ઇગતપુરીથી મુંબઈ સુધીનો બાકી રહેલો તબક્કો શરૂ થશેઃ મુંબઈથી નાગપુર ૧૬ને બદલે માત્ર ૮ કલાકમાં પહોંચી શકાશે
મુંબઈ-નાગપુર સમૃદ્ધિ મહામાર્ગ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના જ નહીં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પણ ડ્રીમ પ્રોજેક્ટ મુંબઈ-નાગપુર સમૃદ્ધિ મહામાર્ગના અંતિમ તબક્કાનું કામ પૂરું થઈ ગયું છે. ૬૭,૦૦૦ કરોડ રૂપિયાનો આ ૭૦૧ કિલોમીટર લાંબો મહામાર્ગ આવતા મહિને સામાન્ય લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યા બાદ વાહનમાર્ગે મુંબઈથી નાગપુર ૧૬ કલાકને બદલે માત્ર ૮ કલાકમાં પહોંચી શકાશે એટલે કે મુંબઈથી નાગપુર જવા માટે પ્રવાસનો સમય ૫૦ ટકા ઓછો થવાની સાથે કીમતી ઇંધણના ખર્ચમાં પણ ઘટાડો થશે.
મહારાષ્ટ્રનાં બે મુખ્ય શહેર મુંબઈ અને નાગપુરને જોડતા આ એક્સપ્રેસવેને હિન્દુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ નામ આપવામાં આવ્યું છે. આ મહામાર્ગથી રાજ્યના ૧૦ જિલ્લાને ડાયરેક્ટ અને અન્ય ૧૪ જિલ્લાને આડકતરી રીતે કનેક્ટિવિટી મળી છે. આ મહામાર્ગને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ પણ કહેવામાં આવે છે, જે સંપૂર્ણપણે શરૂ થઈ ગયા બાદ મહારાષ્ટ્રના સામાજિક અને આર્થિક વિકાસ માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
ADVERTISEMENT
પહેલા તબક્કામાં નાગપુરથી શિર્ડી, બીજા તબક્કામાં શિર્ડીથી ભારવીર ખુર્દ અને ત્રીજા તબક્કામાં ભારવીર ખુર્દથી ઇગતપુરી વચ્ચે સમૃદ્ધિ મહામાર્ગ શરૂ કરવામાં આવ્યો હતો. હવે ઇગતપુરીથી મુંબઈ સુધીના બાકી રહેલા ૭૬ કિલોમીટર લંબાઈના ચોથા અને અંતિમ તબક્કાનું કામ પૂરું થઈ ગયું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આવતા મહિને આ માર્ગનું ઉદ્ઘાટન કરે એવી શક્યતા છે.