રાતે ૧૧.૪૩ વાગ્યે એની ક્ષમતાના ૧૦૦ ટકા ભરાઈને એ ઓવરફ્લો થયું હતું. ગયા વર્ષે આ જળાશય ૧૬ ઑગસ્ટે છલકાયું હતું. તુલસી જળાશયની ક્ષમતા ૮૦૪૬ મિલ્યન લીટર પાણી પૂરું પાડવાની છે.
ભેખડ ધસી પડવાથી ડૅમેજ થયેલો મુંબઈ-પુણે રેલવે-રૂટ અંશત: શરૂ થયો
મુંબઈ-પુણે રેલવે-રૂટ પર ભોર ઘાટ સેક્શનમાં સતત થયેલા ભૂસ્ખલનને કારણે સોમવારથી ખોરવાયેલા રેલવ્યવહારને પાટા પર લાવવા માટે સેન્ટ્રલ રેલવેએ યુદ્ધના ધોરણે કામગીરી ચલાવી હતી. ૧૧૦૦ કામદારો અને એન્જિનિયરો રિપેરવર્કમાં જોડાયા હતા જેને પગલે મંગળવારે મોડી રાતે એક લાઇન શરૂ થઈ શકી હતી. અસરગ્રસ્ત ૩ રેલવેલાઇનોમાંથી બીજી લાઇન બુધવારે મોડી રાતે શરૂ થવાની શક્યતા હતી.
સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર (CPRO) સ્વપ્નિલ નીલાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘પાટા પરથી કાટમાળ હટાવવા અને ક્ષતિગ્રસ્ત ટ્રૅકને રિપેર કરવા માટે સેંકડો રેલવે-કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં પડી રહેલા અતિ ભારે વરસાદને કારણે અહીં ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી. ઘાટ સેક્શનની મિડલ લાઇન મંગળવારે રાત્રે આશરે ૧૦.૩૦ વાગ્યે જ પૂર્વવત્ કરી દેવામાં આવી હતી. બુધવારે બપોર સુધીમાં આ લાઇન પરથી ૧૧ જેટલી લાંબા અંતરની ટ્રેનોને સુરક્ષિત રીતે પસાર કરવામાં આવી છે. બીજી લાઇન બુધવારે રાતે સંપૂર્ણ રિપેર કરીને ટ્રાફિક માટે ખુલ્લી કરી દેવાશે. જોકે ત્રીજી લાઇનને વ્યાપક નુકસાન થયું હોવાથી એને સામાન્ય થવામાં હજી વધુ સમય લાગી શકે છે.’
ઉલ્લેખનીય છે કે દેશના સૌથી સીધા ગણાતા ઢાળ અને કપરા રેલવે ઘાટ વિસ્તારોમાંના એક એવા ભોરઘાટ સેક્શનમાં ઠાકુરવાડી કૅબિન અને મન્કી હિલ કૅબિન વચ્ચે સોમવારે ભારે ભૂસ્ખલન થતાં મુંબઈ અને પુણે વચ્ચેની ટ્રેન-સર્વિસ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી.
મુંબઈ-ગુજરાત રૂટ પર ૯ ટ્રેન કૅન્સલ થઈ, આજે પણ બે ટ્રેન કૅન્સલ
ભારે વરસાદને કારણે વસઈ-વિરાર પછીનાં અમુક સ્ટેશનો પર તથા દિક્ષણ ગુજરાતમાં અમુક ઠેકાણે ટ્રૅક પર પાણી ભરાઈ જતાં બુધવારે વેસ્ટર્ન રેલવેએ ૯ ટ્રેન કૅન્સલ કરી હતી. આજે પણ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ-હઝરત નિઝામુદ્દીન એક્સપ્રેસને રદ કરવામાં આવી છે. બીજી બાજુ અનેક ટ્રેનો ઘણા કલાકો મોડી ચાલી રહી હતી. પાલિતાણા-બાંદરા ટર્મિનસ સુપરફાસ્ટ જેવી અમુક ટ્રેનોને રીશેડ્યુલ કરવામાં આવી હતી. પાલિતાણા-બાંદરા ટર્મિનસનો ઊપડવાનો સમય સાડાત્રણ કલાક પાછળ ઠેલીને રાતે ૮ વાગ્યાથી રાતે ૧૧.૩૦ વાગ્યાનો કરવામાં આવ્યો હતો. મંગળવારે રાજકોટથી ઊપડેલી રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ પણ ૧૧ કલાક ૯ મિનિટ મોડી ચાલી હતી. આ ઉપરાંત પાલઘરમાં ટ્રૅક પર પાણી ભરાઈ જતાં મુંબઈ તરફ આવતી ટ્રેનો દહાણુમાં જ શૉર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી અને મુંબઈથી જતી અમુક ટ્રેનો પણ મુંબઈને બદલે દહાણુથી જ પાછી વાળવામાં આવી હતી.
