મુંબઈ-અમદાવાદ હાઇવે પર હાઇડ્રોજન ગૅસનાં સિલિન્ડરોમાંથી ગૅસ લીક થવાની ઘટના બની હતી.
હાઇડ્રોજન લીક થતો હોય એવાં મળી આવેલાં સિલિન્ડરો.
મુંબઈ-અમદાવાદ હાઇવે પર હાઇડ્રોજન ગૅસનાં સિલિન્ડરોમાંથી ગૅસ લીક થવાની ઘટના બની હતી. ઘટનાસ્થળેથી વાલ્વમાંથી હાઇડ્રોજન લીક થતો હોય એવાં ૧૩ જ્યારે નજીકના ખેતરમાંથી બીજા ૧૬૦ હાઇડ્રોજન સિલિન્ડર મળી આવ્યાં હતાં. મંગળવારે સાંજે ૭ વાગ્યે બનેલી આ ઘટના બાદ પોલીસ ઉપરાંત અન્ય એક્સપર્ટ્સની મદદ લઈને ૧૨ કલાકનું ઑપરેશન ચલાવવામાં આવ્યું ત્યાર પછી આ એરિયાને સેફ ઝોન માનવામાં આવ્યો હતો.
ઑપરેશન દરમ્યાન હાઇડ્રોજન ભરેલાં ૧૩ સિલિન્ડર મળી આવ્યાં હતાં જેમાંથી ગૅસ લીક થઈ રહ્યો છે. પરિસ્થિતિ વધુ વણસી શકે અને કોઈ અકસ્માત થઈ શકે એવી શક્યતા હોઈ પોલીસ ઉપરાંત અન્ય કેમિકલ એક્સપર્ટ્સને પણ બોલાવવામાં આવ્યા હતા. ૧૨ કલાકના ઑપરેશન બાદ બુધવારે સાડાસાત વાગ્યાની આસપાસ આ ક્ષેત્ર સુરક્ષિત કરવામાં આવ્યું હતું. જોકે ખેતરમાંથી મળી આવેલા ૧૬૦ સિલિન્ડરના કારણે કોઈ ખતરો ન હોવાનું અને ફક્ત ૧૩ સિલિન્ડરમાંથી જ ગૅસ લીક થતો હોવાનું જાણવા મળ્યું હતું. આ બધાં જ સિલિન્ડરને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યાં હતાં.
