Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > News In Shorts: ખાડા પૂરવા જતી ટ્રક જ ખાડામાં ખાબકી

News In Shorts: ખાડા પૂરવા જતી ટ્રક જ ખાડામાં ખાબકી

Published : 22 August, 2026 07:59 AM | Modified : 22 August, 2026 09:17 AM | IST | Nashik
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ટ્રક હાલમાં જ બનાવવામાં આવેલી સ્ટૉર્મ વૉટર સીવેજ લાઇનને કારણે રસ્તામાં પડેલા ખાડાને પૂરવા માટેની સામગ્રી લઈ જતી હતી

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


નાશિકમાં ગંગાપુર રોડ નજીક રસ્તાના ખાડા પૂરવાની સામગ્રી લઈ જતી ટ્રક જ રસ્તામાં મોટું ગાબડું પડી જતાં ઊંધી વળી ગઈ હતી. આ ટ્રક હાલમાં જ બનાવવામાં આવેલી સ્ટૉર્મ વૉટર સીવેજ લાઇનને કારણે રસ્તામાં પડેલા ખાડાને પૂરવા માટેની સામગ્રી લઈ જતી હતી. જોકે મધરસ્તે જ એક જગ્યાએ રસ્તો આખેઆખો ધસી જતાં ટ્રક જ ઊંધી વળી ગઈ હતી. ટ્રકનાં પાછળનાં બન્ને ટાયર એમાં ધસી ગયાં હતાં અને આગળનાં બન્ને ટાયર હવામાં રહી ગયાં હતાં. આ ઘટનાને કારણે નાશિકમાં રસ્તાની બિસમાર હાલત ફરી છતી થઈ છે.

વેસ્ટર્ન રેલવેમાં આજે રાતે જમ્બો બ્લૉક



વેસ્ટર્ન રેલવેએ જણાવ્યું છે કે મેઇન્ટેનન્સ વર્ક માટે શનિવારે મધરાત બાદ રાતે ૧૨.૩૦ વાગ્યાથી રવિવારે પરોઢિયાના ૪.૩૦ વાગ્યા સુધી બોરીવલી અને ભાઈંદર અપ અને ડાઉન લોકલ લાઇન પર જમ્બો બ્લૉક રાખ્યો છે. બ્લૉકના આ સમય દરમ્યાન કેટલીક ટ્રેનો કૅન્સલ કરવામાં આવશે. એથી પ્રવાસીઓએ આ બાબતને ધ્યાનમાં રાખી તેમના પ્રવાસનું આયોજન કરવા વેસ્ટર્ન રેલવે દ્વારા જણાવાયું છે.  


શિવસેના (UBT)નાં દાદરનાં નગરસેવિકા વિશાખા રાઉતનું કુણબી જાતિ પ્રમાણપત્ર રદ

શિવસેના (UBT)નાં દાદરનાં નગરસેવિકા વિશાખા રાઉતનું કુણબી તરીકેનું જાતિ પ્રમાણપત્ર પાલઘરના જિલ્લા અધિકારીએ રદ કર્યું છે. એથી તેમનું નગરસેવિકાનું પદ છીનવાઈ શકે એમ છે. જોકે તેમને આ  નિર્ણય સામે અપીલ કરવા ૩ મહિનાની મુદત આપવામાં આવી છે. વિશાખા રાઉત મેયર રહી ચૂક્યાં છે અને હાલ પણ ૧૯૧ નંબરના વૉર્ડમાંથી એકનાથ શિંદેની શિવસેનાના સદા સરવણકરની દીકરી પ્રિયા સરવણકર સામે ચૂંટાઈ આવ્યાં છે. જો તેમનું નગરસેવિકાનું પદ રદ ગણાશે તો પ્રિયા સરવણકરને બાકીનો સમય નગરસેવિકાનું પદ મળી શકે એમ છે.   


ખોટું કર્યું તો હવે ભોગવો એમ કહીને હાઈ કોર્ટે થાણેની ઉડુપી સ્વાદ રેસ્ટોરાંને રાહત નકારી

ઑગસ્ટ મહિનાની શરૂઆતમાં જ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા આખા મહારાષ્ટ્રમાં અૅનલૉગ પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં ઉડુપી સ્વાદ રેસ્ટોરાં દ્વારા અે ગ્રાહકોને પીરસવામાં આવતું હોવા બદલ એનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું જેની વિરુદ્ધ રેસ્ટોરાંએ અરજી કરી હતી. જોકે આ અરજીને ફગાવતાં બૉમ્બે હાઈ કોર્ટે થાણેની ઉડુપી સ્વાદ રેસ્ટોરાંને એણે કરેલી ભૂલ બદલ ભોગવવું પડી રહ્યું છે એ યોગ્ય છે એમ જણાવીને એમની સાથે ‘પોએટિક જસ્ટિસ’ થયો હોવાનો ટોણો માર્યો હતો. FDAની કાર્યવાહી વિરુદ્ધ કરવામાં આવેલી અરજીને ફગાવતાં બૉમ્બે હાઈ કોર્ટના અૅક્ટિંગ ચીફ જસ્ટિસ રવીન્દ્ર ઘુગે અને જસ્ટિસ ગૌતમ અણખડની બેન્ચે કહ્યું હતું કે ‘અમે આ વખતે ખૂબ જ સખત વલણ અપનાવવાના છીએ. તમે લોકોને પનીરના નામે સડી ગયેલી વસ્તુ ખવડાવો છો અને આશા કરો છો કે અમે તમને ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ આપીને તમને રાહત આપીએ? તમારે તો સાઇનબોર્ડ પર લખવું જોઈએ કે અમારી પાસે ખરું ભોજન અવેલેબલ નથી. ’

ઇન્સ્પેક્શનના બીજા દિવસે ૧૪૯૯ રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરોને ફટકારવામાં આવી નોટિસ

બિનમરાઠી-પરપ્રાંતીય રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરોના ઇન્સ્પેક્શનના બીજા દિવસે સામાન્ય મરાઠી પણ ન આવડતું હોય એવા ૧૪૯૯ ડ્રાઇવરોને નોટિસ ફટકારવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યા અનુસાર મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR) સિવાય આખા મહારાષ્ટ્રમાં ૫૨૯૯ રિક્ષા-ટૅક્સી-ડ્રાઇવરોની ટેસ્ટ લેવામાં આવી હતી, જેમાંથી ૭૭૭ને મરાઠીનું સામાન્ય જ્ઞાન પણ ન હોવાનું જણાયું હતું. આ તમામ ડ્રાઇવરોને નોટિસ ફટકારવામાં આવી હતી. MMRમાં ૩૪૮૨ ડ્રાઇવરોની ટેસ્ટ લેવાઈ હતી, જેમાંથી ૭૨૨ ટેસ્ટમાં ફેલ થયા હતા અને એમાંના ૬૨૨ ડ્રાઇવરોને નોટિસ આપવામાં આવી હતી.

બે દિવસમાં મુંબઈની ૭ હોટેલનાં લાઇસન્સ સસ્પેન્ડ

ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા ૧૯ અને ૨૦ ઑગસ્ટે કરવામાં આવેલી કાર્યવાહી બાદ મુંબઈની ૭ હોટેલનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. કોલાબાની હાર્ડ કૅસલ રેસ્ટોરાં (મૅક્ડોનલ્ડ્સ)ને અગાઉના ઇન્સ્પેક્શન બાદ ૨૦ ત્રુટિઓ સુધારી લેવાનું કહેવાયું હતું, પરંતુ ૧૯ ઑગસ્ટે ફરી ઇન્સ્પેક્શન કર્યું ત્યારે ૨૦માંથી ૧૮ ત્રુટિઓ સુધારો કર્યા વગરની મળી આવી હતી તેથી અેનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મલાડ-વેસ્ટની નોવારા, નરીમાન પૉઇન્ટ પર આવેલી સ્ટેટસ હોટેલ, ખાર-વેસ્ટમાં આવેલું ખાર જિમખાના, સાંતાક્રુઝ-વેસ્ટનું બજરંગ સ્વીટ માર્ટ, અંધેરી-વેસ્ટની ASM હોટેલ્સ ઍન્ડ હૉસ્પિટલિટી સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ તથા કોલાબાની બૉમ્બે પ્રેસિડન્સી રેડિયો ક્લબનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.  

વેસ્ટર્ન રેલવેએ જ કરી કેટરિંગ યુનિટ્સ પર કાર્યવાહી

વેસ્ટર્ન રેલવેના અધિકારીએ શુક્રવારે સ્પષ્ટ કર્યું હતું કે તેમણે વેસ્ટર્ન રેલવેના કેટરિંગ યુનિટ્સ પર કાર્યવાહી કરીને છેલ્લા ૪ મહિનામાં ૧.૧૪ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ કાર્યવાહી ફૂડ અૅન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)  દ્વારા નહીં પણ રેલવેએ જ કરી હોવાનો ખુલાસો પણ કરવામાં આવ્યો હતો. રેલવેએ બાવીસ કેટરિંગ યુનિટ્સ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. ઉપનગરોમાં કુલ ૩૦૧ ફૂડ એસ્ટૅબ્લિશમેન્ટ્સનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને એ દરમ્યાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. આમાંનાં ૭ યુનિટ્સ રેલ કોચ રેસ્ટોરાં અને ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC) હેઠળ કાર્યરત હતાં. ફૂડ-સેફ્ટી, હાઇજીન અને સ્વચ્છતા દરેક સ્ટેશન પર આવેલાં ફૂડ-આઉટલેટ્સ પર જળવાય એ માટે શરૂ કરવામાં આવેલી ઝુંબેશ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

22 August, 2026 09:17 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK