Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈને બૅનરમુક્ત કરવાનો ‌સિલ‌સિલો અટકી ગયો?

મુંબઈને બૅનરમુક્ત કરવાનો ‌સિલ‌સિલો અટકી ગયો?

Published : 17 October, 2026 09:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેયર રિતુ તાવડેના દાવા સામે સવાલ : ઘાટકોપરમાં જ ઠેર-ઠેર ગેરકાયદે બૅનરો યથાવત્, મુંબઈને સંપૂર્ણપણે બૅનરમુક્ત કરવાના ઉદ્દેશથી મેયર રિતુ તાવડેએ બુધવારે પોતાના વિસ્તારમાંથી જાતે બૅનરો હટાવીને એક મોટા અભિયાનની શરૂઆત કરી હતી.

ઘાટકોપરની વલ્લભબાગ લેનમાં લાગેલાં બૅનરો, વિદ્યાવિહારના નવા તૈયાર થયેલા બ્રિજ નજીક લાગેલું બૅનર.

ઘાટકોપરની વલ્લભબાગ લેનમાં લાગેલાં બૅનરો, વિદ્યાવિહારના નવા તૈયાર થયેલા બ્રિજ નજીક લાગેલું બૅનર.


મુંબઈને સંપૂર્ણપણે બૅનરમુક્ત કરવાના ઉદ્દેશથી મેયર રિતુ તાવડેએ બુધવારે પોતાના વિસ્તારમાંથી જાતે બૅનરો હટાવીને એક મોટા અભિયાનની શરૂઆત કરી હતી. આ ઝુંબેશને સમગ્ર મુંબઈમાં કડક રીતે અમલમાં મૂકવા માટે તેમણે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓને પણ તાકીદની સૂચનાઓ આપી હતી. જોકે મેયરના આ ઉત્સાહપૂર્ણ સંકલ્પના બીજા જ દિવસે વાસ્તવિકતા કંઈક જુદી જ સામે આવી હતી. મેયરના પોતાના જ વૉર્ડમાં તથા ઘાટકોપરના વિવિધ મુખ્ય માર્ગો અને ચોકો પર હજી પણ ગેરકાયદે રીતે બૅનરો ઝૂલી રહેલાં જોવા મળ્યાં હતાં, જેને કારણે પ્રશાસનની કામગીરી સામે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે.
ઘાટકોપરના એક સ્થાનિક રહેવાસીએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મેયરે જાતે બૅનરો કાઢ્યાં હોવાનો ફોટો જોઈને માત્ર ઘાટકોપર જ નહીં, સમગ્ર મુંબઈવાસીઓએ તેમના આ નિર્ણયને વધાવી લીધો હતો. જોકે વર્તમાન પરિસ્થિતિ અત્યંત દયનીય છે. મેયરના પોતાના જ વિસ્તારમાં લાગેલાં બૅનરો બતાવે છે કે BMCના અધિકારીઓ આદેશોનું પાલન કરવામાં અક્ષમ અથવા ઉદાસીન છે. પરિસ્થિતિ જોતાં મેયર રિતુ તાવડેનો બૅનરમુક્ત મુંબઈનો સંકલ્પ પૂરો થાય એવું દૂર-દૂર સુધી દેખાતું નથી.’
બીજી તરફ નાગરિકોના આક્ષેપો અને વધતા વિરોધ વચ્ચે BMCએ બચાવ-મુદ્રા અપનાવી છે. ઘાટકોપરના N વૉર્ડના એક સિનિયર અધિકારીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ‘અમારા વૉર્ડમાં ગેરકાયદે બૅનરો અને હોર્ડિંગ્સ હટાવવાની ઝુંબેશ સતત અને યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ કામગીરી માટે મેઇન્ટેનન્સ વિભાગ અને અતિક્રમણવિરોધી વિભાગની ટીમો સતત આ ક્ષેત્રમાં સક્રિય છે. છેલ્લા બે જ દિવસમાં ઘાટકોપર વિસ્તારમાંથી ૩૦૦થી વધુ ગેરકાયદે બૅનરો કાઢી નાખવામાં આવ્યાં છે. જ્યાં સુધી તમામ વિસ્તારો સંપૂર્ણપણે સાફ ન થઈ જાય ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.’

પ્રાઇવેટ હૉસ્પિટલોમાં મરાઠી અને અંગ્રેજીમાં સારવારના ચાર્જિસ દર્શાવવા ફરજિયાત 



વધુપડતા ચાર્જિસ અને બિલિંગ વિવાદો ડામવા માટે પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટનું કડક વલણ


પ્રાઇવેટ હૉસ્પિટલો અને ક્લિનિક્સ દ્વારા દરદીઓ પાસેથી લેવાતા વધુપડતા ચાર્જિસ તેમ જ બિલિંગ સંબંધિત વિવાદો અટકાવવા માટે મહારાષ્ટ્ર સરકારે રાજ્યની તમામ પ્રાઇવેટ હૉસ્પિટલો, ક્લિનિક્સ અને મેડિકલ એસ્ટૅબ્લિશમેન્ટ્સ માટે તેમની મેડિકલ સર્વિસિસના ચાર્જિસ મરાઠી તેમ જ અંગ્રેજી ભાષામાં સ્પષ્ટ દેખાય એ રીતે પ્રદર્શિત કરવાનું ફરજિયાત બનાવ્યું છે.
શુક્રવારે બહાર પડાયેલા ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR)માં પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટે પ્રશાસનને આ નિયમનું ઉલ્લંઘન કરતી સંસ્થાઓ સામે કડક વહીવટી અને કાયદેસરનાં પગલાં લેવાનો આદેશ આપ્યો છે.
GR મુજબ હૉસ્પિટલની મુલાકાતે આવતી પ્રત્યેક વ્યક્તિ સરળતાથી જોઈ શકે એ રીતે તમામ ચાર્જિસ દર્શાવવા પડશે. આ નિર્દેશનો મુખ્ય હેતુ હેલ્થકૅર સર્વિસિસમાં પારદર્શિતા લાવવાનો અને દરદીઓ તેમ જ તેમનાં સગાંસંબંધીઓ સારવારના સંભવિત ખર્ચ વિશે અગાઉથી જાણી શકે એ સુનિશ્ચિત કરવાનો છે જેથી તેઓ યોગ્ય નિર્ણય લઈ શકે, સારવારના ખર્ચનું પ્લાનિંગ કરી શકે અને બિલિંગને લઈને ઊભી થતી ગેરસમજ કે ફરિયાદોથી બચી શકાય.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2026 09:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK