સાઉથ મુંબઈ અને ઈસ્ટર્ન સબર્બ્સના લોકોને એક અઠવાડિયા સુધી પાણી ઉકાળીને પીવાની BMCની અપીલ
પ્રતીકાત્મક તસવીર
મુંબઈને પાણી પૂરું પાડતા ભિવંડીના પિસે પાંજરાપુર જળાશયના યેઇલ ખાતે આવેલા વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ચાલી રહેલું સમારકામ પૂરું થઈ ગયું છે અને હવે એમાંથી પાણીની સપ્લાય આજે ૨૮ ઑક્ટોબરથી ફરી ચાલુ કરવામાં આવશે. જોકે સમારકામ કર્યું હોવાથી એની અસર પાણીની ક્વૉલિટી પર પડી શકે છે અને થોડો વખત પાણી ડહોળું આવી શકે છે. એથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને મુંબઈગરાઓને એક અઠવાડિયું પાણી ઉકાળીને પીવાનું સૂચન કર્યું છે. ખાસ કરીને સાઉથ મુંબઈના વિસ્તારો અને ઈસ્ટર્ન સબર્બ્સના કુર્લા, ચેમ્બુર, ઘાટકોપર કાંજુરમાર્ગ, મુલુંડ વિસ્તારના લોકોએ કાળજી રાખવી એમ BMCએ જણાવ્યું છે. પાણીની સપ્લાય ભિવંડી અને થાણેમાં પણ થતી હોવાથી ત્યાંના લોકોને પણ આ જ પ્રકારની સૂચનાઓ અપાઈ છે.
હાઈ-ઇન્ટેન્સિટી હેડલાઇટ સામે ટ્રાફિક-પોલીસની લાલ આંખ, ૧૨,૦૦૦થી વધુ ડ્રાઇવરો દંડાયા
ADVERTISEMENT
મુંબઈની ટ્રાફિક-પોલીસે ગેરકાયદે અને આંખો અંજાઈ જાય એવી હાઈ-ઇન્ટેન્સિટી હેડલાઇટ્સ (LED લાઇટ બાર્સ અને ફૅન્સી લાઇટો)નો ઉપયોગ કરતા ડ્રાઇવરો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પહેલી જૂનથી ૨૬ ઑક્ટોબર દરમ્યાન ચલાવવામાં આવેલા ઑપરેશન ડૅઝલિંગ લાઇટ અંતર્ગત મુંબઈનાં ૪૧ ટ્રાફિક ડિવિઝનમાં ૧૨,૫૮૫ વાહનો સામે મોટર વાહન કાયદા હેઠળ કાર્યવાહી કરીને ૮૮.૫ લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. સામસામેથી આવતા ડ્રાઇવરોનું વિઝન ખોરવાતાં અકસ્માતો અટકાવવાના હેતુથી આ ઝુંબેશ ચલાવાઈ હતી. ટ્રાફિક-પોલીસે રાતના સમયે લો-બીમ હેડલાઇટનો જ ઉપયોગ કરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા વાહનચાલકોને અપીલ કરી છે.
મલાડના કુરાર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરને ચાલુ ગાડીમાં જીવલેણ હાર્ટ-અટૅક આવ્યો
મુંબઈ પોલીસમાં ફરજ બજાવતા સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુશીલકુમાર ગાયકવાડનું ગઈ કાલે સવારે ફરજ પર જતી વખતે પોલીસના વાહનમાં જ હાર્ટ-અટૅક આવવાથી દુઃખદ નિધન થયું છે. પંચાવન વર્ષના સુશીલકુમાર ગાયકવાડ મંગળવારે સવારે ઘરેથી નીકળીને મલાડ-ઈસ્ટમાં કુરાર પોલીસ-સ્ટેશન આવી રહ્યા હતા ત્યારે તેમણે કારમાં જ અસ્વસ્થતાની ફરિયાદ કરી હતી અને પોલીસ-સ્ટેશન પહોંચતાં સુધીમાં તેઓ ઢળી પડ્યા હતા. સહકર્મીઓ તેમને તરત જ નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવે એ પહેલાં જ તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. ચાલુ વર્ષના જુલાઈ મહિનામાં જ તેમણે કુરાર પોલીસ-સ્ટેશનનો ચાર્જ સંભાળ્યો હતો.
સ્ટેટ ગવર્નમેન્ટ આ વર્ષથી બધા જ કોર્સ માટે કૉમન એન્ટ્રન્સ ટેસ્ટ બે વાર આપવા મળે એવી ગોઠવણ કરશે
સ્ટેટ ગવર્નમેન્ટ આ શૈક્ષણિક વર્ષથી તમામ અભ્યાસક્રમો માટે કૉમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવાની બે તક વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવશે. આ સુવિધા ગયા વર્ષે એન્જિનિયરિંગ અને માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન (MBA), માસ્ટર ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝ (MMS) પ્રવેશ માટે શરૂ કરવામાં આવી હતી જેનો વ્યાપ હવે વધારવામાં આવ્યો છે. આ પગલાનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને પ્રવેશ માટેનો તેમનો સ્કોર સુધારવાની વધુ એક તક આપવાનો છે. આમાં ૩ અને પાંચ વર્ષના લૉ (કાયદો) અભ્યાસક્રમો, બૅચલર ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝ (BMS) / બૅચલર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન (BBA), નર્સિંગ અને બૅચલર ઑફ એજ્યુકેશન (BEd) સહિત લગભગ ૨૦ જેટલી CET પરીક્ષાઓનો સમાવેશ થશે.
બીજીથી ૧૩ નવેમ્બર દરમ્યાન BKCની રીજનલ
પાસપોર્ટ ઑફિસમાં વૉક-ઇન સુવિધા બંધ રહેશે
વહીવટી કારણોસર બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) ખાતે આવેલી રીજનલ પાસપોર્ટ ઑફિસ (RPO)માં પેન્ડિંગ અરજીઓ માટે બીજીથી ૧૩ નવેમ્બર દરમ્યાન વૉક-ઇન સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. જોકે આ સમયગાળા દરમ્યાન જે અરજદારોએ અગાઉથી જ ઑનલાઇન અપૉઇન્ટમેન્ટ નિર્ધારિત કરી લીધી હશે તેમને રાબેતા મુજબ પ્રવેશ આપવામાં આવશે અને તેમનું કામકાજ હાથ ધરાશે.
મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં ૧૦ કરોડ રૂપિયાની વીજચોરી પકડાઈ - MSEDCLએ ૧૪૯૪ ગ્રાહકો પાસેથી ૭ કરોડ વસૂલ કર્યા
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) દ્વારા એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં આશરે ૧૦ કરોડ રૂપિયાની કિંમતના ૩૮ લાખ યુનિટ્સ વીજચોરીના ૨૨૮૫ કેસ પકડી પાડવામાં આવ્યા છે. આ કડક ઝુંબેશ હેઠળ વીજકંપનીએ અત્યાર સુધીમાં ૧૪૯૪ ગ્રાહકો પાસેથી ૭ કરોડ રૂપિયાની વસૂલાત કરી લીધી છે.
તંત્રે નિયમોનું ઉલ્લંઘન કરનારા ૧૮૫ વીજગ્રાહકો સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો છે, જ્યારે બાકીના ગુનેગારો સામે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.
