બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના એફ-નૉર્થ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર (AMC) નીતિન શુક્લાની માત્ર બે જ મહિનામાં બદલી કરવાના નિર્ણય સામે આ વૉર્ડમાં આવતા સાયન, માટુંગા અને દાદરના રહેવાસીઓએ બાંયો ચડાવી છે.
બદલી કરવામાં આવેલા એફ-નૉર્થ વૉર્ડના AMC નીતિન શુક્લા.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના એફ-નૉર્થ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર (AMC) નીતિન શુક્લાની માત્ર બે જ મહિનામાં બદલી કરવાના નિર્ણય સામે આ વૉર્ડમાં આવતા સાયન, માટુંગા અને દાદરના રહેવાસીઓએ બાંયો ચડાવી છે. ACM નીતિન શુક્લાની બદલીને રોકવા માટે રહેવાસીઓએ સહીઝુંબેશ શરૂ કરી છે. તેમણે BMCના કમિશનર-કમ-ઍડ્મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણી સહિત સત્તાધારી પક્ષના વિધાનસભ્યોનો સંપર્ક કરીને બદલી રોકવા માટેની વિનંતી કરી હોવાનું જાણવા મળ્યું હતું.
સાયનમાં રહેતાં સામાજિક કાર્યકર પાયલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે મહિના પહેલાં જ નીતિન શુક્લાની અમારા એફ-નૉર્થ વૉર્ડમાં નિયુક્તિ કરવામાં આવી હતી. તેમણે અહીંના ગેરકાયદે ફેરિયાઓથી લઈને સાફસફાઈની સમસ્યા પર સ્થાનિક રહેવાસીઓની સાથે મળીને ગંભીરતાથી કામ શરૂ કર્યું હતું. આથી અમને લાગ્યું હતું કે એક સારા ઑફિસર મળ્યા છે એટલે વૉર્ડનાં વર્ષોથી પેન્ડિંગ કામ પૂરાં થવાની સાથે નવાં કામ પણ થઈ શકશે. જોકે શુક્રવારે અચાનક જ માત્ર બે મહિના પહેલાં નિયુક્ત કરવામાં આવેલા નીતિન શુક્લાની બદલી કરી દેવામાં આવી હતી. એક પોસ્ટ પર ત્રણ વર્ષ સુધી એક અધિકારી કામ કરી શકે છે, પણ બે જ મહિનામાં બદલી કરી દેવામાં આવી છે. આ યોગ્ય નથી. આટલો સમય તો કોઈ નવા અધિકારીને વૉર્ડની સમસ્યા જાણવામાં લાગે છે. આ ઑફિસરને ફરી અમારા વૉર્ડમાં નિયુક્ત કરવા માટેની સહી અને સોશ્યલ મીડિયા ઝુંબેશ અમે શરૂ કરી છે. શનિવારે અમે આ ઝુંબેશ શરૂ કરી હતી જેના ગણતરીના કલાકમાં અસંખ્ય લોકોએ સહી કરીને નિર્ણયને રદ કરવાની માગણી કરી છે. હવે આજે અમે વૉર્ડ ઑફિસના પરિસરમાં જઈને વિરોધ પ્રદર્શિત કરીશું.’
સ્થાનિક રહેવાસીઓ જ નહીં, BMCના એન્જિનિયરો પણ બદલીનો વિરોધ કરી રહ્યા છે. મ્યુનિસિપલ એન્જિનિયર્સ અસોસિએશનના એક્ઝિક્યુટિવ પ્રેસિડન્ટ રમેશ ભૂતેકરે કહ્યું હતું કે ‘AMC નીતિન શુક્લા ખૂબ સક્રિય અધિકારી છે અને તેમણે ફુટપાથને ગેરકાયદે ફેરિયાઓથી સફળતાથી મુક્ત કરાવી દીધી છે. રાજકીય દબાવને લીધે તેમની બદલી કરવામાં આવી છે. અમે બદલીનો નિર્ણય પાછો ખેંચવા માટે કમિશનર ભૂષણ ગગરાણી સાથે બેઠક કરવાનો સમય માગ્યો છે.’

