તેમને ચોંકાવનારી વિગતો મળી હતી અને એથી તેમણે આ મહિલા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મનવિન્દર કૌર અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અમરિન્દર સિંહ
પંજાબ સરકારમાં અધિકારી હોવાનો દાવો કરનારી મનવિન્દર કૌર નામની મહિલાએ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અમરિન્દર સિંહ સાથે આ વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કર્યાં હતાં પણ લગ્ન બાદ આ મહિલા રોકડ રકમ અને જ્વેલરી લઈને ફરાર થઈ ગઈ હતી. શરૂઆતમાં પોતાની સાથે છેતરપિંડી થઈ છે એવું સમજમાં આવતાં અમરિન્દર સિંહે પ્રાઇવેટ જાસૂસ દ્વારા આ મહિલાની તપાસ કરાવી હતી ત્યારે તેમને ચોંકાવનારી વિગતો મળી હતી અને એથી તેમણે આ મહિલા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફતેહગઢ સાહિબમાં પોલીસે સિરહિન્દ માર્કેટ કમિટીના ચૅરમૅન અને બ્લૉક સમિતિના સભ્ય અમરિન્દર સિંહની ફરિયાદના આધારે મંગળવારે એક મહિલા સહિત છ લોકો સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે મનવિન્દર કૌરે પોતે અપરિણીત હોવાનું અને સરકારી અધિકારી હોવાનું જણાવ્યું હતું. આના પગલે અમરિન્દર સિંહે તેની સાથે લગ્ન કર્યાં હતાં અને આ લગ્નમાં પંજાબ સરકારના ઘણા નેતાઓ અને પ્રધાનો હાજર રહ્યા હતા. જોકે લગ્ન બાદ તે ફરાર થતાં અમરિન્દર સિંહે કરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે મનવિન્દર કૌર સરકારી અધિકારી નહોતી તેમ જ તેનો જન્મ ૧૯૯૨માં નહીં પણ ૧૯૮૦માં થયો હતો અને તેને ૧૮ વર્ષનો એક દીકરો પણ છે. તેના છૂટાછેડા પણ થઈ ચૂક્યા હતા.
પોલીસે મનવિન્દર કૌર તેમ જ તેના ભાઈ તરલોચન સિંહ, માતા અમરજિત કૌર, પિતરાઈ ભાઈ નરેન્દ્ર સિંહ, ભાભી રૂપિન્દર કૌર અને ગામના ભૂતપૂર્વ સરપંચ સુખમન્દર સિંહ રાણા સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ તમામ છ આરોપીઓ તરનતારન જિલ્લાના ભિખીવિન્ડ પોલીસ-સ્ટેશન હેઠળ આવતા સુર સિંહ ગામના રહેવાસી છે.
