Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૯ મહિનાની જોરદાર તૈયારી સાથે આ ૯ મહિલાઓ પહોંચી એવરેસ્ટ બેઝ કૅમ્પ પર

૯ મહિનાની જોરદાર તૈયારી સાથે આ ૯ મહિલાઓ પહોંચી એવરેસ્ટ બેઝ કૅમ્પ પર

Published : 22 October, 2026 07:39 AM | Modified : 22 October, 2026 07:40 AM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

૫૩૬૪ મીટરની ઊંચાઈ સર કરવાની સફર કેવી દિલધડક રહી એ જાણીએ કાંદિવલી-બોરીવલીની આ બહેનપણીઓ પાસેથી

એવરેસ્ટ બેઝ કૅમ્પ પર

People Live

એવરેસ્ટ બેઝ કૅમ્પ પર


બોરીવલી-કાંદિવલી વિસ્તારમાં રહેતી અને ૪૦ની ઉંમર વટાવી ચૂકેલી ૯ મહિલાઓ એક અઘરું મિશન પાર પાડી આવી છે. રોજ સવારે ઑફિસની ફાઇલો ગોઠવતી કે પરિવારના સભ્યો માટે ટિફિન પૅક કરતી આ સામાન્ય મહિલાઓએ માઇનસ ડિગ્રી તાપમાન, હાડ થીજવતી ઠંડી, સુસવાટા મારતા પવન અને ઑક્સિજનની અછત વચ્ચે હિમાલયની કપરી ગણાતી સફર ખેડીને ૫૩૬૪ મીટરની ઊંચાઈએ આવેલા એવરેસ્ટ બેઝ કૅમ્પ (EBC) પર નારીશક્તિની વિજયપતાકા લહેરાવી દીધી. ૪ ઑક્ટોબરે તેઓ મુંબઈ પાછી ફરી ત્યારે તેમના ચહેરા પર સપનું સાકાર થયાનો આનંદ અને સંતોષ હતો. ૧૮ દિવસની તેમની આ ઍડ્વેન્ચર ટ્રિપ કેવી રોમાંચક રહી આવો જાણીએ તેમની જુબાની. 



પ્રસ્થાન વખતે મુંબઈ ઍરપોર્ટ પર અેકસરખાં ટી-શર્ટમાં અને ટી-શર્ટ પરનું લખાણ. 


આઉટ ઑફ સિલેબસ 
સાહસિક સફર ખેડવાની અદમ્ય ઇચ્છા અને પર્વતારોહણ માટે આવશ્યક ટેક્નિકલ પ્રૅક્ટિસ સાથે મુંબઈથી નેપાલ પહોંચી તો ગયાં, પરંતુ રસ્તો આસાન નહોતો એમ જણાવતાં ગ્રુપ-મેમ્બર સોનલ સરધારા કહે છે, ‘૧૮ સપ્ટેમ્બરે મુંબઈથી કાઠમાંડુ જવા નીકળ્યાં ત્યારે અમને હતું કે પ્લાનિંગ મુજબ એવરેસ્ટ બેઝ કૅમ્પ પહોંચી જઈશું, પરંતુ હિમાલયને સમજવો મુશ્કેલ છે. પહાડોમાં ક્યારે તડકો ગાયબ થઈ જાય અને ક્યારે બરફનું તોફાન આવશે એ કોઈ કહી શકતું નથી. ત્યાં માત્ર હિંમત, ધૈર્ય અને પહાડો પ્રત્યેનો આદર જ તમને આગળ લઈ જાય છે. બે દિવસ કાઠમાંડુમાં વિતાવ્યા બાદ ખરાબ હવામાનને કારણે જ્યાં ફ્લાઇટમાં જવાનું હતું ત્યાં બાય રોડ જવું પડ્યું. એ રસ્તો એટલો પથરાળ હતો કે જાણે ૯૦ ડિગ્રીના ઍન્ગલ પર જીપ ચાલી રહી હોય. બધું આઉટ ઑફ સિલેબસ હતું. આ બદલાવને લીધે ટ્રેકનો સ્ટાર્ટિંગ પૉઇન્ટ બદલાઈ ગયો અને પરિણામે કુલ ૯૦ કિલોમીટર જેટલું અંતર વધી ગયું. જોકે હજી ઘણી કસોટી થવાની બાકી હતી. એવરેસ્ટ બેઝ કૅમ્પથી ૩ સ્ટૉપ પહેલાં એક મુકામે હવામાન અચાનક બગડ્યું અને ભારે સ્નોફૉલને કારણે રસ્તો બંધ થઈ જતાં રેડ અલર્ટ જાહેર થઈ. સ્થાનિક શેરપાએ આગળ જવાની સ્પષ્ટ ના પાડી દીધી. ૩ દિવસ ત્યાં અટવાઈ ગયાં. શેરપાઓ અમને સતત મોટિવેટ કરતા હતા. ત્રીજા દિવસે હવામાન થોડું સાફ થતાં ધીમે-ધીમે આગળ વધ્યાં. સદ્ભાગ્યે, આખી ટૂરમાં ૪ દિવસ બફર રાખ્યા હોવાથી આ મુશ્કેલીને મૅનેજ કરી શક્યા. ૨૯ સપ્ટેમ્બરે અમે એવરેસ્ટ બેઝ કૅમ્પ પહોંચી ગયાં.’


એવરેસ્ટ બેઝ કૅમ્પ પર ગરબા

ફૂડ-ચૅલેન્જ
ટૂર-પૅકેજમાં દાળ-ભાત અને લોકલ ફૂડ મળતું હતું. જોકે તેઓ મુંબઈથી જ સૂંઠની ગોળી, ચિક્કી, શિયાળુ પાક અને વસાણાં બનાવીને સાથે લઈ ગયાં હતાં જેથી હાઇટેડ અને એનર્જેટિક રહી શકાય. પહાડોના કપરા ચડાણ દરમ્યાન ભાવિકા તલાટી અને પૂનમ દત્તાણીને વધુ કસોટીનો સામનો કરવો પડ્યો. બન્ને ચુસ્ત વૈષ્ણવ હોવાથી કાંદા, લસણ કે મશરૂમ બિલકુલ નથી ખાતાં. નૉન-વેજ બનતું હોય એ જગ્યાની કોઈ વસ્તુ ન ખાય. તેમણે ૨૦ દિવસ સુધી પહાડોમાં બહારનું ખાવાનું ટાળ્યું હતું. 

બન્ને પોતાના ઘરેથી બનાવેલું ખાસ રેડી ટુ ઈટ ભોજન સાથે લાવી હતી એમ જણાવીને સોનલબહેન કહે છે, ‘ગરમ પાણી નાખો એટલે જમવાનું તૈયાર થઈ જાય. દિવસમાં ૩ વખત ગરમ પાણી કરવા માટેનાં વાસણો, પ્લેટ્સ અને ઇન્સ્ટન્ટ ફૂડ-પૅકેટ્સ પણ તેઓ પોતાની સાથે જ કૅરી કરતાં હતાં. શારીરિક થાક છતાં તેમણે પોતાની આસ્થા સાથે જરાય બાંધછોડ ન કરી. આવી અનોખી ચૅલેન્જ અને અલગ-અલગ સ્પીડ હોવા છતાં એકબીજાના સથવારે રોજ ૮ કલાક ચાલતાં હતાં. તમામ મુશ્કેલીઓ, બરફવર્ષા અને પાતળી હવાના પડકારોનો સામનો કરી ૨૯ સપ્ટેમ્બરે એવરેસ્ટ બેઝ કૅમ્પ પર પહોંચી ગયાં. બરફાચ્છાદિત શિખરો અને પ્રકૃતિનો અદ્ભુત નઝારો જોઈને બધો થાક ઊતરી ગયો. આ સફરની સૌથી રોમાંચક ક્ષણ હતી ગરબા. ગુજરાતીઓ દુનિયાના કોઈ પણ ખૂણે જાય, ગરબા રમ્યા વિના પાછા ન જ ફરે. આ માત્ર એક ટ્રેકનું સમાપન નહોતું, સંકલ્પ અને સંસ્કૃતિનો અનોખો સંગમ હતો. નીચે ઊતરતી વખતે હિમાલયે ફરી પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું. વચ્ચે જ બરફવર્ષા શરૂ થઈ ગઈ. રસ્તાઓ બ્લૉક થઈ ગયા. પરિસ્થિતિની ગંભીરતા જોઈને શેરપાઓએ પહાડ પરથી નીચે ઊતરી જવા માટે હેલિકૉપ્ટર ઇવૅક્યુએશનની સૂચના આપી. રોમાંચ અને કુદરતના પ્રકોપનો અનુભવ કરીને ૪ ઑક્ટોબરે સુરક્ષિત મુંબઈ પાછાં ફર્યાં.’

ચાલો નવું કરીએ
હિમાલયની આ સફર પાછળની કહાણી પણ એટલી જ રોમાંચક છે. સોનલ સરધારા અને ભાવિકા તલાટી ૨૦ વર્ષથી ફ્રેન્ડ છે. બન્નેએ એવરેસ્ટ બેઝ કૅમ્પની ચડાઈ પર આધારિત અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ઊંચાઈ’ જોઈ ત્યારથી એવરેસ્ટ બેઝ કૅમ્પ ટ્રેક કરવાનું સપનું જોયું હતું. યોગટીચર જિજ્ઞા ભટ્ટના માર્ગદર્શનમાં તેમનું આ સપનું સાકાર થયું. યોગના ક્લાસમાં વાત-વાતમાં તેમને વિચાર આવ્યો કે ચાલો, જિંદગીમાં કંઈક એવું નવું કરીએ જે ક્યારેય કર્યું નથી: પોતાની ક્ષમતાની કસોટી કરીએ, રોજિંદી દુનિયાથી અલગ થઈને ખુદને ઓળખીએ. જોકે મહિલાઓ માટે ઘર અને કામકાજને મૅનેજ કરીને નીકળવું સરળ નહોતું. પરિવારના સપોર્ટથી ૯ જણનું કન્ફર્મ થયું. મહારાષ્ટ્રમાં સહ્યાદ્રિ રેન્જમાં કેટલાક ટ્રેક કરવાનો અનુભવ હતો એના આધારે હિંમત કરી. જોકે હિમાલય ચડવા માટે ખૂબ પ્રૅક્ટિસ કરવી પડે. 

તૈયારી વિશે વાત કરતાં ગ્રુપ-લીડર જિજ્ઞાબહેન કહે છે, ‘૯ મહિના શિસ્તબદ્ધ ટ્રેઇનિંગ ચાલી હતી. રોજ ૩૦ મિનિટ પીઠ પર પાંચ કિલો વજન ઊંચકીને સોસાયટીનાં પગથિયાં અને વીક-એન્ડમાં સંજય ગાંધી નૅશનલ પાર્કમાં ગાંધી ટેકરી સુધી ચડ-ઊતર કરતાં. બ્રિક્સ વૉક (ઈંટો સાથે વજન ઊંચકીને ચાલવું), કાર્ડિયો, રનિંગ પણ કરતાં. સ્ટૅમિના બિલ્ટ કરવા પ્રાણાયામ પર ખાસ ધ્યાન આપ્યું. વૉટ્સઍપ ગ્રુપમાં રોજ ફરજિયાત દરેક મેમ્બરે રિપોર્ટિંગ કરવું પડતું કે આજે કોણે, કેટલા કલાક શું એક્સરસાઇઝ કરી. માત્ર શારીરિક કસરત જ નહીં, ડાયટ-પ્લાન પણ જબરદસ્ત હતો. શરીરનું વજન નિયંત્રણમાં રહે એટલા માટે જવાના એક મહિના પહેલાંથી શુગર અને બહારનું ફૂડ ખાવાનું ટાળ્યું હતું. તમામ મેડિકલ રિપોર્ટ જતાં પહેલાં ક્લિયર કરાવી લીધા જેથી ટ્રેક દરમ્યાન તબિયત સારી રહે. ગ્રુપ-મેમ્બરોની ઉંમર ૪૦થી ૫૪ વર્ષની હતી છતાં કોઈને તકલીફ થઈ નથી. આ ટ્રેક પછી અમારો આત્મવિશ્વાસ વધ્યો છે. અમે યુનિવર્સલ કૉલને માનીએ છીએ. હવે ડેસ્ટિની ક્યાં લઈ જશે એનો સંકેત કુદરત જ આપશે.’

કોણ-કોણ ગયું હતું?
એવરેસ્ટ બેઝ કૅમ્પ ટ્રેક માટે દીપા ઠકકર (૫૪ વર્ષ), જિજ્ઞા ભટ્ટ (૫૨ વર્ષ), શ્વેતા ગોયલ (૫૧ વર્ષ), સોનલ સરધારા (૪૮ વર્ષ), ભાવિકા તલાટી (૪૬ વર્ષ), પૂનમ દત્તાણી (૪૫ વર્ષ), હેતલ દાવડા (૪૫ વર્ષ), મોના જાધવ (૪૨ વર્ષ) અને નમ્રતા ઠક્કર (૪૦ વર્ષ) ગયાં હતાં. એમાંથી સોનલબહેન બોરીવલીમાં રહે છે અને બાકીની તમામ મહિલાઓ કાંદિવલીની છે. 

Whatsapp-channel Whatsapp-channel

22 October, 2026 07:40 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK