પાલઘરમાં છુપાઈને નવરાત્રિ માટે ગયેલા આશ્રમ સ્કૂલના બે વિદ્યાર્થીઓનાં મોત, ૩ ગંભીર : પ્રિન્સિપાલ અને વૉર્ડન સસ્પેન્ડ
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે
પાલઘર જિલ્લાના જવ્હાર તાલુકામાં નવરાત્રિમાં જઈને પાછા ફરી રહેલા આશ્રમ સ્કૂલના વિદ્યાર્થીઓની મોટરસાઇકલ રસ્તાના કિનારે આવેલા ખાડામાં ખાબકતાં બે વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં છે, જ્યારે અન્ય ૩ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘવાયા છે. ગગનગિરિ આશ્રમ સ્કૂલના આ પાંચેય વિદ્યાર્થીઓ સોમવારે રાતે છૂપી રીતે નવરાત્રિ ઉત્સવમાં ગયા હતા. પોલીસ-અધિકારીના જણાવ્યા અનુસાર આ પાંચેય વિદ્યાર્થીઓ એક જ મોટરસાઇકલ પર સવાર થઈને પાછા ફરી રહ્યા હતા. સોમવારે વહેલી સવારે ૩ વાગ્યે ડોંગરી ઘાટ પાસે તેમની બાઇક સ્લિપ થઈ જતાં આ ભયાનક અકસ્માત થયો હતો. આ ઘટનામાં સુમિત અને પ્રીતમ નામના વિદ્યાર્થીઓનાં સ્થળ પર જ મોત થયાં હતાં. અકસ્માત બાદ એક વાહનચાલકે પોલીસને જાણ કરી હતી. ઈજાગ્રસ્તોને પહેલાં જવ્હારની કૉટેજ હૉસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર માટે નાશિકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રાતના સમયે વિદ્યાર્થીઓ હૉસ્ટેલમાંથી બહાર કેવી રીતે નીકળી ગયા એ વિશે સુરક્ષા-વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તપાસમાં બહાર આવ્યું છે કે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા પણ બંધ હાલતમાં હતા. આ ગંભીર બેદરકારી બદલ ઇન્ટિગ્રેટેડ ટ્રાઇબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (ITDP) દ્વારા કારણ દર્શાવો નોટિસ આપવામાં આવી હતી. એના પગલે સ્કૂલના સંચાલકોએ પ્રિન્સિપાલ, વૉર્ડન અને વૉચમૅનને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. સ્થાનિક સંસ્થાઓએ સ્કૂલ-પ્રશાસન સામે ગુનાહિત ગુનો નોંધવાની માગણી કરી છે.
