મારામારી, ડ્રગ્સનો નશો અને ગેરકાયદે દારૂનું વેચાણ કરનારા ભાગેડુ અને વૉન્ટેડ આરોપીઓને પકડીને જોરદાર કાર્યવાહી કરી
પ્રતીકાત્મક તસવીર
આજની ચૂંટણી શાંતિથી પતે અને કોઈ અપ્રિય ઘટના ન બને એ માટે મુંબઈ પોલીસે સોમવાર મધરાતથી મંગળવાર મધરાત સુધીમાં ખાસ સાવચેતીનાં પગલાં લીધાં હતાં. એ હેઠળ મારામારી કરનારા, ડ્રગ્સનો નશો કરનારા, ગેરકાયદે દારૂનું વેચાણ કરનારા ભાગેડુ અને વૉન્ટેડ આરોપીઓને ઝડપી લઈને જોરદાર બંદોબસ્તની કાર્યવાહી કરી હતી. મુંબઈમાં મારામારી કરનારા ૮૮૮૪ આરોપીઓ રેકૉર્ડ પર નોંધાયેલા છે. એમાંથી ચોક્કસ એવા ૫૭૬ આરોપીઓને ચેક કરવામાં આવ્યા હતા અને એમાંના ૩૦ સામે પ્રિવેન્ટિવ ઍક્શન લેવામાં આવી હતી. પોલીસે આ બાબતે કહ્યું હતું કે આ ચેકિંગ ચૂંટણી સંદર્ભે પોલીસ ઇન્ટેલિજન્સે સ્થાનિક સ્તરે મેળવેલી માહિતીના આધારે કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ડ્રગ્સ લેનારાઓ સામે પણ પગલાં લેવામાં આવ્યાં હતાં. મુંબઈ પોલીસે આ અભિયાન હેઠળ ડ્રગ્સ ધરાવવા બદલ ૩૭૭ કેસ કર્યા હતા અને ૨૧ જણની ધરપકડ કરી હતી. રેકૉર્ડ અનુસાર ૨૧૪૩ ડ્રગ્સના આરોપીઓ નોંધાયેલા છે. આ અભિયાન અંતર્ગત ૨૪૨ની ચકાસણી કરવામાં આવી હતી અને ૭ સામે પ્રિવેન્ટિવ ઍક્શન લેવામાં આવી હતી.
ADVERTISEMENT
ચૂંટણીના સમયે મતદારોને આકર્ષવા ગેરકાયદે દારૂ પણ છૂટથી વહેંચવામાં આવતો હોય છે. પોલીસે ગેરકાયદે દારૂ વેચવાના ૨૮૯ કેસ નોંધ્યા હતા અને ૧૩ જણની ધરપકડ કરીને ૩૩,૧૩૦ રૂપિયાનો ૧૬.૩૩ લીટર દારૂ જપ્ત કર્યો હતો. એક પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે ચૂંટણી પહેલાં દારૂની સપ્લાય રોકી દેવી એ જ અમારો ઉદ્દેશ હતો.
એ જ પ્રમાણે પોલીસે ભાગેડુ આરોપીઓ પર પણ ઍક્શન લીધી હતી. રેકૉર્ડ પરના ૫૯૦૭ ભાગેડુઓમાંથી ૨૬૩ની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી ૧૯ ભાગેડુઓ મળી આવ્યા હતા. એ જ પ્રમાણે ૧૫,૭૧૫ વૉન્ટેડ આરોપીઓની ચકાસણી કરતાં ૧૫ આરોપી આ અભિયાનમાં ઝડપાઈ ગયા હતા.
પોલીસના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ‘આ પ્રિવેન્ટિવ કાર્યવાહી હતી, સાવચેતી માટેની કાર્યવાહી હતી. ચૂંટણીના દિવસે કાયદો અને વ્યવસ્થાનો ચાંપતો બંદોબસ્ત હોવો જ જોઈએ. આ કાર્યવાહી પાછળ એ ઉદ્દેશ હતો કે ચૂંટણી વખતે થનારી સંભવિત અપ્રિય ઘટનાઓ ટાળી શકાય. ચૂંટણીના સમય દરમ્યાન પણ સખત સર્વેલન્સ, નાકાબંધી અને પૅટ્રોલિંગ ચાલુ જ રહેશે જેથી ચૂંટણી શાંતિથી અને કોઈ પણ અપ્રિય ઘટના વગર હાથ ધરી શકાય.’
- અનિશ પાટીલ


