માલગાડી ખોટકાતાં લોકલ ટ્રેનો પણ અટવાઈ ગઈ હોવાથી જેમ બને એમ જલદી માલગાડીને હટાવવાનું કામ કરવામાં આવશે.’
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ભારે વરસાદને કારણે સેન્ટ્રલ રેલવેની ટ્રેનો સમયપત્રક કરતાં મોડી ચાલતી હતી. એમાં પણ બદલાપુર અને અંબરનાથ સ્ટેશન વચ્ચે એક માલગાડીનું પૈડું સરકી જતાં કલાકો સુધી માલગાડી અટકી પડી હતી. આ કારણે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) તરફ જતી લોકલો ટ્રેનોને પણ અસર થઈ હતી. CSMT-કસારા લાઇનની ટ્રેનો ગઈ કાલે સવારથી જ વરસાદને કારણે મોડી ચાલતી હતી. દાદર, ભાયખલા, મસ્જિદ, કુર્લા અને સાયન જેવાં નીચાણવાળાં સ્ટેશનોના ટ્રૅક પર પાણી ભરાવાને કારણે લોકલ ટ્રેનનું સમયપત્રક ખોરવાઈ ગયું હતું. સેન્ટ્રલ રેલવેની મેઇન લાઇનની ટ્રેનો ૨૦ મિનિટ મોડી ચાલતી હતી. બપોરે ૧૨.૫૫ વાગ્યે માલગાડી અટવાયા બાદ મુસાફરોની હાલાકી વધી ગઈ હતી. સેન્ટ્રલ રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘માલગાડીના પૈડાના સમારકામ માટે અસિસ્ટિંગ એન્જિન રવાના કરી દેવામાં આવ્યું છે. માલગાડી ખોટકાતાં લોકલ ટ્રેનો પણ અટવાઈ ગઈ હોવાથી જેમ બને એમ જલદી માલગાડીને હટાવવાનું કામ કરવામાં આવશે.’

