પુરુષ પોલીસે સહયોગ કરવાને બદલે બળાત્કાર કેવી રીતે થયો એવું વારંવાર પૂછીને મને શરમજનક સ્થિતિમાં મૂકી
પ્રતીકાત્મક તસવીર
પુણેના સ્વારગેટ ડેપોમાં ઊભેલી બસમાં ૨૫ ફેબ્રુઆરીએ એક યુવતી પર બળાત્કાર કરવાની ચોંકાવનારી ઘટનામાં પોલીસ દ્વારા દત્તાત્રય ગાડે નામના આરોપીની ધરપકડ કરવામાં આવ્યા બાદ હવે આ મામલામાં પીડિત યુવતીએ રાજ્યના પ્રિન્સિપલ સેક્રેટરીને પત્ર લખીને પોલીસની તપાસ પર ગંભીર સવાલ કર્યા છે.
પીડિતાએ પ્રિન્સિપલ સેક્રેટરીને લખેલા પત્રમાં કહ્યું છે કે ‘હું સ્વારગેટ ડેપોમાં બસમાં થયેલી બળાત્કારની ઘટનાની પીડિતા છું. આરોપીએ મારા પર બે વખત બળાત્કાર કર્યા બાદ ત્રીજી વખત પણ અકુદરતી સેક્સ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મેં તેનો પ્રતિકાર કરતાં તે બસમાંથી ઊતરીને પલાયન થઈ ગયો હતો. મારા ખ્યાલમાં હતું કે વિરોધ કરવાથી કેટલાક લોકો હત્યા કરી નાખે છે એટલે જીવ ગુમાવવાના ડરથી હું બળાત્કારીનો તાકાત લગાવીને સામનો નહોતો કરી શકી. બસની ઘટના બાદ મારી મેડિકલ ટેસ્ટ કરવામાં આવી ત્યારે મારા આગ્રહ છતાં મહિલાને બદલે પુરુષ ડૉક્ટરોએ મારી ટેસ્ટ કરી હતી. પોલીસે મને ત્રણ વકીલનાં નામ આપીને એમાંથી પસંદગી કરવાનું કહ્યું હતું. હું ઍડ્વોકેટ અસીમ સરોદેને મારો કેસ સોંપવા માગતી હતી, પરંતુ પોલીસે એ માન્ય નહોતી રાખી. બળાત્કારનો ભોગ બનેલી મહિલાની સ્થિતિ ખૂબ જ નાજુક હોય છે એમ છતાં અનેક પુરુષ પોલીસે મારા પર કેવી રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો એના વારંવાર સવાલ કરીને મને શરમજનક સ્થિતિમાં મૂકી હતી. પોલીસની આવી વર્તણૂક જરાય ચલાવી લેવાય એવી નથી.’

