યજમાન ચીન અને ભારત બે-બે વખત આ ટુર્નામેન્ટ જીત્યાં છે, ત્રણ વખતના ચૅમ્પિયન સાઉથ કોરિયા અને જપાન સુપર-ફોરમાં એક પણ મૅચ ન જીતી શક્યાં
વિમેન્સ હૉકી એશિયા કપ 2025ની ફાઇનલ મૅચમાં આજે બે-બે વખતનાં ચૅમ્પિયન ભારત અને ચીન ટકરાશે
ચીનમાં આયોજિત વિમેન્સ હૉકી એશિયા કપ 2025ની ફાઇનલ મૅચમાં આજે બે-બે વખતનાં ચૅમ્પિયન ભારત અને ચીન ટકરાશે. સુપર-ફોર રાઉન્ડમાં ચીન ત્રણેય મૅચ અને ભારત એક જીત, એક હાર અને એક ડ્રૉ મૅચ રમીને ફાઇનલમાં પહોંચ્યું છે. ત્રણ-ત્રણ વખતની ચૅમ્પિયન ટીમ સાઉથ કોરિયા અને જપાન સુપર-ફોર રાઉન્ડની એક પણ મૅચ ન જીતી શકતાં તેઓ હવે ત્રીજા ક્રમના દાવેદાર થવા આજે એકબીજા સામે રમશે.
ગઈ કાલે ભારતે ડિફેન્ડિંગ ચૅમ્પિયન જપાન સામે ૧-૧ના સ્કોરલાઇનવાળી ડ્રૉ મૅચ રમી હતી. ભારતે સાતમી મિનિટમાં બ્યુટી ડુંગ ડુંગના ફીલ્ડ ગોલ દ્વારા લીડ મેળવી હતી, જ્યારે જપાને મૅચની અંતિમ સમયની બે મિનિટ પહેલાં બરાબરીનો ગોલ કર્યો હતો. હરિયાણાની ૨૯ વર્ષની પ્લેયર નવનીત કૌર ભારત માટે ૨૦૦મી ઇન્ટરનૅશનલ મૅચ રમવા ઊતરી હતી.

