આ એક્ઝામ હવે ક્યારે લેવાશે એની જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)નું બારમા ધોરણનું આજે ૧૫ માર્ચે હિન્દી કોર (૩૦૨) અને હિન્દી ઇલેક્ટિવ (૦૦૨)નું પેપર છે. જોકે દેશના ઘણા વિસ્તારોમાં આજે પણ ધુળેટી રમાતી હોય છે એટલે કેટલાક વિદ્યાર્થીઓ એક્ઝામ સેન્ટર પર પહોંચી નથી શકતા. એવા વિદ્યાર્થીઓ માટે બોર્ડે વિકલ્પ આપ્યો છે કે તેઓ પાછળથી આ પેપર આપી શકશે.
બોર્ડ દ્વારા નૅશનલ અને ઇન્ટરનૅશનલ સ્પોર્ટ્સમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ જો ઇવેન્ટને લઈને કે પછી સ્પર્ધાને લઈને એક્ઝામ ચૂકી જાય તો તેમના માટે પાછળથી એક્ઝામ આપવાનો વિકલ્પ રાખવામાં આવે છે. એ જ વિકલ્પ હોળીને કારણે એક્ઝામ ન આપી શકેલા વિદ્યાર્થીઓ માટે પણ લાગુ કરવામાં આવશે.
ADVERTISEMENT
CBSE તરફથી કહેવામાં આવ્યું હતું કે એક્ઝામનું શેડ્યુલ બહુ પહેલાં તૈયાર કરાવી લેવાતું હોય છે. એ વખતે તહેવારોને પણ ગણતરીમાં લેવાતા હોય છે. એમ છતાં અલગ-અલગ વિસ્તારોમાં હોળીની ઉજવણી લંબાતી હોય છે. એથી કેટલાક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ આ સંદર્ભે ૧૫ માર્ચે એક્ઝામ આપી શકાશે કે નહીં એ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. એથી બોર્ડે તેમના માટે પાછળથી એક્ઝામ આપી શકે એવો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે.
આ એક્ઝામ હવે ક્યારે લેવાશે એની જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવશે. એથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો CBSEની સાઇટ અને નોટિફિકેશન અપડેટ કરતા રહે. જો કોઈ સમસ્યા જણાય તો બોર્ડનો સંપર્ક કરવો.

