૨૬ એપ્રિલે તરબૂચ ખાધા પછી પતિ-પત્ની અને બે દીકરીનાં મૃત્યુ થયાં હતાં
ડોકાડિયા પરિવાર
પાયધુનીમાં રહેતા ડોકાડિયા પરિવારના ૪ સભ્યોનાં એકસાથે મોતના કેસમાં કેસની તપાસ કરી રહેલી જે. જે. માર્ગ પોલીસને હવે જે. જે. હૉસ્પિટલના ફૉરેન્સિક ડિપાર્ટમેન્ટ તરફથી ફાઇનલ કૉઝ ઑફ ડેથ દર્શાવતું સર્ટિફિકેટ મળ્યું છે જેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ડોકાડિયા પરિવારના સભ્યોનાં મૃત્યુ ઝિન્ક ફૉસ્ફાઇડના ઝેરને કારણે જ થયાં હતાં. ૨૬ એપ્રિલે તરબૂચ ખાધા પછી પતિ-પત્ની અને બે દીકરીનાં મૃત્યુ થયાં હતાં. ગયા અઠવાડિયે ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીનો રિપોર્ટ આવ્યો હતો એમાં પણ મરનારા સભ્યોના શરીરમાંથી તરબૂચના સૅમ્પલમાં ઝિન્ક ફૉસ્ફાઇડ મળી આવ્યું હોવાનું જણાવ્યું હતું. ઝિન્ક ફૉસ્ફાઇડ ઉંદર મારવા માટે વપરાતું ઝેરી કેમિકલ છે. તેથી હવે જે. જે. માર્ગ પોલીસ હવે એ શોધી રહી છે કે આ ઝેર જાતે લેવામાં આવ્યું હતું કે આકસ્મિક રીતે લેવાયું હતું.
કેન્દ્ર ખેડૂતો પાસેથી ૧૨.૩૫ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી ખરીદશે
ADVERTISEMENT
કેન્દ્રીય કૃષિપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે શુક્રવારે કાંદાના ઘટતા ભાવને લઈને જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને લીધે કાંદાની નિકાસ પર અસર પડી છે. પશ્ચિમ એશિયાઈ સંકટને કારણે કાંદાની એક્સપોર્ટને અસર થઈ હોવાથી એના ભાવમાં ઘટાડો થયો છે. ખેડૂતોને નુકસાન ન થાય એ માટે શુક્રવારથી જ તાજા કાંદાનો ખરીદભાવ ૧૨.૩૫ રૂપિયા પ્રતિ કિલો રહેશે. કેન્દ્ર સમગ્ર સ્ટૉક ખરીદીને કાંદાના ઉત્પાદકોને ટેકો આપશે. આ સંદર્ભમાં નૅશનલ ઍગ્રિકલ્ચરલ કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (NAFED) લિમિટેડને નિર્દેશ આપવામાં આવ્યો છે.
TCS ધર્માંતરણ કેસના પાંચેય આરોપીઓના જામીન નકારવામાં આવ્યા
નાશિકની તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના ધર્માંતરણ અને જાતીય શોષણના કેસમાં પાંચ આરોપીઓ દ્વારા દાખલ કરાયેલી જામીનઅરજી શુક્રવારે નાશિક કોર્ટે ફગાવી દીધી હતી. તૌસિફ અત્તાર, રઝા મેમણ, શાહરુખ કુરેશી, આસિફ અન્સારી અને અશ્વિની ચૈનાની દ્વારા જામીન મેળવવા કરાયેલી અરજી નામંજૂર કરવામાં આવી હોવાની માહિતી સરકારી વકીલ વિજય ગાયકવાડે આપી હતી. ૧૧ અને ૧૩ મે દરમ્યાન અરજીઓ મુદ્દે અદાલતમાં દલીલો થઈ હતી જેનો નિર્ણય શુક્રવારે લેવાયો હતો. દલીલ દરમ્યાન બચાવ પક્ષના વકીલે આરોપીઓની ધરપકડને ગેરકાયદે ગણાવી હતી. જોકે સરકારી વકીલે ધરપકડ કરતી વખતે સુપ્રીમ કોર્ટની બધી જ ગાઇડલાઇન્સનું પાલન કરવામાં આવ્યું હોવાનું અદાલતને જણાવ્યું હતું.
જ્યારે પડછાયો પણ સાથ છોડી જાય : ગઈ કાલે મુંબઈગરાઓએ અનુભવ્યો ઝીરો શૅડો ડે

તસવીર : આશિષ રાજે
એવું કહેવાય છે કે આપણો પડછાયો તો હંમેશાં આપણી સાથે હોય જ. જોકે આ વાત પણ ૧૦૦ સાચી નથી. શુક્રવારે ૧૫ મેએ મુંબઈગરાઓએ ‘ઝીરો શૅડો ડે’નો અનુભવ કર્યો હતો. સૂર્ય જ્યારે બરાબર માથા પર આવે છે ત્યારે આવો યોગ બને છે. શુક્રવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાથી ૧૨.૩૫ વાગ્યા દરમ્યાન આવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. તસવીરમાં પોતાનો પડછાયો ગાયબ છે એનાથી અજાણ બે મુંબઈગરા જોઈ શકાય છે.
