ભારત પર ૧૦૦ ટકા ટૅરિફ લાદવાની ટ્રમ્પની અપીલ વચ્ચે યુરોપ ભારત સાથે ટ્રેડ-ડીલ કરવા તત્પર
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ટ્રેડ-ડીલની વાટાઘાટો આગળ વધારવા EUની સુરક્ષા સમિતિના પ્રતિનિધિઓ ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમણે ભારતના સંરક્ષણસચિવ અને વિદેશસચિવ સાથે સંવાદ કર્યો હતો.
યુરોપિયન યુનિયન (EU)ની રાજકીય અને સુરક્ષા સમિતિના અધ્યક્ષ ડેલ્ફિન પ્રૉન્ક જણાવ્યું હતું કે ભારત-EU સંબંધો વ્યૂહાત્મક રીતે નવી ઊંચાઈ પર છે. તેમની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે બન્ને પક્ષો ૨૦૨૫ના અંત સુધીમાં મુક્ત વેપાર કરાર-ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે તાજેતરમાં EUને રશિયાના તેલની ખરીદી માટે ભારત પર ૧૦૦ ટકા ટૅરિફ લાદવાની અપીલ કરી હતી.
આ મુદ્દે ડેલ્ફિન પ્રોન્કે જણાવ્યું હતું કે EU અને ભારત સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા માટે ઘણાં પગલાં પર ભરી રહ્યાં છે, કારણ કે ૨૭ સભ્યોનો બ્લૉક ભારતને દરિયાઈ સુરક્ષા અને સમગ્ર ઇન્ડો-પૅસિફિકમાં મુક્ત વેપાર સુનિશ્ચિત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ ભાગીદાર તરીકે જુએ છે. EU આગામી દિવસોમાં ભારત સાથે વ્યૂહાત્મક સંબંધો માટે નવું વિઝન જાહેર કરશે. બન્ને પક્ષો સંવેદનશીલ બાબતો પર સહયોગને સરળ બનાવવા માટે માહિતી સુરક્ષા કરાર પર પણ ચર્ચા કરી રહ્યા છે.
ADVERTISEMENT
૨૭ EU સભ્યોના રાજદૂતોનો સમાવેશ કરતી રાજકીય અને સુરક્ષા સમિતિ અત્યારે ભારતની પોતાની પ્રથમ મુલાકાતે છે. આ સમિતિ ભારતના સંરક્ષણસચિવ રાજેશકુમાર સિંહ અને વિદેશસચિવ વિક્રમ મિસરી સાથે સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારીને વધુ ગાઢ બનાવવાના નવા રસ્તાઓ શોધવા માટે વાતચીત કરવાની છે.

