૪ સભ્યોની તપાસસમિતિને આક્ષેપો પ્રથમ દૃષ્ટિએ તદ્દન સાચા હોવાનું જણાયા પછી મંદિર સમિતિના અધ્યક્ષના પ્રાઇવેટ સેક્રેટરી સામે ફરિયાદ
બદરીનાથ
ઉત્તરાખંડના બદરીનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અપાતા દાનનાં નાણાંના સંચાલનમાં થયેલી કથિત નાણાકીય ગેરરીતિ અને વહીવટી કૌભાંડના મામલે પોલીસે મોટી કાર્યવાહી આરંભી દીધી છે. શ્રી બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના એક સસ્પેન્ડેડ કર્મચારી વિરુદ્ધ મંગળવારે મોડી રાત્રે સત્તાવાર રીતે ફરિયાદ નોંધવામાં આવી હતી. ૪ સભ્યોની ઉચ્ચ સ્તરની તપાસસમિતિ દ્વારા આ આક્ષેપોની પ્રાથમિક તપાસમાં સત્યતા જણાયા બાદ પ્રશાસન અને પોલીસ દ્વારા આ કડક પગલું ભરવામાં આવ્યું હતું.
પોલીસના સત્તાવાર નિવેદન અનુસાર આ કેસમાં મંદિર સમિતિના અધ્યક્ષના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા પ્રમોદ નૌટિયાલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દાનની રકમમાં ગોટાળાના ગંભીર આક્ષેપો સામે આવ્યા બાદ મંદિર પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે ૪ સભ્યોની એક વિશેષ તપાસસમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ પોતાના પ્રારંભિક અહેવાલમાં પ્રમોદ નૌટિયાલ સામેના આરોપો પ્રથમ દૃષ્ટિએ સાચા હોવાનું સ્વીકાર્યું હતું. એના કલાકોની અંદર જ તેમને પદ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ મોડી રાત્રે પોલીસ-ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
