પહેલાં તો બેભાન થઈ ગયેલી મહિલાને ફર્સ્ટ એઇડ આપી અને પછી હૉસ્પિટલ પહોંચાડી
નિકી રૂપારેલ સાથે પોલીસ-અધિકારીઓ પોલીસની વૅન બાજુમાં દેખાય છે
ભાંડુપ પોલીસ-સ્ટેશનની બહાર સોમવારે રાત્રે ૪૨ વર્ષની એક મહિલાને એકાએક ફિટ આવી ગઈ હતી, પણ રસ્તા પરથી પસાર થતી ગુજરાતી યુવતીની તત્પરતાને કારણે તેનો જીવ બચી ગયો હતો. ભાંડુપમાં રહેતી મહિલા ભાંડુપ-વેસ્ટના લાલ બહાદુર શાસ્ત્રી (LBS) માર્ગ પર આવેલા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવા આવી હતી. એ સમયે રાત્રે સાડાબાર વાગ્યાની આસપાસ તેને પોલીસ-સ્ટેશનની બહાર ફિટ આવી જવાથી તે બેભાન થઈ ગઈ હતી. એ સમયે ભેગા થયેલા પોલીસ-અધિકારીઓ મૂંઝાઈ ગયા હતા. ત્યારે રસ્તા પરથી પસાર થતી મુલુંડની નિકી રૂપારેલનું ધ્યાન ભેગી થયેલી ભીડ પર ગયું હતું. તેણે મહિલાને ફિટ આવી હોવાનું સમજીને તાત્કાલિક તેને ફર્સ્ટ એઇડ આપી હતી. ત્યાર બાદ ઍમ્બ્યુલન્સની રાહ જોયા વગર પોલીસના વાહનમાં મહિલાને બેસાડીને મુલુંડની અગ્રવાલ હૉસ્પિટલમાં ઇલાજ માટે લઈ ગઈ હતી એટલું જ નહીં, પાછળ પોલીસની ગાડી અને આગળ મહિલાએ પોતાનું સ્કૂટર દોડાવીને રસ્તો પણ ક્લિયર કર્યો હતો.
મુલુંડમાં રહેતી નિકી રૂપારેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા ભાંડુપના ઘરેથી હું મારા મુલુંડના ઘરે પાછી ફરી રહી હતી ત્યારે પોલીસ-સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં ભીડ જોઈને શું થયું છે એ જોવા માટે ત્યાં ગઈ હતી. ત્યારે પોલીસ-અધિકારીઓ એક મહિલા પર પાણી છાંટીને તેને ઉઠાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે મહિલાની નજીક જઈને જોતાં તેને આંકડી એટલે કે ફિટ આવતી હોવાનું જોવા મળ્યું હતું. એ સમયે મહિલાને ફ્રેશ ઍરની જરૂર હોય છે એટલે સૌથી પહેલાં મેં ત્યાં મહિલાને ઘેરો કરીને ઊભેલા તમામ પોલીસ અને બીજા લોકોને દૂર કર્યા હતા. ત્યાર બાદ તેના એક હાથના નખ દબાવીને તેને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો હતો. એની સાથે તેણે પહેરેલાં કપડાં પણ થોડાં ઢીલાં કરીને આસપાસમાં અવાજ કરતા લોકોને શાંત કરી એક સાઇડના પડખે રાખીને તેને સુવાડી દીધી હતી જેને કારણે જો મહિલાના મોઢામાંથી ફીણ આવે તો એ સીધાં બહાર નીકળી શકે. એ સમયે પોલીસ-અધિકારીઓની જીપ ત્યાં ઊભી હતી જેમાં મહિલાને પાછળની સીટ પર એક બાજુ પડખે સુવડાવી પાછળ એક મહિલા અધિકારીને બેસાડીને તેને અમે ઇલાજ માટે હૉસ્પિટલમાં લઈ આવ્યા હતા.’


