શ્રી ગુરુ તેગ બહાદુરજીના ૩૫૦મા શહીદ દિવસ નિમિત્તે પુસ્તક અને સ્મારક સિક્કાઓ પણ બહાર પાડ્યાં
કુરુક્ષેત્રમાં જ્યોતિસર અનુભવ કેન્દ્રમાં પાંચજન્ય સ્મારકને લોકાર્પણ કરી રહેલા નરેન્દ્ર મોદી અને હરિયાણાના ગવર્નર અસીમ કુમાર ઘોષ અને મુખ્ય પ્રધાન નાયાબ સિંહ સૈની
સવારે રામ મંદિરમાં શિખર ધ્વજારોહણ કર્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી હરિયાણાના કુરુક્ષેત્રમાં કૃષ્ણની ભૂમિ પર પહોંચ્યા હતા. કુરુક્ષેત્રમાં તેમણે જ્યોતિસર અનુભવ કેન્દ્ર અને પંચજન્ય શંખ સ્મારકને લોકાર્પણ કર્યાં હતાં. જ્યોતિસર અનુભવ કેન્દ્ર એ અદ્ભુત મહાભારત પર આધારિત અનુભવ કેન્દ્ર છે જ્યાં મહાભારતના મહત્ત્વપૂર્ણ પ્રસંગોનું નિદર્શન કરતાં ઇન્સ્ટૉલેશન્સ છે. એ ભારતની સંસ્કૃતિ અને કૃષ્ણાવતારનું આધ્યાત્મિક મહત્ત્વ દર્શાવે છે. આ જ પરિસરની અંદર ભગવાન શ્રીકૃષ્ણના પવિત્ર શંખના સન્માનમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે જે ધર્મ અને સત્યના વિજયનું પ્રતીક છે. આ વિશાળ શંખ પાંચ ટનથી વધુ વજનનો છે અને એની ઊંચાઈ ચારથી પાંચ મીટર જેટલી છે. ભારત સરકારના પર્યટન ખાતા દ્વારા સંચાલિત સ્વદેશ દર્શન પ્રોજેક્ટ અંતર્ગત આ અનુભવ કેન્દ્ર ડેવલપ કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT
મહાભારત અનુભવ કેન્દ્રનાં ઇન્સ્ટૉલેશન્સ નિહાળી રહેલા નરેન્દ્ર મોદી.
૩૫૦મો શહીદ દિવસ
નરેન્દ્ર મોદી ગઈ કાલે કુરુક્ષેત્રમાં શ્રી ગુરુ તેગ બહાદુરજીના ૩૫૦મા શહીદી દિવસના કાર્યક્રમમાં પણ પહોંચ્યા હતા. અહીં તેમણે શ્રી ગુરુ તેગ બહાદુરજીને સમર્પિત એક પુસ્તક અને સ્મારક સિક્કાઓનું લોકાર્પણ કર્યું હતું. એ પછી નરેન્દ્ર મોદી ઇન્ટરનૅશનલ ગીતા મહોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા હતા. એ પછી નરેન્દ્ર મોદીએ બહ્મસરોવર પર થતી સંધ્યા-આરતીમાં ભાગ લીધો હતો. અહીં તેમણે આરતી કરીને લાઇટ શો જોયો હતો.
કુરુક્ષેત્રમાં નરેન્દ્ર મોદીએ શું કહ્યું?
આ ધરતી પર ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે સત્યના માર્ગ પર પોતાના ધર્મ માટે પ્રાણ આપી દેવા એ શ્રેષ્ઠ છે. ગુરુ તેગ બહાદુરજીએ સત્ય અને ન્યાયને પોતાનો ધર્મ માનીને એ માટે પ્રાણની આહુતિ આપી હતી.
આ ભૂમિ સિખ પરંપરાનું મુખ્ય કેન્દ્ર છે. સિખ પરંપરા એક રાષ્ટ્રીય ઉત્સવના રૂપમાં આપણે મનાવીએ છીએ. આપણી સરકારને ગુરુઓ સાથે જોડાયેલાં સ્થળોને દિવ્ય બનાવવાનો મોકો પણ મળ્યો છે.
નશાખોરીએ યુવાનોને અંધકારમાં ઘેરી લીધા છે. સરકાર પ્રયાસ કરી રહી છે, પણ એ સમાજની લડાઈ છે. એવામાં ગુરુ તેગ બહાદુરજીની શિક્ષા આપણા માટે પ્રેરણા પણ છે અને સમાધાન પણ.


