૭ બુલડોઝર અને ૧૦ ડમ્પરનો ઉપયોગ કરી ગેરકાયદે બાંધકામો તોડી પડાયાં હતાં.
પ્રતીકાત્મક તસવીર
સરકારી જમીન પર ઊભાં કરાયેલાં ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની કાર્યવાહી શનિવારે પવઈના મિલિંદનગરમાં હાથ ધરાઈ હતી. BMCના S વૉર્ડ અને હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ દ્વારા સંયુક્તપણે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં બુલડોઝર ફેરવીને ૨૫૦ ગેરકાયદે કામોને જમીનદોસ્ત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહી દરમ્યાન ૧૫૦ પોલીસ-કર્મચારી, S વિભાગના ૫૦ એન્જિનિયરો અને કર્મચારીઓ તથા ૨૦૦ મજૂરો હાજર હતા. ૭ બુલડોઝર અને ૧૦ ડમ્પરનો ઉપયોગ કરી ગેરકાયદે બાંધકામો તોડી પડાયાં હતાં.
રાબડી દેવીનો બંગલો ખાલી કરાવવા પહોંચી પટના પોલીસ
ADVERTISEMENT
બિહારનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને લાલુ યાદવનાં પત્ની રાબડી દેવીના ૧૦, સર્ક્યુલર રોડ પરના સત્તાવાર બંગલાને ખાલી કરાવવા માટે પટના પોલીસ તેમના બંગલા પર પહોંચી ગઈ હતી અને ૧૫ દિવસમાં બંગલો ખાલી કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. બિહાર સરકારની નોટિસ મળ્યા બાદ રાબડી દેવીએ ગઈ કાલે સવારે જ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીને પડકાર ફેંકતાં કહ્યું હતું કે તમે ફોર્સ બોલાવશો તો પણ હું બંગલો ખાલી નહીં કરું. રાબડી દેવીના પડકારને પગલે મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ પટના પોલીસને મોકલી હતી. બિહાર વિધાન પરિષદમાં વિપક્ષનાં નેતા રાબડી દેવીને સરકારે ૩૯, હોર્ડિંગ રોડ પર નવો બંગલો ફાળવ્યો છે અને ૧૦, સર્ક્યુલર રોડ પરનો બંગલો ખાલી કરવા જણાવ્યું છે. આ બંગલામાં લાલુ પરિવાર બે દશકથી રહે છે. બિહાર સરકારે ૧૦, સર્ક્યુલર રોડ બંગલો નંદકિશોર રામને ફાળવ્યો છે.
બોરીવલીમાં કાર જનરેટર વૅનમાં ઘૂસી ગઈ, એકની હાલત ગંભીર
બોરીવલી-વેસ્ટમાં એક બેકાબૂ કાર રસ્તા કિનારે ઊભેલી જનરેટર વૅન સાથે ધડાકાભેર અથડાતાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. બોરીવલી-વેસ્ટમાં આવેલા ઈસ્ટ-વેસ્ટ બ્રિજ નજીક શુક્રવારે સાંજે આ અકસ્માત થયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલી જનરેટર વૅનની પાછળના ભાગમાં ભારે વેગ સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. ઇમર્જન્સી સર્વિસ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં જ સ્થાનિક રહેવાસીઓ અને અન્ય મુસાફરોએ ઈજાગ્રસ્તને કારમાંથી બહાર કાઢીને હૉસ્પિટલમાં પહોંચાડવામાં મદદ કરી હતી.
કેરલમ વિધાનસભામાં ગવાયા વંદે માતરમ્ના માત્ર બે શ્લોક: રાજ્યપાલે કહ્યું કે આખું ગીત ગાવામાં આવવું જરૂરી
નવી ચૂંટાયેલી કેરલમ વિધાનસભાના પહેલા સત્રમાં ‘વંદે માતરમ્’ના માત્ર બે જ શ્ળોક ગાવામાં આવ્યા બાદ હોબાળો થયો હતો અને કેરલમના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે બાદમાં પ્રોટોકૉલનો મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે તેઓ આખું ગીત સંપૂર્ણ રીતે વગાડી શક્યા હોત. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય વી. મુરલીધરને કહ્યું હતું કે સરકારનું વલણ લોકભવન તેમ જ રાજ્યપાલનું અપમાન છે. લોકભવનના નિર્દેશનો અનાદર કરીને સત્તાવાર બૅન્ડે ‘વંદે માતરમ્’ના ફક્ત બે જ શ્ળોક વગાડ્યા હતા. લોકભવનમાં મીડિયાને સંબોધતાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે કહ્યું હતું કે ‘અમે આગ્રહ કર્યો હતો કે જ્યારે પણ રાજ્યપાલ હાજર હોય ત્યારે પ્રોટોકૉલ મુજબ વંદે માતરમ્ સંપૂર્ણ રીતે ગાવું જોઈએ. મેં વિધાનસભાના સ્પીકર સાથે વાત કરી છે.’
