આવું કહીને થર્ટીફર્સ્ટે એક ફ્રેન્ડે બીજા ફ્રેન્ડના માથામાં પાવડો ફટકાર્યો
પ્રતીકાત્મક તસવીર
થર્ટીફર્સ્ટની રાત્રે દારૂના નશામાં એક ફ્રેન્ડે તેના ફ્રેન્ડના માથામાં પાવડો ફટકારીને ગંભીર રીતે ઘાયલ કરી દેવાની ઘટના પુણેના ભારતી વિદ્યાપીઠ પોલીસ-સ્ટેશનની હદમાં બની હતી. પોલીસના જણાવ્યા મુજબ નિગેશ મ્હાત્રે અને ધમ્મપાલ સોનાવણે નામના ફ્રેન્ડ ડ્રાઇવર હોવાની સાથે એક જ રૂમમાં રહે છે.
થર્ટીફર્સ્ટની રાત્રે તેઓ સાથે પાર્ટી કરી રહ્યા હતા. આ દરમ્યાન નિગેશ મ્હાત્રે જમવા માટે મગાવવામાં આવેલું મટન ખાવા લાગ્યો હતો. એ જોઈને ધમ્મપાલે ગુસ્સામાં ‘અમારા પહેલાં કેમ જમવા લાગ્યો?’ એવું કહીને નિગેશના માથામાં નજીકમાં પડેલા પાવડાનો હાથો ફટકાર્યો હતો. અચાનક થયેલા હુમલામાં નિગેશ મ્હાત્રે ગંભીર રીતે ઘાયલ થયો હતો. કોઈકે પોલીસને જાણ કરતાં ઘાયલ થયેલા નિગેશને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવાયો હતો અને તેના પર હુમલો કરનારા ધમ્મપાલ સોનાવણે સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.