જોકે ફૈઝાન ખાનનો દાવો છે કે મેં શાહરુખ ખાન સામે કરેલી ફરિયાદને લીધે મને ફસાવવામાં આવી રહ્યો છે
બાંદરા પોલીસે રાયપુરમાંથી ફૈઝાન ખાનની ધરપકડ કરી હતી
શાહરુખ ખાનને મારી નાખવાની ધમકી આપીને ૫૦ લાખ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં મુંબઈ પોલીસ છત્તીસગઢ પોલીસની મદદથી રાયપુરથી ઍડ્વોકેટ ફૈઝાન ખાનને પકડી લાવી છે. તેના ફોનથી જ શાહરુખને ધમકી આપવામાં આવી હતી. જોકે તેણે પ્રાથમિક તપાસમાં એમ કહ્યું હતું કે મારો ફોન બીજી નવેમ્બરથી ખોવાઈ ગયો છે અને એ માટે મેં પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. એટલું જ નહીં, તેણે દાવો કર્યો છે કે મેં શાહરુખ ખાન સામે કરેલી ફરિયાદને કારણે મને આ ધમકીના કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે. મુંબઈ પોલીસે તેને ગઈ કાલે કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને ૧૫ નવેમ્બર સુધીની પોલીસ-કસ્ટડી આપી છે.
બાંદરા પોલીસ-સ્ટેશનમાં ગયા અઠવાડિયે એક ફોન આવ્યો હતો જેમાં શાહરુખ ખાન જો ૫૦ લાખ રૂપિયા નહીં આપે તો તેને મારી નાખવામાં આવશે એવી ધમકી આપવામાં આવી હતી. બાંદરા પોલીસે તપાસ કરીને એ ફોન છત્તીસગઢના રાયપુરમાંથી આવ્યો હોવાનું શોધી કાઢ્યું હતું. એ ફોન ઍડ્વોકેટ ફૈઝાન ખાનના નામે રજિસ્ટર્ડ છે એથી પોલીસે બીજા જ દિવસે તેને તાબામાં લઈ પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે તેનો ફોન બીજી નવેમ્બરે ખોવાઈ ગયો હતો અને એ માટે તેણે સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. જોકે પોલીસને તેની વાત પર ભરોસો નહોતો એટલે તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને એવું લાગી રહ્યું છે કે તે ગેરમાર્ગે દોરી રહ્યો છે.
ADVERTISEMENT
આરોપી ઍડ્વોકેટ ફૈઝાન ખાનનું શું કહેવું છે?
પોલીસે કરેલી ધરપકડ સામે ફૈઝાન ખાનનું કહેવું છે કે તેણે શાહરુખ ખાન સામે કરેલી ફરિયાદને લીધે તેને ખોટી રીતે આ ધમકીના કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે. ફૈઝાન ખાને કહ્યું છે કે ૧૯૯૪માં આવેલી શાહરુખ ખાનની ફિલ્મ ‘અંજામ’માં તેણે તેના નોકરને ઉદ્દેશીને ડાયલૉગ કહ્યો હતો, ‘હરિ સિંહ, ગાડી મેં હિરન પડા હૈ... ઉસે પકાકે ખા લેના.’ જ્યારે ફિલ્મમાં તેની માતાનું પાત્ર ભજવતી મહિલા તેને પૂછે છે, ‘ક્યોં બેગુનાહોં કો મારતે હો?’ જવાબમાં શાહરુખ કહે છે ‘અચ્છા લગતા હૈ, બહોત મઝા આતા હૈ.’
ફૈઝાન ખાનનું કહેવું છે કે તે મૂળ રાજસ્થાનના અજમેરનો છે. તેના ઘણા મિત્રો બિશ્નોઈ સમાજના છે. શાહરુખના આ ડાયલૉગને કારણે તેમને ઘણું દુ:ખ પહોંચ્યું હતું અને તેમની ભાવના દુભાઈ હતી એટલે તેણે શાહરુખ સામે ફરિયાદ નોંધાવી હતી અને તેની સામે કેસ કરવામાં આવે એવી માગણી કરી છે. તેણે આ બાબતે રાજસ્થાનના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ, જોધપુર પોલીસ કમિશનર અને જોધપુરના મથનિયા પોલીસ-સ્ટેશનમાં ૨૯ ઑક્ટોબરે ઈ-મેઇલ મોકલાવીને ફરિયાદ કરી છે. એમાં તેણે પૉઇન્ટ મૂક્યા છે જેના બે મુખ્ય પૉઇન્ટ અંતર્ગત શાહરુખે આમ કરીને બે કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું કર્યું હોવાથી કેસ નોંધવામાં આવે. બીજું, ‘અંજામ’ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે, કારણ કે હિરનને પકાવીને ખાવાના ડાયલૉગને કારણે બિશ્નોઈ સમાજની લાગણી દુભાઈ છે.