મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવે આ માટે થોડા દિવસ પહેલાં આ પ્રોજેક્ટ માટે ૧૪૦ કરોડ રૂપિયાની સ્વીકૃતિ આપી દીધી છે
શનિ મંદિર
મધ્ય પ્રદેશની આધ્યાત્મિક રાજધાની ઉજ્જૈનમાં રોજ હજારો શ્રદ્ધાળુઓ બાબા મહાકાલનાં દર્શન માટે પહોંચે છે. ૨૦૨૨માં નરેન્દ્ર મોદી દ્વારા બનેલા મહાકાલ લોકના લોકાર્પણ પછી અહીં શ્રદ્ધાળુઓ અને પર્યટકોની સંખ્યામાં પણ વધારો થયો હતો. આ જ આધ્યાત્મિક વિકાસયાત્રાને આગળ વધારતાં ઉજ્જૈનમાં એક વધુ ભવ્ય ધાર્મિક સ્થળ શનિલોકનું નિર્માણ શરૂ થઈ ગયું છે.
ઉજ્જૈનમાં આમ તો બીજાં ઘણાં ધાર્મિક સ્થળો છે, પરંતુ હવે અહીં મહાકાલ લોકની જેમ શનિલોક બનશે. મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવે આ માટે થોડા દિવસ પહેલાં આ પ્રોજેક્ટ માટે ૧૪૦ કરોડ રૂપિયાની સ્વીકૃતિ આપી દીધી છે.
ADVERTISEMENT
ક્યાં બનશે શનિલોક?
ઉજ્જૈનમાં એક અતિ પ્રાચીન શનિ મંદિર છે ત્યાં શનિલોકનું નિર્માણ શરૂ કરવામાં આવશે. આ એ પ્રસિદ્ધ સ્થળ છે જ્યાં શનિમહારાજ શિવલિંગના સ્વરૂપમાં ભક્તોને દર્શન આપે છે.
ઉજ્જૈનનું શનિ મંદર લગભગ ૨૦૦૦ વર્ષ જૂનું છે અને એની સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી છે. કહેવાય છે કે જ્યારે રાજા વિક્રમાદિત્યની સાડાસાતી સમાપ્ત થઈ ત્યારે શનિમહારાજ પ્રસન્ન થઈને અહીં પ્રગટ થયા હતા અને તમામ નવગ્રહોએ એકસાથે દર્શન આપ્યાં હતાં. આ પહેલું એવું મંદિર મનાય છે જ્યાં શનિદેવ શિવના સ્વરૂપમાં બિરાજમાન છે. શનિદેવની મુખ્ય પ્રતિમાની સાથે ઢૈયા શનિની પ્રતિમા પણ છે. દૂર-દૂરથી લોકો સાડાસાતી અને ઢૈયાની શાંતિ માટે શનિદેવ પર તેલ ચડાવવા આવે છે.


