મહારાષ્ટ્રના ગ્રામ વિકાસ પ્રધાન અને BJPના વિધાનસભ્ય જયકુમાર ગોરેએ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના સ્થાપક શરદ પવાર વિશે ગઈ કાલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે "મારી રાજકીય કારકિર્દી ખતમ થશે તો ચાલશે, પણ શરદ પવાર સામે ઝૂકીશ નહીં"
જયકુમાર ગોરે
મહારાષ્ટ્રના ગ્રામ વિકાસ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાતારા જિલ્લાની માણ બેઠકમાંથી સતત ત્રણ વખત ચૂંટાઈ આવેલા વિધાનસભ્ય જયકુમાર ગોરેએ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના સ્થાપક શરદ પવાર વિશે ગઈ કાલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘માણની માટી અને જિલ્લાના રહેવાસીઓએ મને ખૂબ પ્રેમ કરીને પ્રચંડ મતથી વિજયી બનાવ્યો છે, પણ બારામતીના લોકોને સાધારણ પરિવારની વ્યક્તિ વિધાનસભ્ય કેવી રીતે બની એનું આશ્ચર્ય કાયમ રહ્યું છે. હું વિધાનસભ્ય બન્યો એ શરદ પવારે ૧૦ વર્ષ માન્ય કર્યું નથી. હવે પ્રધાન થઈ ગયો છું એ પણ તેમને ગમ્યું નથી. આજ સુધી લગભગ તમામ નેતાઓએ શરદ પવાર સાથે તડજોડ કરી હશે, પણ પશ્ચિમ મહારાષ્ટ્રમાં હું એકમાત્ર વ્યક્તિ છું જે શરદ પવાર સામે ઝૂકી નથી અને ભવિષ્યમાં ઝૂકીશ પણ નહીં. મારી રાજકીય કારકિર્દી ખતમ થઈ જશે તો ચાલશે, પણ શરદ પવાર સામે ક્યારેય ઘૂંટણિયે નહીં પડું. બારામતી સામે ઝૂક્યો હોત તો હું વિધાનસભ્ય તો બની જાત, પણ અહીંના ખેડૂતોના ખેતરમાં પાણી ન આવત. ગુલામગીરી સ્વીકારી હોત તો માણ ખટાવ ગામની માટીમાં વિકાસની ગંગા વહી રહી છે એ ક્યારેય ન વહેત. મારો બારામતી કે શરદ પવારનો વિરોધ નથી, મારો વિરોધ જેમણે અહીંની માટીને પાણીથી વંચિત રાખી એની સામે છે.’

