પ્રેમિકા સગીર હોવાથી લગ્ન કરી શકાય એમ નહોતાં એટલે પ્રેમી લિવ-ઇનમાં રહેવા માગતો હતો, પછોકરીએ ના પાડતાં ૨૪ વર્ષના યુવાને તેના ઘરમાં ગળાફાંસો ખાધો પોતાને કારણે બૉયફ્રેન્ડે આત્મહત્યા કરી હોવાની જાણ થતાં બીજા દિવસે ૧૭ વર્ષની ટીનેજરે પણ ગળાફાંસો ખાધો.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
વસઈ નજીક આવેલા નાયગાંવમાં ગઈ કાલે એક અત્યંત ચોંકાવનારી ઘટના બની હતી. નાયગાંવના આશાનગરમાં રહેતા ૨૪ વર્ષના જિતેન્દ્ર વર્મા નામના યુવકે શનિવારે રાતે તેના ઘરમાં ગળાફાંસો ખાધો હતો. બીજા દિવસે એટલે કે રવિવારે નાયગાંવમાં જ રહેતી ૧૭ વર્ષની છાયા ગુપ્તા નામની કિશોરીએ બપોરે તેના ઘરમાં ગળાફાંસો ખાધો હતો. જિતેન્દ્ર અને છાયા એકબીજાંને પ્રેમ કરતાં હતાં. જિતેન્દ્રએ આત્મહત્યા કરી હોવાની જાણ થતાં તેના વિરહમાં છાયાએ પણ આત્મહત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે.
નાયગાંવ પોલીસ-સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ જિતેન્દ્ર વર્મા નાયગાંવમાં આવેલી એક કંપનીમાં જૉબ કરતો હતો. તેની ઓળખાણ પોતાના જ વિસ્તારમાં રહેતી છાયા ગુપ્તા નામની કિશોરી સાથે થયા બાદ બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. છાયા સગીર હતી એટલે તેની સાથે લગ્ન કરવાનું શક્ય નહોતું એટલે જિતેન્દ્ર છાયાને પોતાની સાથે લિવ-ઇન રિલેશનમાં રહેવા માટે છેલ્લા કેટલાક સમયથી આગ્રહ કરતો હતો. જોકે છાયા એક વર્ષ સુધી રાહ જોયા બાદ લગ્ન કરવા માગતી હતી એટલે તે લિવ-ઇન રિલેશનમાં રહેવા તૈયાર નહોતી.
નાયગાંવ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિજય કદમે કહ્યું હતું કે શનિવારે છાયા ગુપ્તા જિતેન્દ્ર વર્માને મળવા ગઈ હતી. આ સમયે જિતેન્દ્રએ ફરી લિવ-ઇન રિલેશનમાં રહેવાનો આગ્રહ કર્યો હતો. સાથે નહીં રહે તો છાયા બાદમાં પોતાને છોડીને જતી રહેશે એવો ડર જિતેન્દ્રને હતો એટલે તે વારંવાર છાયાને પોતાની સાથે રહેવાનો આગ્રહ કરતો હતો. જિતેન્દ્રએ છાયાને કહ્યું હતું કે તે પોતાની સાથે નહીં રહે તો આત્મહત્યા કરશે. છાયાએ જિતેન્દ્રની વાતને ગંભીરતાથી નહોતી લીધી અને તે સાંજે પોતાના ઘરે જતી રહી હતી. શનિવારે રાતે જિતેન્દ્રએ તેના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. પ્રેમી જિતેન્દ્રએ આત્મહત્યા કરી હોવાની જાણ રવિવારે સવારે છાયાને થઈ હતી એટલે તે હતાશ થઈ ગઈ હતી. ઘરના લોકોએ તેને ધીરજ રાખવાનું કહ્યું હતું, પરંતુ પોતાને કારણે જ પ્રેમી જિતેન્દ્રએ જીવન ટૂંકાવ્યું હોવાનું સતત તે રટણ કરવા લાગી હતી. બપોરના સમયે છાયાએ પોતાને રૂમમાં બંધ કરીને ગળાફાંસો ખાઈ લીધો હતો. પ્રેમીના વિરહમાં પ્રેમિકાએ પણ જીવ આપી દીધો હોવાની જાણ થતાં નાયગાંવ પરિસરમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

