કાંદિવલીમાં રહેતાં ગુજરાતી સિનિયર સિટિઝન મહિલાની જીવનભરની જમાપૂંજી ડિજિટલ અરેસ્ટના નામે પડાવી લેનારા બે યુવક પુણેથી પકડાયા. ધમકાવીને ૧૫થી ૧૮ જાન્યુઆરી વચ્ચે ૯,૭૫,૨૫૦ રૂપિયા પડાવી લેનાર બે યુવકોની ચારકોપ પોલીસે ગયા અઠવાડિયે પુણેથી ધરપકડ કરી હતી.
પુણેથી ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ
કાંદિવલી-વેસ્ટના એમ. જી. રોડ પર RNA મિલેનિયમ ટાઉનમાં રહેતાં ૭૧ વર્ષનાં પ્રવીણા ઝવેરીને ડિજિટલ અરેસ્ટના નામે ધમકાવીને ૧૫થી ૧૮ જાન્યુઆરી વચ્ચે ૯,૭૫,૨૫૦ રૂપિયા પડાવી લેનાર બે યુવકોની ચારકોપ પોલીસે ગયા અઠવાડિયે પુણેથી ધરપકડ કરી હતી. પ્રવીણાબહેનને એટલી હદે ધમકાવવામાં આવ્યાં હતાં કે તેમણે પોતાની જીવનભરની જમાપૂંજી ઉપરાંત પોતાની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તોડીને એ પૈસા આરોપીએ કહેલા અકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. આ મામલે ગંભીરતાથી તપાસ કરતાં પોલીસે બૅન્ક-અકાઉન્ટમાં પૈસા સ્વીકારનાર ૨૩ વર્ષના ભગારામ દેવાસી અને ૨૪ વર્ષના કમલેશ ચૌધરીની ટેક્નિકલ માહિતીના આધારે ધરપકડ કરી હતી. આ કેસમાં અન્ય આરોપી મુંબઈ અને સુરતના હોવાનો દાવો કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શું હતો ઘટનાક્રમ?
પોલીસ-યુનિફૉર્મ અને વકીલનાં કપડાંમાં સાઇબર ગઠિયાએ મહિલાને વિડિયો-કૉલ કરી ધમકાવીને પૈસા પડાવ્યા હતા એમ જણાવતાં ચારકોપના પોલીસ-ઇન્સ્પેક્ટર રવિરાજ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાંદિવલીમાં એકલાં રહેતાં સિનિયર સિટિઝનને અજાણ્યા યુવકે ૧૫ જાન્યુઆરીએ ફોન કરીને પોતાની ઓળખ પોલીસ-અધિકારી તરીકે આપીને ધમકી આપી હતી કે તમારું નામ મની લૉન્ડરિંગ કેસમાં સંડોવાયેલું છે. એમ કહીને તેણે ડિજિટલ અરેસ્ટની ધમકી આપી હતી એટલું જ નહીં, ત્રણ દિવસ સુધી સતત વિડિયો-કૉલ કરવામાં આવ્યો હતો જેમાં સામે દેખાતો યુવક પોલીસ-યુનિફૉર્મમાં હતો. જોકે આ વિડિયો-કૉલમાં વકીલનાં કપડાંમાં દેખાતા યુવકે આ મામલાને રફેદફે કરવાનું કહીને તેમની પાસેથી ૯,૭૫,૨૫૦ રૂપિયા પડાવી લીધા હતા. એ પૈસા માટે મહિલાએ પોતાની FD પણ તોડાવી નાખવી પડી હતી. આ ઘટનામાં મહિલા એટલી હદે ગભરાઈ હતી કે તેણે અમારી પાસે છેક ૩૧ જાન્યુઆરીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવાની સાથે અમારી ટીમ તપાસમાં લાગી ગઈ હતી.’
કેવી રીતે પકડાયા આરોપી?
ધરપકડ કરવામાં આવેલા આરોપીને કમિશનરૂપે પૈસા આપવામાં આવ્યા હતા એમ જણાવતાં ચારકોપના પોલીસ-ઇન્સ્પેક્ટર (સાઇબર વિભાગ)ના વિશાલ તેજાલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલાએ સામેથી જે અકાઉન્ટમાં પૈસા મોકલ્યા હતા એની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. એ સમયે એક અકાઉન્ટ પુણેનું હોવાની માહિતી મળતાં અમે એ અકાઉન્ટ સંબંધી માહિતી કઢાવી ત્યારે એ બૅન્ક-ખાતું નવું જ ખોલવામાં આવ્યું હોવાની માહિતી અમને મળી હતી એટલે તાત્કાલિક અમે પુણેના તળવડેના રૂપીનગર પહોંચ્યા હતા. એ સમયે ભગારામે બૅન્ક-ખાતું ખોલ્યું હતું જેમાં તેને કમલેશે મદદ કરી હોવાનું સામે આવતાં અમે બન્નેની ધરપકડ કરી હતી. આ ટ્રાન્ઝૅક્શન પાછળ તેમને ૩૦,૦૦૦ રૂપિયાનું કમિશન મળ્યું હોવાનું આરોપીએ સ્વીકાર્યું હતું. એ ઉપરાંત બૅન્ક-ખાતામાં આવેલા બીજા પૈસા તેમણે મુંબઈ અને સુરતમાં આગળ ટ્રાન્સફર કર્યા હોવાની કબૂલાત કરી હતી. આ કેસમાં અમે હવે પછી મુંબઈ અને સુરતના આરોપીને પકડવા માટેની તપાસ હાથ ધરી છે.’

