Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કાલે નાગપુરમાં વિજયાદશમીની રૅલીમાં RSSના ચીફ ડૉ. મોહન ભાગવતે કહ્યું...

કાલે નાગપુરમાં વિજયાદશમીની રૅલીમાં RSSના ચીફ ડૉ. મોહન ભાગવતે કહ્યું...

Published : 21 October, 2026 07:40 AM | IST | Nagpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પશ્ચિમી તાકાતો આપણા દેશને નબળું પાડવા માટે આંદોલનો અને અરાજકતા ફેલાવી રહી છે

ગઈ કાલે નાગપુરમાં સંબોધન કરતા  ડૉ. મોહન ભાગવત.

ગઈ કાલે નાગપુરમાં સંબોધન કરતા ડૉ. મોહન ભાગવત.


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે મંગળવારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વંદે માતરમ્ દેશની રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે અને આ રાષ્ટ્રગીતને સંપૂર્ણપણે ગાવામાં કોઈ પણ પ્રકારનો સંકોચ કે વાંધો હોવો જોઈએ નહીં.

નાગપુરમાં RSSની શતાબ્દી સમારોહના સમાપન પ્રસંગે આયોજિત વિજયાદશમી રૅલીને સંબોધતાં ડૉ. મોહન ભાગવતે નોંધ્યું હતું કે વંદે માતરમે ભૂતકાળમાં બંગાળના ભાગલા પાડવાના ષડ્યંત્રને નિષ્ફળ બનાવ્યું હતું અને આજે પણ એ દેશની એકતા માટે પ્રેરણારૂપ છે. તેમણે જણાવ્યું હતું કે ‘આ આપણું રાષ્ટ્રીય ગીત છે અને એને ગર્વભેર, સ્પષ્ટ અને બુલંદ અવાજે સંપૂર્ણપણે ગાવામાં કોઈ ખચકાટ કે વાંધો ન હોવો જોઈએ.’



સામાજિક એકતાની જરૂરિયાત પર ભાર મૂકતાં તેમણે ઇતિહાસ યાદ કરાવ્યો હતો કે જ્યારે લૉર્ડ કર્ઝને હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોમી તિરાડ ઊભી કરીને બંગાળના ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે સમાજે એનો સખત વિરોધ કર્યો હતો જેને પગલે બ્રિટિશ સરકારને આ દરખાસ્ત પાછી ખેંચવાની ફરજ પડી હતી. તેમણે કહ્યું હતું કે ‘એ સમયે વંદે માતરમ્ અખંડ એકતા અને દેશભક્તિના પ્રતીક તરીકે ઊભરી આવ્યું હતું અને ત્યારે ભાગલાનું ષડ્યંત્ર નિષ્ફળ ગયું હતું તો પછી ૧૯૪૭માં આ જ પરિણામ શા માટે ન મળી શક્યું? કારણ કે આપણા ભાગલા પાડવા માગતાં તત્ત્વોએ આપણા મનમાં એવી લાગણી ઠસાવી દીધી હતી કે આપણે અલગ દેખાઈએ છીએ એથી આપણે અલગ જ છીએ.’


આ મુદ્દાઓ પર પણ મોહન ભાગવતે પ્રકાશ પાડ્યો
વારસામાં મળેલા સંસ્કારો : મોહન ભાગવતે ભારતીય કમર્શિયલ પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છરનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો જેમણે ગયા મહિને દુબઈથી તેલ અવીવ જઈ રહેલી flydubaiની ફ્લાઇટ પર હવામાં થયેલા હુમલા દરમ્યાન પોતાની સૂઝબૂઝથી ૧૭૪ મુસાફરો અને ક્રૂ-મેમ્બર્સના જીવ બચાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પેઢી દર પેઢી વારસામાં મળેલાં આ સંસ્કારો અને મૂલ્યો જ કૅપ્ટન સ્મિત મચ્છરને પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોના જીવ બચાવવા પ્રેરિત કરે છે.

વિદેશી ષડ્યંત્રો અને આંદોલનો : ફ્રાન્સ તેમ જ બંગલાદેશ અને નેપાલમાં જે કંઈ પણ થયું એ શાસન-પરિવર્તનના નામે થઈ રહેલા એક મોટા ષડ્યંત્રનો જ હિસ્સો છે. પશ્ચિમી તાકાતો ભારતને નબળું પાડવા માટે આવાં આંદોલનો અને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે. લોકશાહીમાં આંદોલનો સમસ્યાના ઉકેલ માટે હોવાં જોઈએ, પરંતુ એનાથી દેશમાં ભાગલા ન પડવા જોઈએ.
ટેક્નૉલૉજી અને પર્યાવરણ : આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) જેવી આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ માત્ર માનવ કલ્યાણ માટે જ થવો જોઈએ, નહીં કે લોકોને છેતરવા કે અફવા ફેલાવવા માટે. માત્ર ભૌતિક સુવિધાઓ પાછળ દોડવાથી અને આંધળા વિકાસથી નેપાલ જેવી પર્યાવરણીય આપત્તિઓ સર્જાઈ શકે છે.


નવી પેઢી અને માધ્યમો : Gen-Z અર્થાત્ નવી પેઢીને સારા-નરસાનો ભેદ સમજાવવાની મુખ્ય જવાબદારી વાલીઓની છે. સમાજમાં ઓવર ધ ટૉપ (OTT) પ્લૅટફૉર્મ પર શિસ્ત અને યોગ્ય નિયંત્રણ લાવવા વિશે સરકાર અને વહીવટી તંત્રે ગંભીરતાથી વિચારવું જોઈએ.
નશામુક્તિ અભિયાન : દેશના યુવાનોમાં ડ્રગ્સ અને નશાની લત એક અત્યંત ગંભીર સમસ્યા બની ગઈ છે. યુવાનોને આ બરબાદીથી બચાવવા માટે હવે RSS સમગ્ર ભારતમાં નશામુક્તિ વિશે એક મોટું અભિયાન ચલાવશે.

Whatsapp-channel Whatsapp-channel

21 October, 2026 07:40 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK