Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જો વરસાદમાં પલળીને માંદા ન પડવું હોય તો આટલું ધ્યાનમાં રાખો

જો વરસાદમાં પલળીને માંદા ન પડવું હોય તો આટલું ધ્યાનમાં રાખો

Published : 01 July, 2026 03:21 PM | IST | Mumbai
Yogita Goradia

આ સીઝનમાં બીમારીથી બચવા એક પ્રકારનો કાઢો પી શકાય. એક ચમચી તુલસીનો રસ લેવો. ૧૦-૧૫ તુલસીનાં પાનને મસળીને કે પથ્થરથી ઘસીને આ રસ મળી શકે છે. મિક્સરમાં એ કાઢવાની જરૂર રહેતી નથી. એમાં એક ચમચી આદુંનો રસ, ચપટી હળદર અને ચપટી તજનો પાઉડર ઉમેરવો.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વરસાદની સીઝનમાં માંદા પડવું ખૂબ સરળ છે. વરસાદમાં ભીંજાવું એ તમારી ચૉઇસ હોય કે મજબૂરી પણ બન્ને પરિસ્થિતિમાં અમુક બાબતોનું ધ્યાન રાખશો તો ચોક્કસ માંદા નહીં પળો. આવી પરિસ્થિતિમાં ઘરે આવીને હૂંફાળા ગરમ પાણીમાં મીઠું નાખીને ૧૦ મિનિટ પગ બોળી રાખો. મીઠું ઍન્ટિ-બૅક્ટેરિયલ પ્રૉપર્ટી ધરાવે છે જેને કારણે પગની ચામડી પર રહેલા બૅક્ટેરિયા નાશ પામે છે. આ સિવાય એ નર્વ પર કામ કરે છે જે વ્યક્તિના થાકને અને સ્ટ્રેસને દૂર કરવાનું કામ કરે છે અને રિલૅક્સ રાખે છે.

આ ઋતુમાં ખાસ કરીને પમ્પકિન એટલે કે કોળાનું સૂપ પી શકાય છે. કોળાના ટુકડા કરી એને થોડાક ઘીમાં શેકી એને ક્રશ કરીને એનું સૂપ બનાવવું. આ સૂપ પેટ માટે નરવું અને તાવ કે ઇન્ફેક્શનમાં ઘણું જ ઉપયોગી છે. આ સિવાય જો સાંજે ઘરે આવો તો નૉર્મલ ચાને બદલે હર્બલ ટી પી શકાય. ફુદીનો, આદું, લીલી ચા, તુલસી અને લીંબુ નાખીને પાણી બે મિનિટ ઉકાળી લેવું. એ ગાળીને એમ ને એમ અથવા ઇચ્છા હોય તો ગોળ કે મધ નાખીને પી શકાય. આ સમયે શિંગોડા પણ શેકીને ખાઈ શકાય છે. મકાઈ ખાવી હોય તો દેશી સફેદ દાણાવાળી જ ખાવી. સ્વીટ કૉર્ન ખાસ સારા ગણાતા નથી.



આ સીઝનમાં બીમારીથી બચવા એક પ્રકારનો કાઢો પી શકાય. એક ચમચી તુલસીનો રસ લેવો. ૧૦-૧૫ તુલસીનાં પાનને મસળીને કે પથ્થરથી ઘસીને આ રસ મળી શકે છે. મિક્સરમાં એ કાઢવાની જરૂર રહેતી નથી. એમાં એક ચમચી આદુંનો રસ, ચપટી હળદર અને ચપટી તજનો પાઉડર ઉમેરવો. આ ચારેય વસ્તુઓ ભેગી કરી એમાં એક ચમચી મધ ભેળવીને પી જાઓ. ઘણા લોકો વરસાદમાં પલળીને આવે એટલે તેમને તરત જ શરદી-ઉધરસ-તાવ જેવી તકલીફ થાય છે. જો એમ ન થાય તો છીંકો શરૂ થઈ જાય છે. ઘણાને એકદમ ઠંડી લાગી જાય તો ઘણાને એકદમ જ થાક લાગે. આવું ન થાય એ માટે ઘરે આવતાંની સાથે આ રેમેડી લઈ લેવી હિતાવહ છે. વળી બાળકો પલળવાથી જલદી માંદાં પડે છે. તેમને પણ આ રેમેડી આપી શકાય છે.


પલળીને આવો ત્યારે ઠંડીથી બચવા આ ઉપાય અજમાવી શકાય. તમને લાગે કે બાળક આજે ખૂબ પલળીને આવ્યું છે અને વધારે પડતી ઠંડક થઈ ગઈ છે તો લવિંગ અને અજમાની એક પોટલી બનાવવી. પાતળું સુતરાઉ કાપડ લઈ એમાં ૭-૮ લવિંગ અને ૧ ચમચી અજમો લઈને એની પોટલી જેવું બાંધી દેવું. એ પોટલીને ગરમ તવા પર લગાડી-લગાડીને બાળકની છાતી પર લગાડવી અને પગના તળિયે પણ શેક કરવો. ઠંડક ઊડી જશે અને શરદી નહીં થાય.


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2026 03:21 PM IST | Mumbai | Yogita Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK