જોકે એન્જિનિયરનાં સૅમ્પલ મુંબઈની કસ્તુરબા હૉસ્પિટલમાં જિનોમ સિક્વન્સિંગ માટે મોકલી અપાયાં છે

ફાઈલ તસવીર
ગયા વર્ષે માર્ચ મહિનામાં કોરોનાની શરૂઆત થઈ હતી ત્યારે ડોમ્બિવલીમાં ટર્કીથી લગ્નમાં સામેલ થવા આવેલા એક યુવકને લીધે કોરોનાનો પહેલો કેસ નોંધાયા બાદ કેસનો ગ્રાફ ખૂબ ઊંચે ગયો હતો. હવે સાઉથ આફ્રિકાથી આવેલો ૩૨ વર્ષનો એન્જિનિયર કોરોનાના અત્યાર સુધીના સૌથી ખતરનાક ગણાતા ઑમિક્રૉન વેરિઅન્ટથી સંક્રમિત હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તેના બ્લડનું સૅમ્પલ જિનોમ સિક્વેન્સિંગ માટે મુંબઈની કસ્તુરબા હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે. આ યુવકના ભાઈની રવિવારે કોવિડ ટેસ્ટ કરાઈ હતી જે નેગેટિવ આવી હતી, જ્યારે બાકીના ૮ પરિવારજનોની ગઈ કાલે થયેલી ટેસ્ટ પણ નેગેટિવ આવતાં પ્રશાસને રાહત અનુભવી છે.
કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાના કમિશનર ડૉ. વિજય સૂર્યવંશીએ ગઈ કાલે માહિતી આપી હતી કે ‘સાઉથ આફ્રિકાથી વાયા દિલ્હી ડોમ્બિવલી આવેલા ૩૨ વર્ષના યુવકને ક્વૉરન્ટીન સેન્ટરમાં આઇસોલેટ કરવામાં આવ્યો છે. તેની નજીકના ૮ સંબંધીઓની કોવિડ ટેસ્ટ નેગેટિવ આવી છે. આ કોવિડ પેશન્ટની તબિયત સ્થિર છે અને તેના બ્લડનું સૅમ્પલ જિનોમ સિક્વેન્સિંગ કરવા માટે કસ્તુરબા હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે. વિદેશમાં ઑમિક્રૉન વેરિઅન્ટ ઝડપથી વધી રહ્યો છે એટલે કલ્યાણ-ડોમ્બિવલીમાં પણ સતર્કતા રખાઈ છે. ઑમિક્રૉન વાઇરસથી ડરવાની જરૂર નથી, પરંતુ બધાએ માસ્ક પહેરવાથી લઈને કોવિડના તમામ નિયમનું કડક પાલન કરવું જરૂરી છે.’
ઉલ્લેખનીય છે કે કોરોનાના અત્યાર સુધીના સૌથી જોખમી ગણાતા વેરિઅન્ટની માહિતી આવ્યા બાદ દેશ અને રાજ્યમાં વિદેશથી આવતા નાગરિકોની તપાસ વધારી દેવામાં આવી છે. આ તપાસને પગલે તાજેતરમાં સાઉથ આફ્રિકાથી વાયા દિલ્હી મુંબઈ નજીકના ડોમ્બિવલીમાં પહોંચેલા ૩૨ વર્ષના મર્ચન્ટ નેવી એન્જિનિયરની કરાયેલી કોવિડ ટેસ્ટ પૉઝિટિવ આવતાં તેને આઇસોલેટ કરવામાં આવ્યો છે.
પહેલી લહેરમાં ટર્કીના નાગરિકથી જોખમ વધેલું
માર્ચ ૨૦૨૦માં કોરોનાની એન્ટ્રી થઈ હતી ત્યારે ડોમ્બિવલીમાં પોતાના એક સંબંધીને ત્યાં લગ્નમાં સામેલ થવા ટર્કીથી આવેલા કોવિડ પૉઝિટિવ યુવકને લીધે પહેલો કેસ નોંધાયો હતો. ૯ માર્ચ, ૨૦૨૦ના રોજ આ યુવક ટર્કીથી મુંબઈ પહોંચ્યો હતો. વિદેશથી આવ્યો હોવાથી નિયમ મુજબ રાજ્ય સરકારે તેને ૧૪ દિવસ હોમ ક્વૉરન્ટીનમાં રહેવાનો આદેશ આપ્યો હોવા છતાં તે ૧૯ માર્ચે લગ્ન સમારંભમાં સામેલ થયો હતો, જેમાં સેંકડો લોકો હાજર હતા. ૨૫ માર્ચે આ યુવકની કોવિડ ટેસ્ટ પૉઝિટિવ આવતાં ડોમ્બિવલીમાં ખળભળાટ મચી ગયો હતો. એ સમયે કલ્યાણમાં કોવિડના ૪ પેશન્ટ્સ હતા, પરંતુ ડોમ્બિવલીમાં એક પણ કેસ નહોતો. જોકે આ લગ્ન સમારંભ બાદ આ યુવકના સંપર્કમાં આવનારાઓની ટેસ્ટ કરાતાં ૬ નવા કેસ સામે આવ્યા હતા. બાદમાં તો અનેક લોકોની કોવિડ ટેસ્ટ પૉઝિટિવ આવી હતી.