Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નકલી પંડિતોનો ધંધો હવે બંધ

નકલી પંડિતોનો ધંધો હવે બંધ

Published : 13 May, 2026 07:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈમાં પૂજાપાઠ માટે પુરોહિત ઓળખપત્ર બનાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી : અખિલ ભારતીય પુરોહિત મહાસંઘ દ્વારા દેશના સૌથી મોટા વેપારી સંગઠન કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના સંયુક્ત ઉપક્રમે લાયક અને પાત્ર વ્યક્તિઓને આપવામાં આવશે આઇ-કાર્ડ

પંડિત અતુલ શાસ્ત્રી

પંડિત અતુલ શાસ્ત્રી


મુંબઈ અને દેશભરમાં નકલી પંડિતો અને પુરોહિતના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા બાદ અખિલ ભારતીય પુરોહિત મહાસંઘ દ્વારા દેશના સૌથી મોટા વેપારી સંગઠન કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના સંયુક્ત ઉપક્રમે મુંબઈમાં હવે પૂજાપાઠ માટે ‘પુરોહિત ઓળખપત્ર’ બનાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેઓ માને છે કે આ ઝુંબેશથી યજમાનની સુરક્ષા અને વૈદિક પરંપરાની શુદ્ધતા જળવાશે તથા પ્રશિક્ષિત તેમ જ લાયક પુરોહિતોને સન્માનજનક કાર્ય મળશે અને છેતરપિંડી પર રોક લાગશે.

દેશની આર્થિક રાજધાની અને માયાનગરી મુંબઈ માત્ર ગતિશીલ શહેર જ નહીં પરંતુ આસ્થા અને શ્રદ્ધાનું પણ કેન્દ્ર છે. અહીં દેશવિદેશના તથા વિવિધ ભાષાઓ બોલતા લોકો વસે છે. સમયની અછત હોવા છતાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ, કૉર્પોરેટ અધિકારીઓ તેમ જ સામાન્ય નાગરિકો પોતાના નિવાસસ્થાન, દુકાન, મૉલ, હૉસ્પિટલ, કારખાનાં અને કચેરીઓમાં નિયમિત પૂજાપાઠ કરાવે છે. દરરોજ સવારે ૪ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી પંડિતજી પાંચથી છ સ્થળોએ પૂજા માટે જાય છે. આ સેવા માસિક કરારના આધારે આપવામાં આવે છે. જોકે છેલ્લા કેટલાક સમયમાં નકલી પંડિતો અને સુરક્ષા સંબંધિત ઘટનાઓને કારણે વેપારીઓમાં ચિંતા વધી છે.



આ બાબતની માહિતી આપતાં અખિલ ભારતીય પુરોહિત મહાસંઘના રાષ્ટ્રીય પ્રવકતા પંડિત અતુલ શાસ્ત્રીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં થોડાં વર્ષોથી મુંબઈ અને દેશમાં નકલી પંડિતો અને પુરોહિતો વધી રહ્યા છે. હિન્દુ સિવાયના અમુક કોમના લોકો પંડિતના વેશમાં યજમાનોના ઘરમાં અને ઑફિસોમાં ઘૂસીને તેમને લૂંટી રહ્યા છે જેને કારણે હિન્દુ પુરોહિતો બદનામ થઈ રહ્યા છે. અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે દેશના અનેક ભાગોમાં મંદિરોનો વહીવટ પણ આ કોમ દ્વારા કરવામાં આવી રહ્યો છે જેનાથી પંડિતો અને પુરોહિતોમાં ચિંતા વધી છે. યજમાનોની સુરક્ષા કરવી અત્યંત જરૂરી છે. આથી આ સમસ્યાના ઉકેલ માટે તાજેતરમાં CAITના રાષ્ટ્રીય મહામંત્રી તથા અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કર અને અખિલ ભારતીય પુરોહિત મહાસંઘના મુંબઈ પ્રદેશ અધ્યક્ષ આચાર્ય નરેન્દ્ર શાસ્ત્રીજી વચ્ચે મહ​ત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. એમાં મુંબઈના બે લાખથી વધુ પુરોહિતો માટે ઓળખપત્ર ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એ મુજબ હવે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં નિવાસસ્થાન, દુકાન, મૉલ, હૉસ્પિટલ, કારખાનાં અને કચેરીઓમાં પૂજાપાઠ માટે માત્ર એ જ પુરોહિતોને પ્રવેશ આપવામાં આવશે જેમની પાસે અખિલ ભારતીય પુરોહિત મહાસંઘ દ્વારા અપાયેલું અધિકૃત ઓળખપત્ર હશે. આ ઓળખપત્ર મહાસંઘ દ્વારા પુરોહિતોના શિક્ષણ, પૂજાપદ્ધતિ અને KYCની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ જ આપવામાં આવશે. આ ઓળખપત્ર ધરાવતા પુરોહિતોને જ વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને કૉર્પોરેટ સંસ્થાઓમાં પૂજાપાઠનું કાર્ય આપવામાં આવશે. આ પગલું યજમાનની સુરક્ષા અને વૈદિક પરંપરાની શુદ્ધતા બન્ને માટે અત્યંત જરૂરી છે. આથી પ્રશિક્ષિત અને લાયક પુરોહિતોને સન્માનજનક કાર્ય મળશે તથા છેતરપિંડી પર રોક લાગશે.’


આ સંદર્ભમાં શંકર ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વેપારી વર્ગની લાંબા સમયથી માગણી હતી કે પૂજા માટે આવતા પુરોહિતની ઓળખ સુનિશ્ચિત હોવી જોઈએ. મહાસંઘ સાથે મળીને અમે આ પારદર્શક વ્યવસ્થા ઊભી કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક વિધર્મી લોકો ખોટી રીતે પંડિત બનીને લોકોની લાગણીઓ સાથે ખેલ કરતા હતા તથા યજમાનની માહિતી અસામાજિક તત્ત્વો સુધી પહોંચાડતા હતા. આ વ્યવસ્થા અમલમાં આવતાં વેપારીઓ પણ નિશ્ચિંત રહેશે.’

ઓળખપત્ર કેવી રીતે મેળવશો?
ઇચ્છુક પુરોહિતોએ પોતાનું ઓળખપત્ર બનાવડાવવા માટે અખિલ ભારતીય પુરોહિત મહાસંઘ, મુંબઈ પ્રદેશ કચેરીનો સંપર્ક કરવો એમ જણાવતાં અતુલ શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘આ ઓળખપત્ર મેળવવા માટે પુરોહિતોએ તેમના બે ફોટો સાથે આધાર કાર્ડ અને શિક્ષણનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. વધુ માહિતી માટે કાર્યાલયનો 92251 11153 નંબર પર સંપર્ક કરવો.’


આ ઓળખપત્ર મહાસંઘ દ્વારા પુરોહિતોના શિક્ષણ, પૂજાપદ્ધતિ અને KYCની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ જ આપવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

13 May, 2026 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK