લાઇસન્સ ધરાવતા લોકોનાં હથિયાર પણ જપ્ત, ૧૦ રીઢા ગુનેગારને તડીપાર કર્યા, ૭૭૯ લીટર દારૂ જપ્ત કર્યો, દારૂની હેરફેર બદલ ૧૦૭ જણની ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
કલ્યાણ–ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)ની ચૂંટણી ૧૫ જાન્યુઆરીએ યોજાવાની છે. એ ચૂંટણી વખતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે કલ્યાણ પોલીસે સાવચેતીની દૃષ્ટિએ ૨૫૨૭ પ્રિવેન્ટિવ કાર્યવાહી કરી છે.
ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અતુલ ઝેન્ડેએ આ બાબતે કહ્યું હતું કે ‘ચૂંટણીના આ સમયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. એ અંતર્ગત અમારા જ્યુરિડિક્શનમાં હથિયારનાં લાઇસન્સ ધરાવતા ૧૩૦૧ લોકોમાંથી ૧૧૧૦નાં હથિયારો હાલ અમે અમારી પાસે ડિપોઝિટ કરી લીધાં છે અને ૪૯ હજી ડિપોઝિટ કરવાનાં બાકી છે. બાકીનાં હથિયારો બૅન્ક અને અન્ય એજન્સીઓના ગાર્ડ્સ સુરક્ષા માટે વાપરે છે. અમે આ કાર્યવાહી દરમ્યાન બે ગાવઠી કટ્ટા (દેશી પિસ્ટલ), બે કાર્ટ્રિજ, ૪૫ ચાકુ, પાંચ ચૉપર અને ૩ તલવાર જપ્ત કર્યાં છે. એ સિવાય ૭૭૯.૫૭ લીટર દેશી અને વિદેશી દારૂ પણ પકડ્યો છે. ૧.૭૮ કિલો ગાંજો અને ૧૨૦ બૉટલ કફ સિરપ પણ જપ્ત કરવામાં આવ્યું છે. દારૂની ગેરકાયદે હેરફેર કરવા સંદર્ભે ૧૦૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કચોરેના ગાવદેવી મંદિર પાસેથી ૯ લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. ૧૦ રીઢા ગુનેગારોને તડીપાર કરી દેવામાં આવ્યા છે.


