મરીન ડ્રાઇવની હોટેલમાં રોકાયેલા અમેરિકન નાગરિકે દાનમાં આપવા માટે કપડાં, જૂતાં અને લેટર સાથેની બૅગ એમનેમ મૂકી દીધી હતી
નીતેશ રાણે અને બૅગ
કૅબિનેટ મિનિસ્ટર નીતેશ રાણેના સુવર્ણ બંગલાની બહાર ગઈ કાલે સવારે એક નધણિયાતી બૅગ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ કારણે પોલીસ-અધિકારીઓએ આખા વિસ્તારને હાઈ અલર્ટ પર રાખ્યો હતો. આ વિસ્તારમાં બિનવારસી પડેલી બૅગને સિક્યૉરિટી કર્મચારીઓએ સૌથી પહેલાં જોઈ હતી. તેમણે તાત્કાલિક મુંબઈ પોલીસને જાણ કરી હતી. પોલીસ ટીમે ત્યાં પહોંચીને તપાસ હાથ ધરી હતી. સઘન ચેકિંગ કર્યા પછી પોલીસ-ઑફિસરે ખાતરી આપી હતી કે એ બૅગમાં કોઈ વિસ્ફોટક કે જોખમી વસ્તુઓ નહોતી.
તપાસ દરમ્યાન પોલીસને બૅગની અંદર એક જોડી જૂતાં, કપડાં અને એક ચિઠ્ઠી મળી આવી હતી. CCTV કૅમેરાનાં ફુટેજ સ્કૅન કર્યા પછી પોલીસે બૅગના માલિકને શોધી કાઢ્યો, પણ તે તો ત્યાં સુધીમાં ગોવા પહોંચી ગયો હતો. તે વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું કે તે મરીન ડ્રાઇવ વિસ્તારની એક હોટેલમાં રોકાયો હતો. ગઈ કાલે વહેલી સવારે ગોવા જતાં પહેલાં તેણે બંગલાના નોકરના ક્વૉર્ટર પાસે બૅગ મૂકી હતી જેમાં એક ચિઠ્ઠી હતી અને એમાં લખ્યું હતું કે જૂતાં અને કપડાં મફત છે, કોઈ પણ એને લઈ જઈ શકે છે.


