કસ્ટમ્સ ઑફિસરે મુસાફરની ધરપકડ કરીને દુર્લભ પ્રાણીઓને કબજામાં લીધાં હતાં
દુર્લભ પ્રજાતિનાં ઘો અને ઊડતી ખિસકોલી જેવાં શુગર ગ્લાઇડર મુંબઈ ઍરપોર્ટ પરથી પકડાયાં હતાં
મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર બૅન્ગકૉકથી આવેલા ભારતીય મુસાફરના સામાનમાંથી ૧૪ દુર્લભ પ્રજાતિનાં ૬૭ પ્રાણીઓ મળી આવ્યાં હતાં. રવિવારે સવારે કસ્ટમ્સ ઑફિસરે મુસાફરની ધરપકડ કરીને દુર્લભ પ્રાણીઓને કબજામાં લીધાં હતાં.
રેસ્ક્યુઇંક અસોસિએશન ફૉર વાઇલ્ડલાઇફ વેલ્ફેર (RAWW) નામની સંસ્થાના વાઇલ્ડલાઇફ નિષ્ણાતોએ આ પ્રાણીઓને બચાવીને એમની ઓળખ કરી હતી. ત્યાર બાદ અમુક પ્રાણીઓને સારવારની જરૂર જણાતાં એમની સારવાર કરવામાં આવી હતી. આ પ્રાણીઓમાં લેપર્ડ ટૉર્ટોઇઝ, કાચબા, નોળિયાની પ્રજાતિના મિરકેટ્સ, ઊડતી ખિસકોલી ગણાતી શુગર ગ્લાઇડર અને ઘો જેવાં દુર્લભ પ્રજાતિનાં પ્રાણીઓનો સમાવેશ થયો હતો.
ADVERTISEMENT
વાઇલ્ડલાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યુરો (WCCB)એ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ઍક્ટ, ૧૯૭૨ની જોગવાઈ મુજબ જીવતાં પ્રાણીઓને પાછાં મોકલવા માટેની કાર્યવાહી ચાલુ કરી હતી. કસ્ટમ્સ વિભાગે તાબે લીધેલાં પ્રાણીઓમાંથી જીવતાં તમામ પ્રાણીઓને જે ઍરલાઇન્સમાં લાવવામાં આવ્યાં હતાં એ જ ઍરલાઇન્સની વળતી ફ્લાઇટમાં રવિવારે રાતે બૅન્ગકૉક પાછાં મોકલી દેવામાં આવ્યાં હતાં.

