રેમન્ડ ગ્રુપના ચૅરમૅન અને વૈભવી કારના શોખીન ગૌતમ સિંઘાનિયાએ એનો વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી ચિંતા વ્યક્ત કરી હતી
ગૌતમ સિંઘાનિયા, લમ્બોર્ગિનીમાં આગ લાગ્યા બાદ ફાયર-એક્સ્ટિંગ્વિશર વડે એ ઓલવવાનો પ્રયાસ કરતો યુવાન (જમણે)
કોસ્ટલ રોડ પર બ્રીચ કૅન્ડી પાસે બુધવારે રાતે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ એક યલો કલરની કરોડો રૂપિયાની લમ્બોર્ગિની સ્પોર્ટ્સ કારમાં આગી લાગી હતી. રેમન્ડ ગ્રુપના ચૅરમૅન અને વૈભવી કારના શોખીન ગૌતમ સિંઘાનિયાએ એનો વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી ચિંતા વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે ‘આટલી હાઈ એન્ડ કાર લીધા બાદ એના સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ અને એ કેટલી ભરોસાપાત્ર છે એને લઈને હવે શંકા જાગી રહી છે. આટલા રૂપિયા ખર્ચીને આ કાર ખરીદનાર કોઈ પણ બાંધછોડ વગર ક્વૉલિટીની અપેક્ષા કરતો હોય, નહીં કે આવી કોઈ હોનારત.’
આ પહેલાં તેમણે ઑક્ટોબરમાં પણ લમ્બોર્ગિની વિશે ચિંતા વ્યક્ત કરી હતી. એ વખતે તેમણે કહ્યું હતું કે લમ્બોર્ગિનીના નવા વી-૧૨ મૉડલમાં ઇલેક્ટ્રિકલ ઇશ્યુ છે. તેઓ જ્યારે અટલ સેતુ પર એની ટેસ્ટ-ડ્રાઇવ લઈ રહ્યા હતા ત્યારે એમાં ફૉલ્ટ આવ્યો હતો.
બ્રીચ કૅન્ડી પાસે બનેલી બુધવારની ઘટનાની ફાયર-બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર-એન્જિને આવીને એ આગ ઓલવી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈ ઘાયલ થવાના પણ અહેવાલ નથી. જે કાર બળી ગઈ હતી એના પર ગુજરાતની નંબર-પ્લેટ હતી.