સૌરાષ્ટ્રના ઘેડ પંથકના પાદરડી ગામની આવી છે દશા : AAPએ આક્ષેપ કર્યો કે બે વર્ષ પહેલાં પુલ તૂટ્યા પછી ફરી નથી બન્યો એટલે લોકોએ જીવ જોખમમાં મૂકવો પડે છે
મહિલાઓ સહિતના ગ્રામજનોને નદી ઓળંગવા માટે ટાયરમાં બેસીને જવું પડે છે
સૌરાષ્ટ્રના ઘેડ પંથકમાં આવેલા પાદરડી ગામ પાસે નદી ક્રૉસ કરવા માટે ગ્રામીણ લોકોએ જીવના જોખમે ટાયરમાં બેસીને-લટકીને અવરજવર કરવી પડે છે. આમ આદમી પાર્ટી (AAP)એ આક્ષેપ કર્યો છે કે બે વર્ષ પહેલાં પુલ તૂટ્યા પછી એ ફરી નહીં બનાવતાં લોકોએ જીવને જોખમમાં મૂકીને ટાયરમાં બેસીને આવ-જા કરવી પડે છે.
ADVERTISEMENT
ઘેડ પંથકની વેદના ઉજાગર કરવા માટે AAP ગુજરાતના નેતા પ્રવીણ રામ છેલ્લા ૧૧ દિવસથી ‘ઘેડ બચાવો’ આંદોલન અંતર્ગત પદયાત્રા કરી રહ્યા છે. આ પદયાત્રા ગઈ કાલે પાદરડી ગામે પહોંચી હતી. પદયાત્રા કરી રહેલા પ્રવીણ રામે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘પાદરડી ગામ પાસે બે વર્ષ પહેલાં નદી પરનો પુલ તૂટી ગયા પછી ખેડૂતો સહિતના ગામજનોએ રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી અને અહીં પુલ બનાવ્યો નથી જેના કારણે ખેડૂતો સહિતના લોકોને મજબૂરીમાં નદીની બન્ને બાજુ વૃક્ષ પર દોરડા અને વાયર બાંધીને એની વચ્ચે ટાયર મૂકીને જીવના જોખમે ટાયર પર બેસીને નદી પસાર કરીને સામે છેડે જવું પડે છે. બાળકો તેમ જ મહિલાઓને પણ સામે છેડે જવા-આવવા માટે ટાયરમાં બેસીને જવું પડે છે.’

