શરદ પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરી માગણી
					
					
શરદ પવાર, નરેન્દ્ર મોદી
મહારાષ્ટ્રના વરિષ્ઠ રાજકારણી શરદ પવારે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં મરાઠા સામ્રાજ્યના મહાન યોદ્ધાઓ પેશવા બાજીરાવ (પહેલા), મહાદજી શિંદે અને મલ્હારરાવ હોળકરની અશ્વારૂઢ પ્રતિમાઓ સ્થાપવાની પરવાનગી આપવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માગણી કરી છે. તેમણે પત્રમાં કહ્યું છે કે તાલકટોરા સ્ટેડિયમ જે જગ્યાએ છે એ જગ્યા ૧૮મી સદીમાં મોગલોના વિરોધમાં મરાઠાઓએ કરેલી ક્રાન્તિનું મહત્ત્વનું કેન્દ્ર હતું.
પુણેના એક નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO) દ્વારા પહેલાં પણ તાલકટોરા સ્ટેડિયમમાં મહારાષ્ટ્રના યોદ્ધાઓની પ્રતિમાઓ મૂકવાની માગણી કરવામાં આવી હતી. તાજેતરમાં સાહિત્યકારો અને ઇતિહાસકારોએ પણ આ જ સૂચન કરતાં કહ્યું હતું કે યોદ્ધાઓની પ્રતિમાઓ જો અશ્વારૂઢ હોય તો એ વધુ યોગ્ય લેખાશે. એથી શરદ પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં આ બાબતનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે જો યોદ્ધાઓની અશ્વારૂઢ પ્રતિમા મૂકવામાં આવે તો વધુ ઉચિત રહેશે અને એના માટે પરવાનગી આપવામાં આવે. તાલકટોરા સ્ટેડિયમ ન્યુ દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન (NDMC) હેઠળ આવે છે એટલે વડા પ્રધાને દિલ્હી સરકાર અને NDMCને આ બાબતે નિર્દેશ આપવા જોઈએ એવું પત્રમાં લખવામાં આવ્યું છે. થોડા વખત પહેલા જ તાલકટોરા સ્ટેડિયમમાં ૯૮મું મરાઠી સાહિત્ય સંમેલન યોજાયું હતું, જેનું ઉદ્ઘાટન વડા પ્રધાને કર્યું હતું.
		        	
		         
        

