આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થવાનું હતું
આ ઘટનાની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી, પરંતુ આગના વિડિયો બતાવે છે કે એ રિફાઇનરી સંકુલમાં જ છે
રાજસ્થાનના બાલોતરાના પચપદ્રામાં આવેલા ભારતના પ્રથમ ગ્રીનફીલ્ડ ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી-કમ-પેટ્રોકેમિકલ કૉમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી. આ રિફાઇનરી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (HPCL) અને રાજસ્થાન સરકાર વચ્ચેનો સંયુક્ત પ્રોજેક્ટ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે આ રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાના હતા, એના એક દિવસ પહેલાં જ આગ લાગી હતી.
જોકે આ ઘટનાની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી, પરંતુ આગના વિડિયો બતાવે છે કે એ રિફાઇનરી સંકુલમાં જ છે. આ રિફાઇનરીની કુલ ક્ષમતા વાર્ષિક ૯ મિલ્યન મેટ્રિક ટન (MMTPA) છે અને એની પેટ્રોકેમિકલ ઉત્પાદનક્ષમતા ૨.૪ MMTPA છે. આ રિફાઇનરી HPCL અને રાજસ્થાન સરકાર વચ્ચેનું ૭૯,૪૫૯ કરોડ રૂપિયાનું સંયુક્ત સાહસ છે, જેમાં રાજસ્થાન સરકાર ૨૬ ટકા ઇક્વિટી હિસ્સો ધરાવે છે.
ADVERTISEMENT
શિલાન્યાસ સોનિયા ગાંધી દ્વારા
આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કૉન્ગ્રેસનાં નેતા સોનિયા ગાંધી દ્વારા રાજ્યમાં અશોક ગેહલોતની આગેવાની હેઠળની સરકારના કાર્યકાળ દરમ્યાન ૨૦૧૩માં કરવામાં આવ્યો હતો. એનો પ્રારંભિક અંદાજિત ખર્ચ ૩૭,૨૩૦ કરોડ રૂપિયા હતો. જોકે સરકાર બદલાયા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૮ની ૧૬ જાન્યુઆરીએ પ્રોજેક્ટ ફરીથી શરૂ કર્યો હતો. પૉલિપ્રોપિલીન, પૉલિઇથિલીન (HDPE/LLDPE), બેન્ઝિન, ટોલ્વિન અને બ્યુટાડીન જેવાં ઉત્પાદનો પર આધારિત ઉદ્યોગો અહીં સ્થાપિત થવાની અપેક્ષા છે, જે એક મજબૂત ઔદ્યોગિક ઇકો-સિસ્ટમ માટે માર્ગ મોકળો કરશે.
