ગામલોકો પણ આ ઉજવણીમાં જોડાયા હતા, જેનાથી ગામમાં આનંદ અને ગર્વનું વાતાવરણ સર્જાયું હતું.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
મહારાષ્ટ્રના કોલ્હાપુરથી મિત્રતા, પ્રતિબદ્ધતા અને દેશભક્તિનો એક ભાવનાત્મક વિડિયો સામે આવ્યો છે અને એ સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. રોહિત જોંધલે નામનો યુવાન તાજેતરમાં જ ભારતીય સેનામાં પસંદગી પામ્યો હતો, જેનાથી તેના પરિવારમાં અને આખા ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. તેના સૌથી નજીકના મિત્ર સંતોષ માનેએ આ ખાસ પ્રસંગને વધુ યાદગાર બનાવ્યો હતો. વર્ષો પહેલાં સંતોષે વચન આપ્યું હતું કે રોહિત જ્યારે પણ ભારતીય સેનામાં જોડાશે ત્યારે તે તેને ખભા પર ગામમાં ફેરવશે. રોહિતનું સેનામાં જોડાવાનું સપનું સાકાર થયું ત્યારે સંતોષે પોતાનું વચન પૂરું કર્યું હતું અને તેને ખભા પર બેસાડીને ગામમાં ફેરવીને ઉજવણી કરી હતી. ગામલોકો પણ આ ઉજવણીમાં જોડાયા હતા, જેનાથી ગામમાં આનંદ અને ગર્વનું વાતાવરણ સર્જાયું હતું.
કાશ્મીરમાં એક આતંકવાદી ઠાર
ADVERTISEMENT
જમ્મુ-કાશ્મીરના ઝંગર-નૌશેરા સેક્ટરમાં લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) પર ઘૂસણખોરીની કોશિશ દરમ્યાન એક આતંકવાદીને સેનાના જવાનોએ મારી નાખ્યો હતો. ભારતીય સેનાએ કહ્યું હતું કે ‘૧૦ માર્ચે બપોરે ૩ વાગ્યે લાઇન ઑફ કન્ટ્રોલ પર ઝંગર-નૌશેરા વિસ્તારમાં બે આતંકવાદીઓની હલચલ વિશે માહિતી મળી હતી. સૈનિકોએ તરત જ ઍક્શન લઈને ઘૂસવાની કોશિશ કરી રહેલા એક આતંકવાદીને મારી નાખ્યો હતો, જ્યારે બીજા આતંકવાદીની તલાશ ચાલુ છે.’ છેલ્લા પાંચ દિવસમાં જમ્મુ-કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં સિક્યૉરિટી ફોર્સે બીજી વાર આતંકવાદીઓની ઘૂસણખોરીને નાકામ કરી હતી.
સમાજવાદી પાર્ટીએ સંસદના પ્રાંગણમાં કર્યો પટેટો પ્રોટેસ્ટ
ઉત્તર પ્રદેશમાં બટાટાના ભાવ ઘટી રહ્યા છે એને કારણે છેલ્લા બે દિવસથી ખેડૂતો અને સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ બટાટાની માળા પહેરીને અને બટાટાની બોરીઓ રોડ પર ઊંધી વાળીને વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. યમુના એક્સપ્રેસવે ટોલપ્લાઝા પાસે થયેલો બટાટાના ભાવ માટેનો પ્રોટેસ્ટ ગઈ કાલે સંસદભવનના પ્રાંગણમાં પહોંચ્યો હતો. સમાજવાદી પાર્ટીના નેતાઓએ ડિમ્પલ યાદવના નેતૃત્વમાં સંસદના પરિસરમાં બટાટા દેખાડીને નારા લગાવ્યા હતા : ‘આલૂ કા ઉચિત મૂલ્ય દિલાઓ, કિસાન કો યૂં ના સતાઓ.’
ઇન્ડિગોના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરે આખરે રાજીનામું આપ્યું
ભારતની સૌથી મોટી ઍરલાઇન ઇન્ડિગોના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) પીટર ઍલ્બર્સે અચાનક તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કંપનીએ ગઈ કાલે એની પુષ્ટિ કરી હતી. થોડા મહિના પહેલાં જ ઇન્ડિગો સૌથી ખરાબ ઑપરેશનલ ક્રાઇસિસમાંથી પસાર થઈ હતી. પીટર ઍલ્બર્સના ગયા પછી ઇન્ડિગોના મૅનેજિંગ ડિરેક્ટર રાહુલ ભાટિયા જ ઇન્ટરિમ ધોરણે ઍરલાઇનની ધુરા સંભાળશે. કંપનીએ ગઈ કાલે કહ્યું હતું કે જ્યાં સુધી નવા CEOની નિયુક્તિ નહીં થાય ત્યાં સુધી MD રાહુલ ભાટિયા જ ઍરલાઇનના કામકાજની દેખરેખ કરશે. રાહુલ ભાટિયા ઇન્ડિગોના કો-ફાઉન્ડર પણ છે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે જિષ્ણુ દેવ વર્માએ શપથ લીધા
મુંબઈના લોકભવનમાં મહારાષ્ટ્રના બાવીસમા રાજ્યપાલ તરીકે જિષ્ણુ દેવ વર્માએ ગઈ કાલે શપથ લીધા હતા. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તથા સુનેત્રા પવારની હાજરીમાં શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. મહારાષ્ટ્ર લોકભવનના દરબાર હૉલમાં બૉમ્બે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખરે તેમને શપથ લેવડાવ્યા હતા. જિષ્ણુ દેવ વર્મા નૉર્થ-ઈસ્ટ ભારતના એક અનુભવી રાજકારણી છે અને તેમની લાંબી રાજકીય કારકિર્દી તથા ત્રિપુરાના રાજકારણમાં મુખ્ય ભૂમિકા માટે જાણીતા છે. જિષ્ણુ દેવ વર્મા ત્રિપુરાના રાજવી પરિવારના છે. શપથગ્રહણ સમારોહ પછી ભારતીય નૌકાદળ દ્વારા રાજ્યપાલને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું.
બસ-સ્ટૉપ પર વાહનો પાર્ક કરવા બદલ ૨૬,૪૬૨ દંડાયા
બસ-સ્ટૉપ પર ગેરકાયદે વાહનો પાર્ક કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ૨૩ ફેબ્રુઆરીથી ૮ માર્ચ દરમ્યાન હાથ ધરવામાં આવેલી ઝુંબેશમાં મુંબઈનાં વિવિધ બસ-સ્ટૉપ પર પાર્ક કરેલાં વાહનો વિરુદ્ધ ઈ-ચલાન સિસ્ટમ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બસ-સ્ટૉપ પર ગેરકાયદે પાર્કિંગને કારણે મુસાફરોને બસમાં ચડવા અને ઊતરવા માટે મુશ્કેલી પડે છે અને અકસ્માતોનું જોખમ વધે છે. એથી સ્થાનિકોની ફરિયાદને પગલે ટ્રાન્સપોર્ટ વિભાગે ખાસ બસ-સ્ટૉપની આસપાસ પાર્ક કરેલાં વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ ઝુંબેશ દરમ્યાન બસ-સ્ટૉપ પર ગેરકાયદે વાહનો પાર્ક કરવા બદલ ૨૬,૪૬૨ ઈ-ચલાન ફટકારવામાં આવ્યાં હતાં અને કુલ ૧૦,૫૧,૬૦૦ રૂપિયા દંડ પેટે વસૂલવામાં આવ્યા હતા. મુંબઈ ટ્રાફિક પોલીસે નાગરિકોને બસ-સ્ટૉપ, ફુટપાથ, નો-પાર્કિંગ ઝોન અને મુખ્ય રસ્તાઓ પર વાહનો પાર્ક ન કરવા અપીલ કરી છે.
