કોર્ટે મમ્મી અને તેના પ્રેમીને કરી ૧૮૦ વર્ષની સજા અને ૧૧.૭ લાખ રૂપિયાનો દંડ
પ્રતીકાત્મક તસવીર
કેરલાની એક ખાસ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ ઍક્ટ (POCSO) કોર્ટે એક મહિલા અને તેના પુરુષ સાથીને ૧૮૦ વર્ષની જેલની સજા ફટકારી છે. આ પુરુષ પર મહિલાની ૧૨ વર્ષની પુત્રી પર વારંવાર બળાત્કાર કરવાનો આરોપ હતો. મહિલા પર તેની પુત્રી પર બળાત્કાર કરવામાં મદદ કરવાનો અને પ્રોત્સાહન આપવાનો આરોપ હતો.
કોર્ટે બન્નેને ૧૮૦ વર્ષની જેલ અને ૧૧.૭ લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે. જો દંડ ચૂકવવામાં ન આવે તો બન્નેની સજા ૨૦ મહિના સુધી વધારવામાં આવશે. ન્યાયાધીશ અશરફ એ.એમ.એ બન્નેને POCSO, ઇન્ડિયન પીનલ કોડ અને જુવેનાઇલ જસ્ટિસની વિવિધ જોગવાઈઓ હેઠળ દોષી ઠેરવ્યાં છે. આરોપી પલક્કડનો રહેવાસી છે, ત્યારે સગીરાની માતા તિરુવનંતપુરમની છે.
ફોનથી સંપર્કમાં આવી
ADVERTISEMENT
આ કેસમાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર સોમસુંદરને જણાવ્યું હતું કે ‘૩૦ વર્ષની મહિલા તેના પતિ અને પુત્રી સાથે તિરુવનંતપુરમમાં રહેતી હતી અને ફોન પર વાતચીત દ્વારા ૩૩ વર્ષના આરોપીના સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ તે તેની સાથે ભાગી ગઈ હતી અને બન્ને પલક્કડ અને મલપ્પુરમમાં રહેતાં હતાં. આ સમય દરમ્યાન તેની દીકરી પણ તેની સાથે જ રહેતી હતી.’
૨૦૧૯થી અત્યાચાર શરૂ
મહિલાના મિત્રએ ડિસેમ્બર ૨૦૧૯થી નવેમ્બર ૨૦૨૦ દરમ્યાન છોકરી પર ઘણી વખત જાતીય હુમલો કર્યો હતો. ડિસેમ્બર ૨૦૨૦થી ઑક્ટોબર ૨૦૨૧ સુધી આ અત્યાચાર ચાલુ રહ્યો હતો. આ કેસમાં માતાને જાતીય હુમલો કરવા માટે ઉશ્કેરવાની દોષી ઠેરવવામાં આવી છે.
અશ્લીલ વિડિયો બતાવ્યા
મહિલા પર છોકરીને અશ્લીલ વિડિયો બતાવવાનો અને તેને બિઅર પિવડાવવાનો પણ આરોપ હતો. મહિલાએ છોકરીને ધમકી આપી હતી કે તેના મગજમાં ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા લગાવવામાં આવ્યો છે અને જો તે કોઈને કહેશે તો તેને શોધી કાઢવામાં આવશે.
કેસ કેવી રીતે પ્રકાશમાં આવ્યો?
આ મહિલા મલપ્પુરમ પોલીસ-સ્ટેશન ગઈ હતી અને તેણે તેનાં માતા-પિતા પર આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો ન આપવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે મહિલાનાં માતા-પિતાને દસ્તાવેજ આપવા કહ્યું અને જ્યારે મહિલાનાં માતા-પિતા મહિલાના ઘરે પહોંચ્યાં અને કહ્યું કે તેઓ તેમની પૌત્રીને જોવા માગે છે ત્યારે આરોપીએ ના પાડી. બાદમાં પાડોશીઓએ જાણ કરી કે છોકરી ઘરમાં છે અને તેની તબિયત ખરાબ છે, તેને ખાવાનું પણ આપવામાં આવતું નથી. ત્યાર બાદ તેઓ ચાઇલ્ડ-લાઇનનો સંપર્ક કરીને છોકરીને સ્નેહિતા સેન્ટર લઈ ગયા. ત્યાં છોકરીએ આ ઘટનાની વાત કહી હતી.


