ઇન્ટરિમ મેડિકલ જામીન રદ કરવા માટે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી
નવાબ મલિક
વિધાનસભાની ચૂંટણીમાં માનખુર્દ-શિવાજીનગર બેઠકમાંથી ચૂંટણી લડી રહેલા નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકને ઝટકો લાગવાની શક્યતા ઊભી થઈ છે. ફેબ્રુઆરી ૨૦૨૨માં મની લૉન્ડરિંગ મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ ધરપકડ કર્યા બાદ નવાબ મલિક દોઢ વર્ષ જેલમાં બંધ હતા. નવાબ મલિક પર ભારતના મોસ્ટ વૉન્ટેડ દુશ્મન દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધ હોવાનો આરોપ છે. ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં તેમને કિડનીની સારવાર કરવા માટે વચગાળાના મેડિકલ જામીન આપવામાં આવ્યા હતા. નવાબ મલિકે કેસના સાક્ષીઓને ધમકાવવાની સાથે જામીનની બીજી શરતોનું ઉલ્લંઘન કર્યું હોવાનો દાવો કરીને સૅમસન પઠારે નામની વ્યક્તિએ ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરીને નવાબ મલિકના જામીન રદ કરવાની માગણી કરી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ‘કિડનીની સારવારને બહાને નવાબ મલિકે જામીન લીધા હતા, પરંતુ જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે કોઈ સારવાર નથી લીધી. નવાબ મલિકની તબિયત ક્રિટિકલ નથી કે તેમને હેલ્થની કોઈ સમસ્યા દેખાતી નથી. જામીન મેળવવા માટે તેમણે કોર્ટને ગેરમાર્ગે દોરી હતી. આથી તાત્કાલિક ધોરણે જામીન રદ કરવામાં આવે.’