મુંબઈમાં દેશનો પહેલવહેલો ફ્લાયઓવર પણ આ અસાધારણ અર્બન પ્લાનરે બનાવ્યો હતો
શિરીષ પટેલ
મુંબઈ અને મુંબઈગરાનું હિત હૈયે રાખી એ માટે ડૅમ, બ્રિજ, મરીન જેટી, વિમાનનાં હૅન્ગર, ફૅક્ટરીઓ સહિત ઇન્ફ્રાસ્ટ્રચર્સ અને અબર્ન ડેવલપમેન્ટના અનેક સફળ પ્રોજેક્ટ પૂરા કરનાર અર્બન પ્લાનર અને સિવિલ એન્જિનિયર શિરીષ પટેલનું શુક્રવારે ૯૨ વર્ષની જૈફ વયે મુંબઈમાં અવસાન થયું હતું.
દેશનો પહેલો ફ્લાયઓવર મુંબઈમાં કેમ્પ્સ કૉર્નર ખાતે બન્યો હતો, એ પહેલાં દેશમાં ક્યાંય ફ્લાયઓવર નહોતો. મુંબઈમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યાને પોતાની દૂરંદેશીથી માપી લેનાર અને એને ખાળવા સમય પહેલાં જ પાળ બાંધવાનો નિર્ણય લેનાર શિરીષ પટેલે એ વખતની શ્રેષ્ઠ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરી કેમ્પ્સ કૉર્નર ફ્લાયઓવર બનાવ્યો હતો એટલું જ નહીં; જે ઝડપથી મુંબઈની વસ્તી, ટ્રાફિક વધી રહ્યાં હતાં એ જોઈ ૧૯૬૦માં જ તેમણે નવી મુંબઈ બનાવવું જોઈએ એવું વિચારી ચાર્લ્સ કોરિયા અને પ્રવીણા મહેતા સાથે મળીને નવી મુંબઈ બનાવવાનો પ્રસ્તાવ સરકાર સમક્ષ મૂક્યો હતો. સરકારે એ પ્રસ્તાવ મંજૂર કર્યો હતો એટલું જ નહીં, નવી મુંબઈ બનાવનાર સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (CIDCO)ના ટેક્નિકલ ડિરેક્ટર તરીકે સરકારે તેમની નિમણૂક કરી હતી. ૧૯૭૦થી ૧૯૭૪ સુધી નવી મુંબઈના એ પ્રોજેક્ટની પ્લાનિંગ ટીમ સાથે તેઓ સંકળાયેલા રહ્યા હતા. આ ઉપરાંત તેમણે અનેક મહત્ત્વના પ્રોજેક્ટ સફળતાપૂર્વક પાર પાડ્યા હતા. એ સિવાય હાઉસિંગ ડેવલપમેન્ટ ઍન્ડ ફાઇનૅન્સ કૉર્પોરેશન (HDFC)ની જ્યારે સ્થાપના થઈ ત્યારે એ ટીમમાં પણ શિરીષ પટેલ સામેલ હતા. તેઓ મુંબઈ હેરિટેજ કન્ઝર્વેશન કમિટીના સભ્ય પણ રહી ચૂક્યા છે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન સેટલમેન્ટની સ્થાપનામાં પણ તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
ADVERTISEMENT
મૂળ નર્મદા જિલ્લાના નાંદેડના શિરીષ પટેલનો જન્મ ૧૯૩૨ની ૭ માર્ચે થયો હતો. તેમનું બાળપણ કરાચીમાં વીત્યું હતું. તેમના પિતા ભાઈલાલ પટેલ પરિવાર સાથે મુંબઈ શિફ્ટ થયા બાદ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર પણ રહ્યા હતા. શિરીષ પટેલે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. શિરીષ પટેલના દીકરા ગૌતમ પટેલે ‘મિડ-ડે’ ને માહિતી આપતાં કહ્યું હતું કે ‘પપ્પા છેલ્લા એક વર્ષથી કૅન્સર સામે લડી રહ્યા હતા. આખરે શુક્રવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. પરિવારમાં અમારાં મમ્મી અને અમે તેમનાં બે સંતાનો છીએ. ગઈ કાલે શનિવારે બાણગંગા ઇલેક્ટ્રિક સ્મશાનભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કર્યા અને સાંજે ઘરે જ પ્રાર્થના સભા રાખી હતી.’
મુંબઈના હેરિટેજ સ્ટ્રક્ચર્સના વારસાને જાળવી એનો વિકાસ કરવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સમાં તેઓ સતત કામ કરતા રહેતા એટલું જ નહીં, મુંબઈગરાને રહેવા માટે સારું ઘર, એન્વાયર્નમેન્ટ મળે એ માટે તેઓ પ્રત્યનશીલ રહેતા. તેમણે જે હાઉસિંગ મૉડલ બનાવ્યું હતું એમાં તેમણે મુંબઈગરાની જરૂરિયાતને ધ્યાનમાં લઈ અનેક બાબતો સમાવી લીધી હતી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અને હાઉસિંગના પ્રોજેક્ટ્સ કરતી વખતે ઓપન સ્પેસ અને એન્વાયર્નમેન્ટને પણ તેમણે બહુ જ મહત્ત્વ આપ્યું હતું અને એ બાબતે તે કોઈ બાંધછોડ કરતા નહીં.
છ દાયકા સુધી તેઓ કાર્યરત રહ્યા હતા અને મુંબઈના જ નહીં, દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્બન પ્લાનિંગના અનેક મહત્ત્વના પ્રોજેક્ટ તેમણે સફળતાપૂર્વ હૅન્ડલ કર્યા હતા જેમાં મહારાષ્ટ્રના કોયના ડૅમનો પણ સમાવેશ થાય છે. તેમણે ૧૯૬૦માં પોતાની શિરીષ પટેલ ઍન્ડ અસોસિએટ્સ કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના નામે કંપની સ્થાપી હતી.
શિરીષ પટેલને લીધે નવી મુંબઈમાં સ્ટેશનની પાસે આપવામાં આવે છે વધુ FSI
નવી મુંબઈનું જ્યારે પ્લાનિંગ કરવામાં આવ્યું અને સિટી ડેવલપ કરી ત્યારે કઈ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી એ વિશે શિરીષ પટેલે ભૂતકાળમાં કહ્યું હતું કે ‘એ વખતે બધી જમીન CIDCO હેઠળ હતી. એથી સ્ટેશન પાસે વધુ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) આપવામાં આવી હતી જેથી ત્યાં ઊંચાં-ઊંચાં મકાનો બને તો વધુ ને વધુ લોકો સ્ટેશનની નજીક રહી શકે અને તેમને આવવા-જવામાં સરળતા રહે, તેમને સ્ટેશન ઊતરીને ઘરે પહોંચવા ટ્રાન્સપોર્ટની પણ જરૂર ન પડે. સ્ટેશનથી જેમ-જેમ દૂર જતા જાઓ એમ FSI ઓછી થતી જાય અને વધુમાં વધુ બંગલા અને ટેનામેન્ટ બને જેથી લોકો મોકળાશભર્યા ઘરમાં છૂટથી રહી શકે.
BDD ચાલના રીડેવલપમેન્ટમાં પણ ઘણાં મહત્ત્વનાં સૂચનો કર્યાં હતાં શિરીષ પટેલે
મુંબઈમાં જગ્યાની અછતને કારણે જૂનાં નાનાં મકાનો તોડી એનું રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે ત્યારે મુંબઈના હાર્દ સમા વરલી અને પરેલ વિસ્તારોની વર્ષો જૂની બૉમ્બે ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ (BDD) ચાલના રીડેવલપમેન્ટમાં પણ શિરીષ પટેલ લોકહિત જ વિચારતા હતા. તેમનું કહેવું હતું કે BDD ચાલના ૧૬૦ સ્ક્વેર ફુટમાં રહેતા પરિવારોને ત્યાં જ સહેલાઈથી ૫૦૦ સ્ક્વેર ફુટની જગ્યા આપીને પુનર્વસન કરી શકાય, તેમના માટેનાં મકાન બનાવી બાજુમાં ઓપન વેચાણ માટેનું બિલ્ડિંગ બનાવી શકાય.
શિરીષ પટેલે મૂકેલી ગણતરી મુજબ એક સ્ક્વેર મીટરની કન્સ્ટ્રક્શન-કૉસ્ટ ૩૦,૦૦૦ રૂપિયા આવે છે, જ્યારે એની સામે વરલીનો એક સ્ક્વેર મીટરનો ભાવ ચાલી રહ્યો છે ૩,૦૦,૦૦૦ રૂપિયા જે દસ ગણો વધારે છે, એથી રીહૅબિલિટેશન માટેના ૧૦ માળ સામે માત્ર એક જ માળ (૧૦ ટકા જગ્યા) બિલ્ડરને સેલ માટે આપી શકાય; પણ મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA) બિલ્ડરને ૧૩૦ ટકા એરિયા સેલ કરવા આપી રહી છે. આનાથી શું થશે કે મૂળ રહેવાસીઓનાં જે બિલ્ડિંગ બનશે એ એકબીજાની એકદમ લગોલગ બનશે જેના કારણે તેમનાં ઘરમાં દિવસના પણ પ્રકાશ, ઉજાસ નહીં આવે. હવાની હેરફેર પણ ઓછી થશે. આની આડઅસર રૂપે જે લોકો નીચેના માળ પર રહેતા હશે તેમના સ્વાસ્થ્ય પર એની અવળી અસર પડશે. સરકારી જમીન એ મૂળમાં પબ્લિકની જમીન છે એથી એનો વિકાસ કરતી વખતે લોકોનું હિત વધુમાં વધુ કઈ રીતે સચવાય એનો વિચાર કરવો જોઈએ એમ તેમનું માનવું હતું. તેઓ કહેતા કે એમાં જો સેલનો કમ્પોનન્ટ ૧૫ ટકા કરી આપવામાં આવે તો બિલ્ડરને પણ ફાયદો થાય અને લોકોને પણ મોકળાશ અને હવા-ઉજાસવાળાં ઘર આપી શકાય.
જોકે સરકારે તેમની આ વાત માની નહોતી અને BDD ચાલનું રીડેવલપમેન્ટ બિલ્ડરોને તેમની શરતે આપી દીધું હતું.
શિરીષ પટેલે કરેલા નવતર પ્રયોગો અને આવિષ્કાર
• સિવિલ એન્જિનિયરિંગમાં શિરીષ પટેલે રેસિડેન્શયલ સ્કાયસ્ક્રૅપર બનાવતી વખતે લાર્જ પ્રી-કાસ્ટ પૅનલનો ઉપયોગ કરવાનો પ્રયોગ કર્યો હતો. તેમણે પેટિટ હૉલનું સ્ટ્રક્ચર બનાવતી વખતે નીચેના ત્રણ માળ જ ફક્ત પાયામાં કૉન્ક્રીટ પાથરી ઉપર પિલર્સ અને બીમ લીધા. એની ઉપરના ૨૭ માળ તેમણે પ્રી-કાસ્ટ ટેક્નિકથી બનાવ્યા. આમ નવી ટેક્નૉલૉજી વિકસાવી. જોકે એ મજબૂત રહેશે કે નહીં, સેફ રહેશે કે નહીં એ જાણવા તેમણે ઓરિજિનલ સ્ટ્રક્ચર જે રીતે ઊભું કરવાનું હતું એવું જ ૩ માળ ઊંચું સેમ સ્ટ્રક્ચર બનાવ્યું. એની બધી રીતે ચકાસણી કરીને પછી એ ૨૭ માળ ઊભા કર્યા.
• શિરીષ પટેલે ફૅક્ટરીઓમાં બહારની ફ્રેશ હવા ફરતી રહે પણ જ્યારે ભારે વરસાદ આવે ત્યારે ફૅક્ટરીમાં વરસાદનું પાણી અંદર ન આવી શકે એવા વર્ટિકલ લુવર્સ ઇન્ટ્રોડ્યુસ કર્યા જે આજે પણ અનેક ફૅક્ટરીઓમાં વેન્ટિલેશન માટે વાપરવામાં આવે છે.
• મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ટરના પ્રોજેક્ટ કરતા શિરીષ પટેલે ઘરની ગૃહિણીઓ માટે પણ વિચાર કર્યો હતો અને ફ્યુઅલનો ઉપયોગ ઓછો થાય અને છતાં સરસ રીતે રાંધી શકાય એવું સોલર કુકર બનાવ્યું.
• કોયના ડૅમનું પ્લાનિંગ, ડિઝાઇનિંગ અને એ બનાવવા માટે કેબલ ક્રેનનું ફાઉન્ડેશન અને સુપરવિઝન તેમણે કર્યું હતું.