જરા પણ અપેક્ષા રાખ્યા વગર કામ કરવા છતાં ઇગ્નૉર કરવામાં આવતા હોવાથી નારાજ
પ્રકાશ મહાજન
BJPના સદ્ગત નેતા પ્રમોદ મહાજનના ભાઈ પ્રકાશ મહાજને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રવક્તાપદેથી રાજીનામું આપી દીધું હતું. આ બાબતે વિડિયો-મેસેજમાં તેમણે કહ્યું હતું કે ‘કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર કામ કરવા છતાં મારી અવગણના થતી હતી. એ સિવાય કોઈ પણ કામ માટે મારી કદર કરવામાં આવતી નહોતી, પણ મારી કોઈ ભૂલ ન હોવા છતાં મને એ માટે જવાબદાર ગણવામાં આવતો હતો.’
MNSમાં કોઈને માન નથી અપાતું એમ જણાવીને હવે પછી કોઈ પાર્ટીમાં જોડાવાની ઇચ્છા નથી એમ પણ પ્રકાશ મહાજને સ્પષ્ટ કર્યું હતું. પ્રકાશ મહાજને આ બાબતે બહાર પાડેલા વિડિયોમાં કહ્યું હતું કે ‘મને છેલ્લા કેટલાક દિવસથી લાગી રહ્યું હતું કે હવે થોભી જવું જોઈએ. મારે જોકે પહલગામ હુમલા વખતે જ થોભી જવું હતું, પણ એ વખતે મને લાગ્યું કે પરિસ્થિતિ સુધરશે. વ્યક્તિગત રીતે કહું તો મારી અપેક્ષાઓ બહુ ઓછી હતી. હું જે કોઈ પાર્ટીમાં હતો ત્યાં મેં ક્યારેય ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી નથી કે મેં ક્યારેય કોઈ પદ માટેની ખેવના પણ રાખી નથી. હિન્દુત્વનું સંરક્ષણ થાય એટલી જ મારી ભાવના હતી. આમ મારી અપેક્ષાઓ ઓછી રાખવા છતાં મારી બહુ જ અવગણના કરવામાં આવી. લોકસભાની ચૂંટણી વખતે કે વિધાનસભાની ચૂંટણી વખતે મારી સલાહ જ ન લેવાઈ અને ફક્ત પ્રચાર માટે જ મારો ઉપયોગ કરવામાં આવ્યો. મને જે પણ જવાબદારી સોંપવામાં આવી એ મેં સુપેરે પાર પાડી. મારી ક્યારેય મેં કરેલી કામગીરી બદલ કદર નહોતી કરવામાં આવી, પણ મેં ન કરી હોય એવી ભૂલો માટે મને જવાબદાર ગણાવવામાં આવ્યો.’
ADVERTISEMENT
અમિત ઠાકરેની માફી કેમ માગી?
પ્રકાશ મહાજને વધતી ઉંમર અને પાર્ટીમાં માન ન મળતું હોવાથી પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. જોકે તેમણે અમિત ઠાકરેની માફી માગતાં કહ્યું હતું કે ‘હું અમિત ઠાકરેની માફી માગીશ, કારણ કે મેં તેમને કહ્યું હતું કે હું તેમના માટે જ નહીં, તેમના દીકરા માટે પણ કામ કરીશ. જોકે હવે બદલાયેલા સંજોગો જોતાં હું મારું વચન નહીં પાળી શકું. ક્યારેક ધારેલી વસ્તુ નથી મળતી એને જ નસીબ કહેવાય. હું ઘણાં વર્ષોથી પાર્ટીમાં હતો. BJPના નારાયણ રાણેએ મને ધમકી આપી ત્યારે પણ પાર્ટીએ મને સપોર્ટ નહોતો કર્યો. મને લાગે છે કે રાજ ઠાકરેએ કુંભમેળા અને પહલગામ અટૅક પછી જે મંતવ્ય જાહેર કર્યું હતું એ બિનજરૂરી હતું.’

